Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

ફિલ્મોરા મીડિયા નેટવર્ક દ્વારા આજે 'મીસ એન્ડ મીસીસ કવીન ઓફ ઇન્ડિયા' એવોર્ડ શો

શ્રેષ્ઠ ડીઝાઇનર, ફોટોગ્રાફર, મોડેલ્સ, મેક અપ આર્ટીસ્ટ એમ વિવિધ કેટેગરીમાં 'દાદા ફાળકે ઇન્ડીયન ટેલીવીઝન' એવોર્ડ જાહેર : શ્રેષ્ઠ સંગીતકાર તરીકે પંકજ ભટ્ટનુ અદકેરૂ સન્માન ક્રિષ્ના ચૌહાણ ફાઉન્ડેશન દ્વારા પણ મ્યુઝીક ડાયરેકટર તરીકે પંકજ ભટ્ટને દાદા સાહેબ ફાળકે એવોર્ડ

રાજકોટ તા. ૨૬ : ફિલ્મોરા મીડિયા નેટવર્ક દ્વારા આજે 'મીસ એન્ડ મીસીસ કવીન ઓફ ઇન્ડયા'ના વિજેતાઓને 'દાદા સાહેબ ફાળકે ઇન્ડીયન ટેલીવીઝન એવોર્ડ ૨૦૨૧' જાહેર કરવાનો સમારોહ ઓર્ચીડ હોટલ, વીલે પાર્લેલ મુંબઇ ખાતે યોજાયો છે.

મ્યુઝીક ડાયરેકટર પંકજ ભટ્ટની અધ્યક્ષતમાં બપોરે ર વાગ્યાથી પ્રારંભ થયેલ આ ઇન્ડયાઝ બીગેસ્ટ એવોર્ડ  શો દરમિયાન શ્રેષ્ઠ ડીઝાઇનર, ફોટોગ્રાફર, મોડેલ્સ, મેક અપ આર્ટીસ્ટ એમ વિવિધ કેટેગરીમાં ભાગ લેનાર સ્પર્ધકોમાંથી મીસ એન્ડ મીસીસ કવીન ઓફ ઇન્ડીયા એવોર્ડસ જાહેર કરવામાં આવ્યા હતા.

જેમની અધ્યક્ષતમાં આ સમારોહ યોજાયો છે એવા ગુજરાતી સંગીતના ધરોહર સમાન પંકજ ભટ્ટનું પણ આ તકે દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માન કરવામાં આવનાર છે. તેમને આ પહેલા ૨૦૧૮ માં પણ શ્રેષ્ઠ સંગીતકાર તરીકે ફાળકે એવોર્ડ દાદા સાહેબ ફાળકેના પૌત્ર ચંદ્રશેખરજીના હસ્તે એનાયત થયો હતો. ગુજરાતી અને હિન્દી જગતમાં ૧૭૦ થી વધુ ફિલ્મોમાં શ્રેષ્ઠ સંગીત આપનાર પંકજભાઇ હાલ ગુજરાત રાજય સંગીત નાટય એકેડમીમાં અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે. 'પંખીડા ઓ પંખીડા' ગુજરાતી ગરબાથી ગુજરાતી સંગીતમાં ડંકો વગાડી દીધા બાદ અનેક સન્માન તેઓ હાંસલ કરી ચુકયા છે. ૨૦૦૯ માં તે સમયના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે તેઓને 'ગુજરાત રત્ન' એવોર્ડ મળેલ. તેમજ ગુજરાતનો પ્રથમ કહી શકાય તેવો ગૌરવ પુરસ્કાર તેઓને ૧૯૯૪ માં શ્રી શંકરસિંહજી વાઘેલાના હસ્તે એનાયત થયો હતો. હિન્દી ફિલ્મ 'અગ્નિકાલ' માં શ્રેષ્ઠ સંગીત પીરસવા બદલ મહારાષ્ટ્ર સરકાર પણ તેઓનું બહુમાન કરી ચુકી છે.

તાજેતરમાં એટલે કે ગત તા. ૧૧ મીએ ક્રિષ્ના ચૌહાણ ફાઉન્ડેશન દ્વારા દાદા ફાળકે એવોર્ડ સમારોહ મેયર્સ હોલ, અંધેરી મુંબઇ ખાતે યોજવામાં આવેલ તેમાં મ્યુઝીક ડાયરેકટર પંકજ ભટ્ટને સન્માનીત કરવામાં આવ્યા હતા. ત્યારે આજે ફરી ફિલ્મોરા મીડિયા નેટવર્ક દ્વારા પણ તેઓનું સન્માન થવા જઇ રહ્યુ છે. મ્યુઝીક ડાયરેકટર તરીકે પંકજભાઇ ભટ્ટ (મો.૯૪૨૬૬ ૧૯૩૮૩) ને આ ઝળહળતી સિધ્ધ બદલી ઠેરઠેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે.

(1:02 pm IST)