Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

આઇબ્રો કરાવવા ગયા બાદ ૧૬ વર્ષની બાળા ગૂમઃ મોરબીના બંસી વિરૂધ્ધ અપહરણનો ગુનો

એ-ડિવીઝન પોલીસે અપહરણ-એટ્રોસીટી સહિતની કલમો હેઠળ કાર્યવાહી કરી

રાજકોટ તા. ૨૬: શહેરના એ-ડિવીઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષની સગીરા ગત ૨૨મીએ ઘરેથી આઇબ્રો કરાવવા જવાનું કહીને નીકળ્યા બાદ ગૂમ થતાં શોધખોળ બાદ પણ ન મળતાં અપહરણનો ગુનો નોંધાવાયો છે. તેણીને મોરબીનો બંસી નામનો શખ્સ ભગાડી ગયાની શંકા દર્શાવાતાં પોલીસે અપહરણ, એટ્રોસીટીની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે અપહૃત ૧૬ વર્ષની બાળાના પિતાની ફરિયાદ પરથી મોરબીના બંસી બાવાજી નામના શખ્સ સામે આઇપીસી ૩૬૩, ૩૬૬, એટ્રોસીટી એકટની કલમો હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

ફરિયાદીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે હું ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવું છું. મારે ચાર સંતાન છે. જેમાં ૧૬ વર્ષની દિકરી જે ધોરણ-૯માં ભણે છે. તા.૨૨/૭ના બપોરે હું ઘરે હતો. જમીને સુઇ ગયા બાદ ચારેક વાગ્યે જાગ્યો ત્યારે મારી આ દિકરી જોવા મળી નહોતી. મારા પત્નિને પુછતાં તેણે કહેલું કે દિકરી સાડા ત્રણેક વાગ્યે બાથરૂમ જવાનું કહીને અને બાદમાં આઇબ્રો કરાવવા ઘર નજીક બ્યુટીપાર્લર છે ત્યાં જવાની છે તેમ કહીને ગઇ હતી.

અમે તપાસ કરતાં તે બાથરૂમમાં પણ નહોતી અને નજીકમાં આવેલા બ્યુટી પાર્લર ખાતે જતાં ત્યાંથી એવું કહેવાયું હતું કે આઇબ્રો કરાવીને તે જતી રહી છે. એ પછી અમે તેની શોધખોળ કરી હતી. ઠેકઠેકાણે તપાસ કરવા છતાં પત્તો ન મળ્યો નહોતો. ઘરમાં તપાસ કરતાં દિકરીનું આધારકાર્ડ, જન્મ તારીખનો દાખલો સહિતના ડોકયુમેન્ટ અને તેણીના કપડા જોવા મળ્યા નહોતાં. આ બધુ તે સાથે લઇ ગયાનું જણાયું હતું.

વધુ તપાસ કરતાં અમને ખબર પડી હતી કે અમારી દિકરી મોરબીના બંસી બાવાજી નામના છોકરા સાથે ફોનમાં વાત કરતી હતી. તેણી સગીર વયની હોઇ અને લગ્ન થઇ શકે તેમ ન હોઇ છતાં બંસી તેને લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયાની અમને શંકા છે. પીઆઇ સી. જી. જોષી સહિતે ગુનો દાખલ કરતાં એસસીએસટી સેલના એસીપીશ્રીએ આગળની તપાસ હાથ ધરી છે.

(1:03 pm IST)