Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

રાજકોટના રાજવી પરિવારની સ્થાવર મિલ્કત મુદ્દે આજે વધુ એક સુનાવણી થઇ સામસામી જોરદાર દલીલોઃ બાદમાં ચૂકાદો

માધાપર ક્ષેત્રની જમીનનો મામલોઃ કાચી નોંધ પડાવતા તકરારનો કેસ સીટી પ્રાંત-ર માં

રાજકોટ તા. ર૬ :.. રાજકોટના રાજવી પરિવારનો સ્થાવર મિલકત અંગેનો કેસ સીટી પ્રાંત-ર શ્રી ચરણસિંહ ગોહીલ સમક્ષ શરૂ થતા આજે આ તકરારી નોંધના કેસમાં વધુ એક સુનાવણી થઇ હતી.

સુત્રોના ઉમેર્યા પ્રમાણે બંને પક્ષ એટલે કે ઠાકોરશ્રી માધાતાસિંહ જાડેજા અને તેમના બેન ઝાંસી સ્થિત શ્રી અંબાલિકાદેવી પુષ્પેન્દ્રસિંહ વચ્ચે ૪૦ થી ૪પ મીનીટ સીટી પ્રાંત-ર સમક્ષ જોરદાર દલીલો થઇ હતી, બંને પક્ષે પુરાવાઓ સાથે પોતાના એડવોકેટ સાથે દલીલો કરી હતી, હવે ચૂકાદો આગામી દિવસોમાં જાહેર થશે.

દરમિયાન આ બાબતે સીટી પ્રારંત-ર શ્રી ચરણસિંહે 'અકિલા' ને જણાવેલ કે બંને પક્ષે દલીલો થઇ છે, દલીલો અંગે કોઇ વિગતો નહિ આપી શકાય, પરંતુ હવે કોઇ મુદત પડી નથી, હવે અભ્યાસ કરી અમે નિર્ણય લઇશું.

અત્રે એ નોંધનીય છે કે માધાપર વિસ્તારની જમીનનો આ કેસ છે, માધાંતાસિંહજીએ આ જમીનમાં પોતાના બેન અંબાલિકાદેવીનું નામ કમી કરવા કાચી નોંધ પડાવી હતી તેની સામે વાંધો લઇ બહેને પોતાનો હકક પણ ઉઠાવ્યો છે, બે મુદતમાં બંનેએ પોતપોતાની સાબીતી આપી છે, જમીનની માલિકી હજુ નકકી નથી થઇ. આજે સુનાવણી પૂરી થઇ છે, સીટી પ્રાંત-ર ના જણાવ્યા મુજબ હવે અભ્યાસ કરી ચૂકાદો અપાશે. 

(3:07 pm IST)