Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

સાથી સેવા ગ્રુપના સંચાલિકાના પતિ કેતનએ પોલીસ કમિશનર કચેરીએ ફિનાઇલ પીધું: પત્નિ સામે આક્ષેપો

સોશિયલ મિડીયા પર ઓનલાઇન થઇ બેફામ આક્ષેપો કર્યાઃ એ પછી પત્નિએ પોતે નિદોર્ષ હોવાનો જવાબ આપ્યોઃ અગાઉ પત્નિ જલ્પાબેન પટેલે પોતાના પર પતિએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી હતી

રાજકોટ તા. ૨૬: શહેરમાં સાથી સેવા ગ્રુપના નામે ભુખ્યાઓને ભોજન અને ઘરમાં કોઇને કોઇ કારણોસર ગોંધી રખાયેલા લોકોને મદદરૂપ થવાનું અને આ પ્રવૃતિને સોશિયલ મિડીયા પર લાઇવ કરવાનું કામ કરતાં મહિલા જલ્પાબેન પટેલના પતિ જીવરાજ પાર્ક પાસે સત્યજીત સોસાયટીમાં રહેતાં કેતનભાઇ ગોપાલભાઇ ત્રાંબડીયા (પટેલ) (ઉ.વ.૪૦)એ રવિવારે બપોર બાદ પોલીસ કમિશનર કચેરીએ પહોંચી ફેસબૂક પર લાઇવ થઇ પોતાની પત્નિ જલ્પાબેન વિરૂધ્ધ બેફામ આક્ષેપો કર્યા બાદ કમિશનર કચેરીના પ્રાંગણમાં જ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને પોલીસે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

કેતનભાઇએ હોસ્પિટલના બિછાનેથી જણાવ્યું હતું કે હું બે બહેનનો એક જ ભાઇ છું અને મવડી ચોકડીએ મારે કરિયાણાની દૂકાન છે. હું માતા-પિતા સાથે રહુ છું. મારા પ્રથમ લગ્ન તૂટી ગયા છે. આગલા ઘરનો એક પુત્ર છે. સાડા ત્રણેક વર્ષ પહેલા મારો સંપર્ક લગ્ન કરાવતી ઓનલાઇન સાઇટ મારફત જલ્પા પટેલ સાથે થયો હતો. એ પછી અમે આજથી અઢી વર્ષ પહેલા નોટરી કરાર કરી પતિ-પત્નિ તરીકે રહેતાં હતાં. જલ્પાને પણ આગલા ઘરની એક પુત્રી છે.

કેતનભાઇએ વધુમાં આક્ષેપો સાથે કહ્યું હતું કે જલ્પાને મેં ગત ૨૫/૫ના રાતે સાથી સેવા ગ્રુપના જ એક સદસ્ય મોૈલિક સરવૈયાના ઘરેથી પકડી હતી. ત્યારે તેણીએ પોતે મોડી રાતે ત્યાં જમવા ગયાનું કહ્યું હતું અને મેં તેના પર હુમલો કર્યો છે તેવી ખોટી ફરિયાદ મારા વિરૂધ્ધ કરી હતી. અમે છેલ્લા ચારેક મહિનાથી અલગ રહીએ છીએ. તે તેના માતા ભેગી રહેવા જતી રહી છે. અમે તેને લગ્ન વખતે દાગીના આપ્યા હતાં અને તેને ઓફિસ કરવી હોઇ મારા બાપુજી, બનેવીએ રોકડા પણ આપ્યા હતાં. હવે તે છુટાછેડા માટે સામી રકમ માંગી સતત હેરાન કરે છે. જેથી કંટાળીને મેં ફેસબૂક પર લાઇવ થઇ બાદમાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

પતિ કેતન ત્રાંબડીયાએ ઓનલાઇન થઇ પત્નિ પર બેફામ આક્ષેપો કર્યા બાદ પત્નિ જલ્પાબેન પટેલે પણ વળતો જવાબ આપવા ઓનલાઇન થઇ રડતાં રડતાં પોતાના પરના તમામ આક્ષેપો ખોટા હોવાનો બચાવ કર્યો હતો. પ્ર.નગર પોલીસે કેતનભાઇનું નિવેદન નોંધવા તજવીજ કરી હતી. લાંબા સમયથી ચાલતો વિવાદ હવે સોશિયલ મિડીયા સુધી પહોંચી જતાં ચર્ચા જાગી છે.

તસ્વીરમાં ઓનલાઇન થયેલ કેતન ત્રાંબડીયા તથા સામે જલ્પાબેન પટેલ અને બાદમાં ફિનાઇલ પી લેતાં ઢળી પડેલો કેતન ત્રાંબડીયા હોસ્પિટલના બિછાને પહોંચ્યો હતો તે જોઇ શકાય છે.

(12:01 pm IST)