Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

સુત્રધાર વિજય કુલપતિ સહિત ૩ ઝડપાયાઃ ૫૦૦ કિલો ગાંજો જપ્ત

જંગલેશ્વરમાંથી સોરાષ્ટ્રવ્યાપી ગાંજા વેંચાણનું નેટવર્ક ચલાવતી મદીના અને સાગ્રીતો ઝડપાયા બાદ મક્કમ પગલે આગળ ધપતી એસઓજી-ક્રાઇમ બ્રાંચની તપાસઃ 'ઓપરેશન બ્લેકહોક' તળે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રીની ટૂકડીને વધુ એક સફળતાઃ મુખ્ય સપ્લાયર સુરતના વિજય અશોક કુલપતિ અને ખંભાળીયાના મુકેશગીરીને જામનગર રોડ પરથી દબોચી લેવાયાઃ હવે ઓરિસ્સા-આંધ્રની : મુખ્ય સપ્લાય લિંક સુધી પહોંચવા પોલીસ કમિશ્નર અગ્રવાલનો આશાવાદઃ ગાંજો સંગ્રહવા માટે ખંભાળીયા અને ડાલીમાં રૂમો ભાડે રખાઇ હતીઃ ખંભાળીયામાં પોલીસની ભીંસ વધતા જથ્થો ઝડપાઇ જવાની બીકે ફરી રાજકોટ જંગલેશ્વરમાં લાવ્યા હતાં

તસ્વીરમાં ગાંજા નેટવર્કના સુત્રધારો વિજય કુલપતિ (શર્ટ પહેર્યો છે તે) તથા મુકેશગીરી (ટી-શર્ટવાળો) દેખાય છે. જ્યારે માહિતી આપી રહેલા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી ઝોન-૧ રવિકુમાર ખત્રી, ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જયદિપસિંહ એચ. સરવૈયા, પી.આઇ. એચ. એમ. ગઢવી તથા એસઓજી પીએસઆઇ સિસોદીયા, પીએસઆઇ ઉનડકટ સહિતની ટીમ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા) 

રાજકોટ તા. ૨૬: તાજેતરમાં પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના 'ઓપરેશન બ્લેકહોક' હેઠળ જંગલેશ્વરમાંથી ૩૫૭.૫૯૭ કિલો ગાંજો એસઓજીએ ઝડપી લઈ સ્થાનિક ઓપરેટર મુસ્લિમ મહિલા અને તેના મળતીયાઓને પકડી પાડ્યા હતા. આ ગાંજો સુરતથી આવતો હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યા બાદ રાજકોટ પોલીસની ટુકડીએ રાજકોટના પરાપીપળીયા નજીકથી મુખ્ય સૂત્રધાર સુરતના વિજય અશોક કુલપતિ અને ખંભાળીયાના મુકેશગીરી જસવંતગીરી ગોસ્વામીને ઝડપી લીધા છે. આ ઉપરાંત આ નેટવર્કના અન્ય એક શખ્સ ચેતનસિંહ ઉર્ફ રાજભા ભુપેન્દ્રસિંહ ઝાલા (ડાલી તા. વિરસદ જી. આણંદ)ને સ્થાનિક પોલીસની મદદથી ડાલી ગામેથી ઝડપી લઇ તેની પાસેથી ૫૦૦ કિલો જેટલો ગાંજો કબ્જે કર્યો છે.

આજે બપોરે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે આ બારામાં માહિતી આપતા જણાવ્યું હતું કે રાજકોટ સોૈરાષ્ટ્રના ગાંજા નેટવર્ક બાદ હવે રાજ્યવ્યાપી લિંક પણ મળી ચુકી છે. આણંદના ડાલી ગામને ગાંજો સંગ્રહવાનું કેન્દ્ર બનાવી ધંધાર્થીઓને વેંચવામાં આવતો હોવાનું ખુલ્યું છે. આવતા દિવસોમાં મુખ્ય સપ્લાય નેટવર્ક સુધી પહોંચવા અમે આશાવાદી છીએ.

પોલીસે સાઇબર સેલ અને આઇ-વે પ્રોજેકટ પરથી રાજકોટમાં ગાંજો સપ્લાય કરવા આવેલા અને ગાંજાનો જથ્થો જે ગાડીમાં લાવવામાં આવ્યો હતો તે અર્ટીગાના નંબર શોધી કાઢી તેના ચાલક બાવાજી શખ્સ ઘનશ્યામગીરીની ધરપકડ કરી હતી. ત્યારબાદ તબક્કાવાર આગળ ધપતી તપાસમાં પોલીસને માહિતી મળી હતી કે મુખ્ય સુત્રધાર સુરતનો વિજય અશોક કુલપતિ અને ચેતનસિંહ ઉર્ફ રાજભા ભુપેન્દ્રસિંહ ઝાલા (રહે. બંને સુરત)એ ગાંજાનો મોટો જથ્થો મંગાવી ચેતનસિંહના મામાના ગામ ડાલી (જી. આણંદ) ખાતે સંગ્રહ કર્યો હતો અને ત્યાંથી સોરાષ્ટ્રમાં જુદા-જુદા સપ્લાય નેટવર્ક મારફત મોકલે છે. આ પૈકી એક સબડીલર જામખંભાળીયાનો મુકેશગીરી જસવંતગીરી ગોસ્વામી છે. આ શખ્સ અગાઉ એનડીપીએસના ગુનામાં બે વખત પકડાઇ ગયો હતો અને પાછળથી ખંભાળીયાના જેકેવી નગર ખાતે મકાન ભાડે રાખી બંને મુખ્ય સુત્રધારોનો માલ સોૈરાષ્ટ્રમાં સપ્લાય કરવા માટે સંઘરી રાખતો હતો.

ડાલીથી ખંભાળીયા લાવવામાં આવેલો ગાંજાનો જથ્થો ઝડપાઇ જવાના ડરથી ફરી ટ્રકમાં તા. ૧૨/૯/૧૮ના રાજકોટ લાવ્યા હતાં. જે અંગે એસઓજીને માહિતી મળી જતાં જથ્થો પકડાઇ ગયો હતો. જો કે ત્યારે આ બંને છટકી ગયા હતાં. તપાસ દરમિયાન ઝડપાયેલા આરોપીઓના નિવેદનમાં ચેતનસિંહ ઉર્ફ રાજભાના મોબાઇલ ફોન નંબર મળ્યા હતાં. જેનું લોકેશન જીણવટભરી રીતે તપાસતા ડાલી ગામે મળતું હતું. આ માહિતીને સંદર્ભે ડીસીબી અને એસઓજીની ટીમોને ડાલી ગામે મોકલવામાં આવી હતી. જ્યાં આજે તા. ૨૬/૯/૨૦૧૮ના ૧૦:૧૫ કલાકે આરોપી ચેતનસિંહ ઉર્ફ રાજભા ભુપેન્દ્રસિંહ ઝાલાને ઝડપી લઇ ત્યાંથી ૫૦૦ કિલોથી વધુ ગાંજાનો જથ્થો સ્થાનિક પોલીસની મદદથી કબ્જે કરવામાં આવ્યો છે.

આ દરમિયાન વિજય કુલપતિ તેના સાગ્રીત ખંભાળીયાના મુકેશગીરીને મળવા જામનગર રોડ પર પરાપીપળીયાના પાટીયે આવવાનો હોવાની બાતમી મળતાં બંનેને સ્કોડા કાર નં. જીજે૫સીએમ-૬૪૬૨માંથી ઝડપી લેવાયા હતાં. વિજય સામે અગાઉ જામનગરમાં ગુનો નોંધાઇ ચુકય છે. જેમાં તે વોન્ટડ છે. આ ઉપરાંત સોૈરાષ્ટ્ર, ગુજરાતના અનેક પોલીસ સ્ટેશનોમાં તેનું નામ ખુલવાની શકયતા જોવાઇ રહી છે. 

મુખ્ય સુત્રધાર અને ગાંજાનો જથ્થો ઝડપી લેનાર ટીમની પીઠ થાબડતા પોલીસ અધિકારીઓઃ

ઇનામ માટે ભલામણ થશેઃ અગ્રવાલ

. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે સફળ કામગીરી કરનાર તમામ પોલીસ સ્ટાફના નામો પોલીસવડા મારફત ઇનામ માટે મોકલાશે તેવું જણાવ્યું હતું. આજની કામગીરીમાં ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એચ. એમ. ગઢવી, પીએસઆઇ ઉનડકટ, પીએસઆઇ કે. કે. જાડેજા, એસઓજીના પીએસઆઇ એચ. એમ. રાણા,  ડીસીબીના સિધ્ધરાજસિંહ ચુડાસમા, રાજેશભાઇ બાળા, વિરદેવસિંહ જાડેજા, રઘુવીરસિંહ વાળા, સિધ્ધરાજસિંહ જાડેજા, ડાયાભાઇ બાવળીયા, વિજયભાઇ ડાંગર, ઇન્દુભા ગોહિલ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પી.આઇ. એસ. એન. ગડ્ડુ, ઓ. પી. સિસોદીયા, હેડકોન્સ. આર. કે. જાડેજા, જીતુભા ઝાલા,  ફિરોઝભાઇ રાઠોડ, વિજેન્દ્રસિંહ ઝાલા, જયંતિગીરી, અનિલસિંહ ગોહિલ, મનરૂપગીરી, રાજુભાઇ ગીડા, ધર્મેન્દ્રસિંહ રાણા, મોહિતસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ ઝાલા, ચેતનસિંહ ગોહિલ, નિર્મળસિંહ ઝાલા, કૃષ્ણદેવસિંહ ઝાલા, મેહુલભાઇ મઢવી, ગિરીરાજસિંહ જાડેજા અને ગિરીરાજસિંહ ઝાલા જોડાયા હતાં.

(3:05 pm IST)