Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

રાજકોટ-જુનાગઢમાંથી ચોરાયેલા ૬ બૂલેટની ચોરીનો ભેદ ઉકેલાયોઃ કુતિયાણા પોલીસે હિરેનને દબોચ્યો

રાજકોટ રૂમ રાખીને કોલેજમાં ભણતાં યુવાનને બૂલેટ ફેરવવાના શોખે ઉઠાવગીરી બનાવી દીધો! : પીએસઆઇ એચ. બી. ધાંધલ્યા અને ટીમે નંબર વગરના એક બૂલેટ સાથે પકડ્યા બાદ વધુ પાંચ ચોરાઉ બૂલેટ કાઢી આપ્યાઃ સ્ટીલ ગ્રે કલરના બૂલેટ જ ચોરતોઃ મન ભરાઇ જાય એટલે રેઢુ મુકી બીજુ ઉઠાવી લેતો! : હિરેને મિત્રોમાં પોતાનું ઉર્ફ નામે 'માફીયા' રાખ્યું હતું : હિરેને મિત્રોમાં પોતાનું ઉર્ફ નામે 'માફીયા' રાખ્યું હતું

રાજકોટ તા. ૨૬: અમુક વખત કોઇ બાબતનો શોખ જે તે વ્યકિત આર્થિક કારણોસર કે બીજા કારણોસર સંતોષી ન શકે તો ખોટા રવાડે પણ ચડી જતો હોય છે. મુળ જુનાગઢના માણાવદરના વેકરી ગામના અને હાલ રાજકોટ રૂમ રાખીને કોલેજમાં અભ્યાસ કરતાં પણ લોકડાઉનને કારણે વતન ગયેલા હિરેન ઉર્ફ માફીયા નેભાભાઇ ખોડભાયા (ઉ.વ.૧૮)ને કુતિયાણા પોલીસે એક ચોરાઉ બૂલેટ સાથે ઝડપી લીધા બાદ વિશેષ પુછતાછ કરતાં તેણે એક વર્ષમાં કુલ છ બૂલેટ ચોરી કર્યાનું કબુલતાં તેની ધરપકડ કરી રૂ. ૭,૫૦,૦૦૦ના છ બૂલેટ કબ્જે કરાયા છે. જેમાંથી ત્રણ તેને રાજકોટ ગાંધીગ્રામ પોલીસની હદમાંથી ચોરી કર્યા હતાં.

કુતિયાણા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ. ભરતભાઇ અને નટવરભાઇએ બાતમીને આધારે નંબર પ્લેટ વગરના બૂલેટ સાથે વેકરીના હિરેન ઉર્ફ માફીયાને પકડી તેના કાગળો માંગતા તેણે ગોળ ગોળ જવાબો આપ્યા હતાં. પીએસઆઇ એચ. બી. ધાંધલ્યાએ પોકેટ કોપ મોબાઇલ એપમાં સર્ચ કરતાં આ બૂલેટના માલિક જુનાગઢના હોવાનું ખુલતાં હિરેનની વિશેષ પુછતાછ થતાં તેણે જુનાગઢ લક્ષ્મીનગર સોસાયટીના શિવાલય એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી આ બૂલેટ ઉઠાવ્યાનું અને નંબર પ્લેટ કાઢીને ફેરવતો હોવાનું કબુલ્યું હતું.

આકરી પુછતાછ થતાં તેણે છેલ્લા એક વર્ષમાં રાજકોટથી ત્રણ અને જુનાગઢની બીજા બે મળી કુલ છ બૂલેટ ચોરી કરી બાદમાં રેઢા મુકી દીધાનું કબુલતાં પોલીસે આ છએય બૂલેટ કબ્જે કર્યા છે. હિરેન ઉર્ફ માફીયા માતા-પિતાથી અલગ રાજકોટ રૂમ રાખીને કોલેજમાં ભણે છે. હાલમાં લોકડાઉન હોઇ તે વતન આવ્યો હતો. તેને સ્ટીલ ગ્રે રંગના બૂલેટ ફેરવવાનો શોખ હોઇ ખરીદી શકે તેમ ન હોવાથી ચોરી કરવાનું શરૂ કર્યુ હતું. એક બૂલેટ ચોરી નંબર પ્લેટ કાઢી ફેરવતો હતો. મન ભરાઇ જાય એટલે રેઢુ મુકી દઇ બીજુ એવા જ રંગનું (મોટે ભાગે સ્ટીલ ગ્રે કલરનું) બુલેટ ચોરતો હતો.

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર, પોરબંદર પોલીસ અધિક્ષક ડો. રવિમોહન સૈનીની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક પોરબંદર ગ્રામ્ય એસ. એમ. ગોહિલની રાહબરી હેઠળ કુતિયાણા પીએસઆઇ એચ. બી. ધાંધલ્યા, હેડકોન્સ. એચ. ડી. સિસોદીયા, કોન્સ. નટવરભાઇ, ભરતભાઇ, બલદેવભાઇ, યશપાલસિંહ અને પિયુષભાઇએ આ કામગીરી કરી હતી. હિરેન મિત્રો-પરિચીતોમાં માભો જમાવવા પોતાનું ઉર્ફ નામ માફીયા જણાવતો હતો.

રાજકોટમાં આ ત્રણ સ્થળોએથી ચોર્યા હતાં

એક બૂલેટ રૈયા રોડ એચ.પી. પેટ્રોલ પંપ પાસે બીસ્ટ જીમવાળી શેરીમાંથી, એક યુનિવર્સિટી રોડ આકાશવાણી ચોક પીજીવીસીએલ પાછળ પેરેમાઉન્ટ-૨ જય જીનેન્દ્ર મકાન સામેની શેરીમાંથી અને અન્ય એક આકાશવાણી ચોક પીજીવીસીએલ પાછળની શેરીમાંથી ચોરી કર્યાનું હિરેને કબુલ્યું છે.

(1:04 pm IST)