Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

ગાંધીગ્રામ ગોતમનગરના મયુરી પુરોહિતે બામટા પરિવાર સામે વળતી ફરિયાદ કરી

ભાઇના ભાગીદાર જીતુ બામટા સાથે કારખાના બાબતે વાત કરવા જતાં જીતુ બામટા, તેના પત્નિ જ્યોતિ, પુત્ર મયંક અને દર્શના મયંકે ગાળો દઇ જાપટો મારી ખૂનની ધમકી દીધાનો આરોપ

રાજકોટ તા. ૨૬: ગાંધીગ્રામ શેરી નં. ૨ એસ. કે. ચોકમાં રહેતાં જ્યોતિબેન જીતેન્દ્રભાઇ બામટા (ઉ.૪૬) નામના બ્રાહ્મણ મહિલાના ઘરે તેના પતિના કારખાનાના ભાગીદાર રણજીલ પુરોહિત અને તેની બહેન મયુરી પુરોહિતે આવી ધમાલ મચાવી તોડફોડ કર્યાની ફરિયાદ દાખલ થઇ હતી. હવે વળતી ફરિયાદ ગોૈતમનગર કૃતિ રેસિડેનસી સી-૩૦૧માં રહેતી મયુરીબેન વિનોદરાય પુરોહિત (ઉ.૨૮)એ નોંધાવી છે.

ગાંધીગ્રામ પોલીસે મયુરીબેનની ફરિયાદ પરથી જ્યોતિબેન જીતુભાઇ બામટા, તેના પતિ જીતુભાઇ નરસીભાઇ બામટા, પુત્ર મયંક જીતુભાઇ અને દર્શના મયંક સામે ગુનો દાખલ કર્યો છે. મયુરીબેને ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે ફર્નિચર ડિઝાઇનીંગનું કામ કરે છે. નાનો ભાઇ રંજીવ પ્લાસ્ટીકનો વેપાર કરે છે. ભાઇ રંજીવે દોઢ વર્ષ પહેલા ફઇના દિકરા જીતુભાઇ બામટા સાથે મળી  સમ્રાટ ઇન્ડસ્ટ્રીમાં જ્યોતિ પોલીકેમ નામે પ્લાસ્ટીકની ચીજવસ્તુનું કારખાનુ ભાગીદારીમાં ચાલુ કર્યુ હતું. જેમાં પૈસાનું રોકાણ તેના ભાઇ રંજીવે કર્યુ હતું. આ પછી જીતુભાઇ કારખાને જતાં ન હોઇ વહિવટ બરાબર ચાલતો નહોતો. જીતુભાઇ કામ સબબના પૈસા પણ બીજા લોકોને સમયસર આપતા ન હોઇ જેથી ભાઇ રંજીવ ટેન્શનમાં રહેતો હતો. તેણે પોતે હવે કારખાને નહિ જાય તેવી વાત કરતાં આ બાબતે પિતા કે જે હાલ લંડન હોઇ તેને ફોન કરીને જાણ કરતાં તેણે જીતુભાઇના ઘરે જઇ તેને સમજાવવાની વાત કરતાં પોતે જીતુભાઇના ઘરે ગઇ હતી ત્યારે જીતુભાઇ, તેના પત્નિ, પુત્ર સહિતનાએ ઝઘડો કરી ઘેરી લીધી હતી.

જેમાં મયંકે વાળ પકડી ધક્કો મારી બે જાપટ મારી દીધી હતી. ધક્કાને કારણે સીડી પરથી પડી જતાં ધાર લાગી ગઇ હતી. ત્યાં ભાઇ કાર લઇને નીકળતાં તે છોડાવવા માટે દોડી આવ્યો હતો. મયંકે હવે તું કેમ જીવતી રહે છે તે હું જોવ છું તેમ કહી ધમકી પણ આપી હતી. એ પછી પોતાને મુંઢ ઇજા થઇ હોઇ ક્રિષ્ના કલીનીકમાં સારવાર લીધી હતી. પોતે ગભરાઇ ગઇ હોઇ એક દિવસ મોડી ફરિયાદ કરી છે. તેમ મયુરીબેન જણાવતાં હેડકોન્સ. જીતેન્દ્રભાઇ બાળાએ વધુ તપાસ હાથ ધરી છે.

(4:01 pm IST)