Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

યોગ્ય દિશાની મહેનતથી ખેડૂતો દેશની વિકાસ ધૂરા સંભાળી શકશેઃ માંડવિયા

તરઘડિયા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે વાર્તાલાપ

રાજકોટ, તા. ૨૬ :. કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખભાઈ માંડવિયાએ રાજકોટ જિલ્લાના ખેડૂતોને જણાવ્યુ હતું કે, આયોજનપૂર્વકની અને યોગ્ય દિશાની મહેનતથી આવનારા સમયમાં ખેડૂતો દેશના વિકાસની ધૂરા સંભાળી શકશે.

તરઘડીયાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજાયેલા ખેડૂતો સાથેના સીધા વાર્તાલાપમાં ઉપસ્થિત ખેડૂતોને સંબોધતા માર્ગ પરિવહન, હાઈવે, શિપિંગ, કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઈઝર વિભાગના કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખભાઈ માંડવિયાએ ઉમેર્યુ હતું કે તેમની આ મુલાકાત મારફતે ખેડૂતો પાસેથી મળેલા સૂચનોને રાષ્ટ્રીય કૃષિ નીતિ ઘડવામાં ઉપયોગમાં લેવામાં આવશે. દેશના તમામ બંદરો પર એક જેટી માત્ર કૃષિ પેદાશોની નિકાસ માટે જ ફાળવાઈ હોવાની સરકારી નિર્ણયની ખેડૂતોને જાણ કરી હતી.

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, તરઘડીયા(રાજકોટ)ના સિનીયર સાયન્ટિસ્ટ તથા હેડ ડો. બી.બી. કાબરિયાએ સ્વાગત પ્રવચનમાં સંસ્થાનો પરિચય તથા પ્રવૃતિઓનો ચિતાર રજૂ કર્યો હતો. વિવિધ ગામોમાંથી આવેલા ખેડૂતોએ તેમની સાફલ્યગાથાઓ મંત્રી શ્રી માંડવિયા સમક્ષ રજૂ કરી હતી.

આ પ્રસંગે કૃષિ ઈજનેરી કોલેજના આચાર્ય ડો. શર્મા, સુકી ખેતી સંશોધન કેન્દ્રના વડા ડો. હીરપરા, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો ડો. જીવરાજ ચૌધરી, ડો. એમ.એમ. તાજપરા, ડી.પી. સાનેપરા, શ્રીમતિ હેતલબેન મણવર, અન્ય કર્મચારીઓ, રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી આવેલા ખેડૂતો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.(૨-૨)

(9:53 am IST)