Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

રાજકોટમાં શનિ-રવિમાં ૯ ઈંચ : મોસમનો ૨૧

શહેરમાં ગઈકાલ બપોરે ૨:૩૦ વાગ્યાથી દેધનાધન ચાલુ થઈ ગયો હતોઃ બપોરે ૩ થી ૫ સુધીમાં ૩II ઈંચ પાણી પડી ગયુ'તું : કોર્પોરેશનના ફલડકંટ્રોલ રૂમમાં મોસમનો કુલ ૨૧ તો હવામાન ખાતામાં ૧૮ ઈંચ નોંધાયોઃ આખીરાત ધીમીધારે ચાલુ રહયો : ૨૪ કલાક વરસાદી માહોલ જળવાઈ રહેશે, એકાદ બે સ્થળોએ ભારે ખાબકશેઃ ૨૮મીએ ઉત્તર બંગાળની ખાડીમાં નવું લો પ્રેસર બનશે જેની અસરથી ફરી વરસાદનો રાઉન્ડઃ હવામાન ખાતુ

રાજકોટઃ સમગ્ર ગુજરાત ઉપર મેઘરાજા મહેરબાન છે. ગત શનિવારે અને ગઈકાલે રવિવારે સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. તો રાજકોટ શહેરમાં બે દિવસ (શનિ- રવિ)માં ૯ ઈંચ ખાબકી ગયો છે. શહેરની શેરી ગલીઓથી લઈ જાહેર માર્ગો ઉપર પાણીની નદીઓ વહી હતી.

હવામાન ખાતાએ જણાવ્યું છે કે બંગાળની ખાડીની સિસ્ટમ્સની અસરથી ૨૪ કલાક વરસાદી માહોલ જોવા મળશે. તો એકાદ બે સ્થળોએ ભારે વરસાદની શકયતા છે. આમ, આજનો દિવસ મેઘાવી માહોલ રહેશે. ત્યારબાદ મંગળ- બુધ હળવા ભારે ઝાપટાનો દોર રહેશે. તા.૨૮ના ઉત્તર બંગાળની ખાડીમાં એક લો પ્રેસર બનશે. જેની અસરથી ૨૯મીથી ફરી વરસાદી રાઉન્ડ જોવા મળશે.

દરમિયાન રાજકોટ શહેરમાં ગત શનિવારે બપોરથી મેઘરાજાની સટાસટી જોવા મળી હતી. જે આખો દિવસ ચાલુ રહ્યો હતો. બાદ ગઈકાલે રવિવારે રજાના દિવસે સવારથી વાદળછાયુ વાતાવરણ જોવા મળેલ. બપોરના ૨:૩૦ વાગ્યાથી ફરી મેઘરાજાએ એન્ટ્રી કરી હતી. ધોધમાર વરસ્યો હતો. મોડીસાંજે સુધી એકધારો ચાલુ જ રહ્યો હતો. બપોરથી રાત સુધીમાં ૪ાા ઈંચ પાણી પડી ગયું હતું. સતત મેઘાવી માહોલ વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આખીરાત ધીમી ધારે ચાલુ રહ્યો હતો. આમ, શનિ- રવિ બે દિવસમાં કુલ ૯ ઈંચ પાણી પડયું છે. તો મોસમના કુલ વરસાદમાં હવામાન ખાતુ એન કોર્પોરેશનના આંકડામાં તફાવત જોવા મળે છે. કોર્પોરેશનના ફલડકંટ્રોલરૂમમાં મોસમનો કુલ ૨૧ ઈંચ થયો છે. તો હવામાન ખાતામાં ૧૮ ઈંચ નોંધાયો છે.

(2:59 pm IST)