Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

ગોકુલધામ પાસે હરિદ્વાર પાર્કમાં એન્જિનીયરીંગની છાત્રા ક્રિષ્ના પટેલનો ગળાફાંસો ખાઇ આપઘાત

નાનો ભાઇ ટ્યુશનમાંથી આવ્યો ત્યારે બાવીસ વર્ષિય બહેન લટકતી મળીઃ લેઉવા પટેલ પરિવારમાં ગમગીનીઃ આપઘાત કરી લેનારી છાત્રા છેલ્લા સેમેસ્ટરમાં ભણતી હતી અને કેટલાક સમયથી ડિપ્રેશનમાં રહેતી હતી

રાજકોટ તા. ૨૬: ગોકુલધામ પાસે હરિદ્વાર પાર્કમાં રહેતી અને એન્જિનીયરીંગના છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરતી બાવીસ વર્ષની લેઉવા પટેલ છાત્રાએ ગળાફાંસો ખાઇ જિંદગીનો અંત આણી લેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

જાણવા મળ્યા મુજબ હરિદ્વાર પાર્ક-૨માં રહેતી ક્રિષ્ના રાજેશભાઇ મણવર (ઉ.૨૨) નામની યુવતિએ સાંજે ઘરમાં પંખાના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ તેણીએ દમ તોડી દીધો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના એએસઆઇ થોભણભાઇ પટેલ અને દિપસિંહ ચોૈહાણે  કરતાં માલવીયાનગરના પીએસઆઇ એ. આર. મલેક અને રાઇટર અરૂણભાઇ ચાવડાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર ક્રિષ્ના એક ભાઇથી મોટી હતી અને એન્જિનીયરીંગ કોલેજમાં છેલ્લા છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરતી હતી. તેના પિતા રાજેશભાઇ હીરજીભાઇ મવણરને સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કારખાનુ છે. સાંજે પિતા કારખાને હતાં, માતા બહાર ગયા હતાં ત્યારે નાનો ભાઇ પ્રશાંત ટ્યુશનમાંથી ઘરે આવતાં બહેનને લટકતી જોતાં હતપ્રભ થઇ ગયો હતો. પરિવારજનો, પડોશીઓને જાણ કરી તાકીદે તેણીને નીચે ઉતારી સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. પરંતુ અહિ સારવાર દરમિયાન દમ તોડી દેતાં સ્વજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.

પીએસઆઇ એ. આર. મલેક અને અરૂણભાઇ ચાવડાએ જરૂરી કાર્યવાહી કરી હતી. ક્રિષ્ના છેલ્લા કેટલાક સમયથી અભ્યાસને કારણે કે અન્ય કારણે ડિપ્રેશનમાં રહેતી હતી અને તેની દવા પણ ચાલુ હતી. આપઘાતનું ચોક્કસ કારણ બહાર ન આવતાં પોલીસે તપાસ યથાવત રાખી છે. (૧૪.૬)

(12:02 pm IST)