Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

દૂધ સાગર રોડ પર ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ ૬.૪૬ લાખના દારૂ સાથે નામચીન બુટલેગર અને સાગ્રીત ઝડપાયા

એસીપી જયદિપસિંહ સરવૈયા, પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ મહાવીરસિંહ બી. જાડેજા અને ટીમનો દરોડોઃ ઇમ્તિયાઝ ઉર્ફ લાલો સંધી અને પિન્ટુ પટેલની ધરપકડઃ કુલ ૧૫૮૪ બોટલ જપ્ત

તસ્વીરમાં પીઆઇ એચ. એમ. ગઢવી, પીએસઆઇ મહાવીરસિંહ બી. જાડેજા, હેડકોન્સ. ફિરોઝભાઇ શેખ, પ્રતાપસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા સહિતની ટીમ, બુટલેગરો અને મુદ્દામાલ સાથે જોઇ શકાય છે

રાજકોટ તા. ૨૬: શહેરમાંથી દારૂની બદ્દી નાબુદ કરવા પોલીસ કમિશ્નર અને જોઇન્ટ પોલીસ કમિશ્નરે આપેલી સુચના અંતર્ગત તમામ પોલીસ મથકો અને જુદી-જુદી બ્રાંચ દ્વારા સતત દરોડા પાડવામાં આવે છે. દરમિયાન દૂધ સાગર રોડ પર રહેતાં નામચીન બુટલેગરે વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતાર્યો હોવાની ક્રાઇમ બ્રાંચના  હેડકોન્સ. ફિરોઝભાઇ શેખ, હરદેવસિંહ જાડેજા અને કોન્સ. સોકતખાન ખોરમને બાતમી મળતાં દરોડો પાડી સંધી શખ્સ અને સાગ્રીત પટેલ શખ્સને ગુ. હા. બોર્ડ કવાર્ટર સામે આકાશદિપ સોસાયટીમાંથી રૂ. ૬,૪૬,૪૦૦ના ૧૫૮૪ બોટલ દારૂના જથ્થા સાથે ઝડપી લઇ વિશેષ પુછતાછ હાથ ધરવામાં આવી છે.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયાની સુચના અને પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ મહાવીરસિંહ બી. જાડેજા, પીએસઆઇ એસ. કે. રબારી, એએસઆઇ જયદિપસિંહ આર. રાણા, હેડકોન્સ. ફિરોઝભાઇ શેખ, પ્રતાપસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ ડી. જાડેજા, કોન્સ. સોકતખાન ખોરમ, યોગીરાજસિંહ જાડેજા, અમિતભાઇ ટુંડીયા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ફિરોઝભાઇ શેખ, હરદેવસિંહ અને સોકતખાનને મળેલી બાતમી પરથી દૂધ સાગર રોડ પર ગુ.હા. બોર્ડ કવાર્ટર બ્લોક નં. ૧૧૨ની સામે આકાશદિપ સોસાયટી-૧માં દરોડો પાડી ઇમ્તિયાઝ ઉર્ફ લાલો ભીખુભાઇ રાઉમા (સંધી) (ઉ.૨૮-રહે. ગુ.હા. બોર્ડ રિધ્ધી સિધ્ધી સોસાયટી-૪/૭નો ખુણો, બે માળીયા કવાર્ટર એમ-૧૦૩૯) તથા તેની સાથેના પિન્ટૂ મહેન્દ્રભાઇ માકંડીયા (પટેલ) (ઉ.૩૮-રહે. આકાશદિપ સોસાયટી-૧ ગુ.હા. બોર્ડ બ્લોક એલ-૫૦ કવાર્ટર નં. ૧૧૨)ને પકડી લીધા હતાં.

ઘરમાંથી પોલીસને પુઠાના બોકસનો જથ્થો જોવા મળ્યો હતો. તેમાં તપાસતાં સિગ્નેચર, બ્લેન્ડર્સ પ્રાઇડ, બેગપાઇપર વ્હીસ્કીની બોટલો મળી આવી હતી. પોલીસને કુલ રૂ. ૬,૪૬,૪૦૦ની કિંમતની ૧૫૮૪ બોટલો મળતાં તે તથા રૂ. ૫૩ હજારના બે ફોન તથા રૂ. ૯૧૦૦ રોકડા મળી કુલ રૂ. ૭,૦૮,૫૦૦નો મુદ્દામાલ કબ્જે લેવાયો હતો. પોલીસ સુત્રોના કહેવા મુજબ ઇમ્તિયાઝ ઉર્ફ લાલો જુનો બુટલેગર છે અગાઉ પણ સોૈરાષ્ટ્રના જુદા-જુદા શહેરોમાં દારૂના ગુનામાં પકડાઇ ચુકયો છે. તેણે પોતે જ આ દારૂનો જથ્થો મંગાવ્યો હોવાની અને રિક્ષાચાલક મિત્ર પિન્ટૂના ઘરમાં ઉતાર્યો હોવાનું કબુલતાં બંનેની ધરપકડ કરવામાં આવી હતી. દારૂ કયાંથી મંગાવ્યો? કોને-કોને સપ્લાય કરવાનો હતો? તે સહિતના મુદ્દે પુછતાછ કરવાની હોઇ બંને શખ્સને રિમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજૂક રવા તજવીજ કરવામાં આવી રહી છે.  (૧૪.૫)

ઇમ્યિતાઝ ઉર્ફ લાલાનો ૫૦ હજારવાળો મોંઘોદાટ મોબાઇલ પણ કબ્જે

.પોલીસ સુત્રોના કહેવા મુજબ ઇમ્તિયાઝ ઉર્ફ લાલો જુના બુટલેગર તરીકે પંકાયેલો છે. તેની પાસેથી રૂ. ૫૦ હજારની કિંમતનો સેમસંગ એસ-૯ પ્લસ મોડેલનો મોંઘોદાટ મોબાઇલ ફોન પણ કબ્જે લેવાયો છે.

(12:00 pm IST)