Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

બેન્ક ઓફ ઈન્ડીયા કાલાવડ રોડ શાખા દ્વારા ૧૪માં સ્થાપના દિવસની ઉજવણીઃ પ્રોડકટ ગેલેરીનું થયુ ઉદ્ઘાટન

રાજકોટ, તા. ૨૬ :. બેન્ક ઓફ ઈન્ડીયા કાલાવડ રોડ શાખા દ્વારા ગઈકાલે તેના ૧૪માં ફાઉન્ડેશન દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગ્રાહકો સાથે મિલન સમારંભ પણ યોજવામાં આવ્યો હતો. આ બેન્કની પ્રગતિની વિગતો ઝોનલ મેનેજર મનોજકુમાર અને બ્રાંચ હેડ એજીએમ રાજેશકુમાર દ્વારા પત્રકારોને આપવામાં આવી હતી.

બેન્કના આ બે ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, ૨૫-૯-૨૦૦૫ના રોજ આ બેન્કની સ્થાપના બાદ ટૂંકાગાળામાં બેન્ક સ્કેલ ફોર બ્રાંચ બની છે અને બેન્કે ૫૦૦ કરોડનો બીઝનેશ કર્યો છે. એક મોડલ બ્રાંચમાં જે સુવિધા હોવી જોઈએ તે આ બ્રાંચમાં મોજુદ છે. અહીં ઈ-ગેલેરી, અલગ ફોરેકસ વિભાગ પણ મોજુદ છે. આ પ્રસંગે ઝોનલ મેનેજર દ્વારા પ્રોડકટ ગેલેરીનું ઉદઘાટન પણ કરવામાં આવ્યુ હતું.

પત્રકારો સાથેની વાતચીતમાં બેન્કના અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, આ બ્રાંચ દ્વારા ગ્રાહકોની તમામ અપેક્ષાઓ સંતોષવામાં આવે છે એટલુ જ નહિ ગ્રાહકોને ભગવાન ગણી સેવા આપવામાં આવે છે. આ બેન્કે થાપણ, લોન સહિતની બાબતમાં નવા વિક્રમો નોંધાવ્યા છે. આ ઉપરાંત સરકાર હસ્તકની તમામ યોજનાઓનો અહી અમલ કરવામાં આવ્યો છે. ઝડપી સેવા અને વિનયી સ્ટાફ આ બેન્કની અનેરી ખાસીયત છે. આ પ્રસંગે બેન્કે પોતાના ગ્રાહકોને ટ્રોફીઓ આપી સન્માન્યા હતા.

(4:36 pm IST)