Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

વરસાદે બોધ પાઠ ભણાવ્યો

પ૪ સ્થળોએ સ્ટોર્મ વોટર ડ્રેનેજનાં એસ્ટીમેન્ટ બનાવવા સૂચના : પુષ્કર પટેલ

રાજકોટ, તા. ર૬ :  ગઇકાલે માત્ર ૩ાા ઇંચ વરસાદમાં સમગ્ર શહેરમાં જળબંબાકાર સ્થિતિ સર્જાઇ હતી. જેના કારણે મ.ન.પા.નાં અધિકારીઓ-પદાધિકારીઓમાં જબરી દોડધામ મચી હતી. બીજી તરફ પાણી ભરાવાની સ્થિતિ બેકાબુ બનતાં લોક રોષ જોવા મળ્યો હતો. દરમિયાન આજે સવારે જ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન, પુષ્કર પટેલે અધિકારીઓ સ્પષ્ટ સુચન કર્યુ હતું કે હવે શહેરમાં સ્ટોર્સ વોટર ડ્રેનેજ એટલે કે વરસાદી પાણી નિકાલ માટેની ખાસ પાઇપ લાઇનની યોજનાં ગંભીરતાપૂર્વક અમલમાં મુકવી જરૂરી છે. આથી તમામ ૧૮ વોર્ડમાં અંદાજે ૩-૩ જેટલા સ્થળો એવા છે કે જયાં વરસાદી પાણી ભરાવાની કાયમી સમસ્યા છે. આવા સ્થળોનો સર્વે કરી સ્ટોર્સ વોટર ડ્રેનેજનાં એસ્ટીમેન્ટ-ટેન્ડર વગેરેની પ્રક્રિયા ચોમાસા દરમિયાન જ હાથ ધરવી જોઇએ જેથી દિવાળી બાદ તેના કામ શરૂ થઇ જાય અને ભવિષ્યમાં પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ આવે.

આ બાબતે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે ''શહેરમાં આવેલા ૧૮ જેટલા વોર્ડમાં બે થી ત્રણ સ્થળ એવા હોય છે કે જયાં વરસાદી પાણી ભરાઇ રહે છે.

અગાઉનાં વર્ષોમાં વરસાદનું પ્રમાણ ઓછું શહેરનો વિસ્તાર પણ નાનો હતો તેથી પાણી ભરાવાની સમસ્યા નહીવત હતી. પરંતુ હવે શહેરમાં નવા ગામ ભેળવાયા છે. તેના નદી-નાળા આસપાસ વસાહતો વધી છે. રસ્તાઓ બન્યા છે અને છેલ્લા પાંચ વર્ષથી વરસાદ પણ વધુ પડે છે. આ બધા પરિબળોને કારણ હવે શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજ અનિવાર્ય બની છે.

આથી એક અંદાજ મુજબ તમામ ૧૮ વોર્ડમાં ત્રણ-ત્રણ સ્થળ તો એવા હશે જ કે જયાં વરસાદી પાણી ભરાઇ રહેતુ હોય અને નિકાલ શકય નહોય. આથી આવા સ્થળોનો સર્વે કરીને ''સ્ટોર્મ વોટર ડ્રેનેજ કયાંથી  કેટલે સુધી નાંખવી તેનું એસ્ટીમેટ બનાવી ટેન્ડર વગેરેની પ્રક્રિયા શરૂ કરવા આજે મ્યુ. કમિશ્નર સહિતનાં અધિકારીઓને જણાવાયું હતું.

(3:42 pm IST)