Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

ધ્વની પ્રદુષણ કરનારા અને ધૂમ સ્ટાઇલ બાઇક દોડવનારા ચાલકો પર તવાઇ

ટ્રાફિક બ્રાંચની ડ્રાઇવમાં ૩૪ પકડાયાઃ૧૩ વાહનો ડિટેઇનઃ દંડ પણ વસુલાયો

રાજકોટ તા. ૨૬: શહેરમાં ગઇકાલે જયાપાર્વતીના જાગરણ નિમીતે શહેર ટ્રાફિક બ્રાંચ દ્વારા ધૂમ સ્ટાઇલથી બાઇક દોડાવનારા અને બાઇકમાંથી કંપનીના સાયલેન્સર કઢાવી બીજા મોટો અવાજ કરી ધ્વની પ્રદુષણ ફેલાવે તેવા સાયલેન્સર ફીટ કરીને  બાઇક દોડાવનારા ચાલકો સામે ડ્રાઇવ યોજવામાં આવી હતી. ટ્રાફિક બ્રાંચની ટીમોએ આવા ૩૪ કેસ કર્યા હતાં અને ૧૩ વાહનો ડિટેઇન કર્યા હતાં.

એસીપી ટ્રાફિક વી. આર. મલ્હોત્રાના જણાવ્યા મુજબ ટ્રાફિક બ્રાંચની ટીમોએ અવાજનું પ્રદુષણ ફેલાવે તેવા સાયલેન્સર સાથે નીકળેલા અને બીજા માટે તથા પોતાના માટે જોખમ સર્જતા ધૂમ સ્ટાઇલ બાઇક ચાલકો સામે ડ્રાઇવ યોજી હતી. જે અંતર્ગત ૩૪ વાહન ચાલકો સામે કાર્યવાહી કરી ૨૩ કેસ કરી રૂ. ૨૨ હજારનો દંડ વસુલ્યો છે. એક કેસ આરટીપી એપ્લીકેશન હેઠળ કરાયો હતો. ૧૩ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણાની સુચના અને માર્ગદર્શન હેઠળ આગામી દિવસોમાં પણ વધુને વધુ આવી ડ્રાઇવ ઓચીંતી યોજવામાં આવશે. વાહન ચાલકો નિયમોનું પાલન કરી દંડ અને કાર્યવાહીથી બચી શકે છે.  

(3:07 pm IST)