Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

'તમે સુધરતા જ નથી, તને તો મારી જ નાંખવો છે'...સાજીદ અને તેના મમ્મીની ધમકીઃ અજય બથવારે એસિડ પીધું

ગંજીવાડામાં અજયના કાકાના નાનકડા છોકરાઓ સાથે સાજીદના સગાના છોકરાઓ રમતાં-રમતાં ઝઘડી પડતાં નાની તકરારે મોટુ રૂપ પકડ્યું: થોરાળા પોલીસે એટ્રોસીટી હેઠળ ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૬: ગંજીવાડામાં રહેતાં અનુસુચિત જાતીના યુવાનના કાકાના નાના છોકરાઓ સાથે મુસ્લિમ પરિવારના છોકરાઓ રમતાં-રમતાં ઝઘડી પડતાં આ યુવાન મુસ્લિમ પરિવારના બાળકોને સમજાવવા જતાં તેના સગાઓએ ઉપરાણુ લઇ મારામારી કરી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં આ યુવાનને માઠુ લાગી જતાં તેણે ઘરે જઇ એસિડ પી લેતાં સારવાર માટે દાખલ કરવો પડ્યો હતો. પોલીસે એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધ્યો છે.

ગંજીવાડા શેરી નં. ૪૬માં રહેતો અજય દિનેશભાઇ બથવાર (ઉ.૧૯) સાંજે એસિડ પી જતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં સાજીદે ઝઘડો કરતાં પગલું ભર્યાનું જણાવતાં થોરાળા પોલીસને જાણ કરવામાં આવતાં એસીપી પૂર્વ બી.બી. રાઠોડની રાહબરી હેઠળ પોલીસે અજયની ફરિયાદ પરથી સાજીદ અને તેના મમ્મી સામે આઇપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪, એટ્રોસીટી કલમ ૩ (૧), આર-૩ (૨) ૫-એ મુજબ ગુનો નોંધ્યો છે.

અજયએ ફરિયાદમાં જણાવ્યું છે સાંજે તેના ઘર નજીક તેના કાકાના નાના છોકરા રમતાં હતાં ત્યારે પોશી સાજીદના સગાના છોકરાઓ પણ ત્યાં રમતાં હતાં. આ છોકરાઓએ ઝઘડો કરતાં પોતે સમજાવવા જતાં સાજીદ અને તેના માતા દોડી આવ્યા હતાં અને પોતાને જેમફાવે તેમ ભુંડી ગાળો દઇ 'તમે સુધરતા જ નથી, હવે બધા માર ખાવાના છો તને તો મારી જ નાંખવો છે' કહી ધમકી આપતાં પોતે ગભરાઇ ગયો હતો અને ઘરે જઇ એસિડ પી ગયો હતો.

અજયએ ફરિયાદમાં આગળ જણાવ્યું છે કે પોતે ઘરે ગયો ત્યાં ફરીથી સાજીદ અને તેની બાએ ઘર પાસે આવી ફરીવાર ઝઘડો કર્યો હતો અને પોતાના પિતાને પણ ધમકી આપી હતી કે 'તારા છોકરાને જ્યાં રાખવો હોય ત્યાં રાખજે' તેમ કહી ભયભીત કરી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત થાય તેવા શબ્દો કહ્યા હતાં. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(4:20 pm IST)