Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

રાજકોટ શહેર - જિલ્લાના તમામ મેળા - ઉત્સવો - શોભાયાત્રાઓ બંધ

કોરોના સંક્રમણ રોકવા સર્વે ધાર્મિક આગેવાનો તંત્રની સાથે : ગોંડલ - જેતપુર - ધોરાજી - ઉપલેટા - જામકંડોરણા - ઘેલા સોમનાથ - પડધરી - લોધીકાના મેળા બંધ રહેશે : શોભાયાત્રા - ગણેશ ઉત્સવો નહી યોજાય : બકરી ઇદમાં જાહેરમાં કુરબાનીના કાર્યક્રમો નહી થાય : રજાઓમાં જાહેર સ્થળો - મંદિરોએ એકત્રીત નહી થવા તંત્રની જાહેર અપીલ

રાજકોટ તા. ૨૫ : શ્રાવણ તથા ભાદરવા માસમાં જન્માષ્ટમી, બકરીઈદ, ગણેશ ઉત્સવ વગરે તહેવારો આવતા હોય આ તહેવારો દરમ્યાન શોભાયાત્રા, મેળા તથા ધાર્મિક કાર્યકમો દર વર્ષે અલગ-અલગ આયોજકો દ્વારા યોજવામાં આવે છે. ચાલુ વર્ષે સમગ્ર વિશ્વમાં નોવેલ કોરોના વાયરસ રોગ (કોવિડ-૧૯) ને વૈશ્વિક મહામારી તરીકે જાહેર કરવામાં આવેલ છે. આ સંજોગોમાં શોભાયાત્રા, મેળા તથા ધાર્મિક મેળાવડા વગેરેનું આયોજન કરવામાં આવે તો મોટી સંખ્યામાં લોકો ભેગા થાય જેથી કોરોના વાયરસનું સંકમણ ફેલાવવાની શકયતા વધી જાય. આથી, આ કાબતમાં જીલ્લાના સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટશ્રીઓ દ્વારા તેમના કાર્યક્ષેત્રમાં આવેલ તાલુકાઓનાં મુખ્ય આયોજકો સાથે તાલુકાવાર બેઠક બોલાવી ચર્ચા-વિચારણા કરવામાં આવેલ. જેની તાલુકાવાર વિગતો જિલ્લા કલેકટર તંત્રએ જાહેર કરી છે જે આ મુજબ છે.

ગોંડલ તાલુકાના કોલીથડ, દાળીયા, બિલેશ્વર વિગેરે સ્થળોએ તેમજ તાલુકાનાં અન્ય મંદિરો ખાતે પુજા - યજ્ઞ તેમજ કોઈ પણ જાતના મેળાવળા નહીં કરવા તથા દર્શન કરવા આવતા શ્રધ્ધાળુઓને સોશીયલ ડિસ્ટન્સીંગ જાળવવા તથા દર્શન કરી તુરત જ નિકળી જવા પ્રસિઘ્ધ મંદિરોનાં સંચાલકશ્રીઓ તથા પુજારીશ્રીઓ સાથે નકકી કરવામાં  આવ્યુ. આ ઉપરાંત ગોડલ શહેર ખાતે સંગ્રામસિંહજી હાઈસ્કુલના ગ્રાઉન્ડમાં નગરપાલિકાનાં સહયોગથી યોજાતો લોકમેળો નહી યોજવા નકકી કર્યું.

જેતપુર ખાતે ભીડભંજન મહાદેવ મંદિર, કેરાળેશ્વર મહાદેવ મંદિર તથા તાલુકાનાં અન્ય મંદિરો ખાતે પુજા - યજ્ઞ તેમજ કોઈ પણ જાતના મેળાવડા નહીં કરવા તથા દર્શન કરવા આવતા શ્રધ્ધાળુઓને સોશીયલ ડિસ્ટન્સીંગ જાળવવા તથા દર્શન કરી તુરત જ નિકળી જવા પ્રસિધ્ધ મંદિરોનાં સંચાલકશ્રીઓ તથા પુજારીશ્રીઓ સાથે નકકી કરવામાં આવ્યુ. આ ઉપરાંત જેતપુર શહેર ખાતે જીમખાનાનાં મેદાનમાં દર વર્ષે લોકમેળો ભરાય છે, આ વર્ષે તે મેળો નહીં યોજવા નકકી કર્યું.

ધોરાજી ખાતે દર વર્ષે જન્માષ્ટમીનો લોકમેળો, ભાદરવી અમાસનો પાટણવાવનો લોકમેળો, ખ્વાજા સાહેબનો ઉર્ષનાં મેળાનું આયોજન કરવામાં આવે છે. જે આ વર્ષે તમામ આગેવાનો, પ્રમુખોની સહમતી મુજબ તાલુકામાં કોઈ જગ્યાએ નાના-મોટા લોકમેળા યોજવામાં આવતા હોય તે તમામ લોકમેળા સ્વૈચ્છિક રીતે જ બંધ રાખવાનું નકકી કર્યું. ધોરાજી શહેરમાં જન્માષ્ટમીનાં દિવસે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ શોભાયાત્રા પણ આ વર્ષે બંધ રાખવા અંગે ચર્ચા કરવામાં આવી અને તમામ આગેવાનો આ બાબતે સહમત થયેલ છે. તા.૦૧/૦૮/ર૦ર૦નાં રોજ બકરીઈદનો તહેવાર આવે છે આ તહેવારના દિવસે કુરબાનીનો કાર્યક્રમ જાહેર રોડ-રસ્તા પર કરવામાં ન આવે તે બાબતે તમામ આગેવાનો સહમત થયેલ છે. પાટણવાવ ગામે ભાદરવી અમાસના દિવસે ત્રણ દિવસનો પરંપરાગત લોકમેળો ચાલુ વર્ષે બંધ રાખવા તમામ આગેવાનો સહમત થયેલ છે. ખ્વાજાસાહેબ ઉર્ષનો મેળો નવેમ્બર મહીનામાં આવશે જે આ વર્ષે બંધ રાખવા તમામ આગેવાનો સહમત થયેલ છે.

ઉપલેટા ખાતે શ્રી સોમનાથ મહાદેવ મંદિર, શ્રી ગાયત્રી મંદિર, શ્રી ડુંગરેશ્વર મહાદેવ મંદિર, ડાઠણીયા ડુંગર-ખોડીયાર માતાજીનાં મંદિર અને શ્રી મોજેશ્વર મહાદેવ મંદિર ખાતે દર વર્ષે મેળાનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત ઉપલેટા તાલુકામાં લોકમેળા, કૃષ્ણજન્મોત્સવ, ગણેશ ઉત્સવ, વિગેરે ધાર્મિક કાર્યકમોની ઉજવણી પણ કરવામાં આવે છે. ઉકત તમામ લોકમેળા, ઉત્સવો, ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોની ઉજવણી પર સ્વૈચ્છીક રીતે જ બંધ રાખવા સંબંધીત ટ્રસ્ટ - સંસ્થાઓ તથા આગેવાનો સાથે થયેલ બેઠકમાં નકકી કરવામાં આવ્યુ.

જામકંડોરણાનાં નગરનાકા ખાતે તથા નાગબાઈની ધાર પાદરીયા ખાતે ભાદરવી અમાસે દર વર્ષે લોકમેળો ભરાય છે તે આ વર્ષે સ્વૈેચ્છિક રીતે બંધ રાખવામાં આવશે તેમજ તાલુકાના ગામમાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કોઈ પણ જાતના લોકમેળા, સભા-સરઘસ, રેલી તથા જન્માષ્ટમીની શોભાયાત્રા તથા રથયાત્રા ઉજવણી જેવી પ્રવૃતિ સ્વૈચ્છિક રીતે બંધ રાખવા આગેવાનો/સંયોજકો તથા સરપંચશ્રી અને ઉપસરપંચશ્રી દ્વારા સર્વાનુમતે નકકી કરવામાં આવેલ છે.

જસદણ ખાતે યોજાતા મેળાઓ જેવા કે, શ્રી ઘેલા સોમનાથ મંદિર, કનેસરા, આટકોટ, કડુકા, આંબરડા, ભાડલા, ચિતલીયા, બિલેશ્વર મંદિર, ગુંદાળા, અમરાપુર ખાતે સતરંગધામ તથા અન્ય જગ્યાએ મેળાઓ નહીં યોજવા તેમજ જન્માષ્ટમી ઉત્સવ (મટકી ફોડ) બંધ રાખવા નકકી કરવામાં આવ્યુ.

પડધરી ખાતે વિસામણ ગામ મેળો, પ્રગટેશ્વર મહાદેવ પડધરી મેળો દર વર્ષે યોજાય છે તેમજ પડઘરી ગામે રથયાત્રા કાઢવામાં આવે છે. આ મેળાઓ નહીં યોજવા તેમજ રથયાત્રા નહીં કાઢવા અપીલ કરતા હાજર રહેલ આયોજકોએ સમાજ કલ્યાણની ભાવના જાળવી હકારાત્મક અભીગમ દર્શાવેલ છે અને આગામી તહેવારો દરમ્યાન પડધરી તાલુકા વિસ્તારમાં કોઈ સભા—સરઘસ નહી કાઢવા કે લોકોનો મેળાવડો ભેગો થાય તેવા કોઈ કાર્યા નહીં કરવા નકકી કરવામાં આવેલ છે.

લોધિકા તાલુકા ખાતે દર વર્ષે ખોડીયાર મંદિર ખાતે એક દિવસ પુરતો મેળો યોજાય છે. હાલની પરિસ્થિતિ ધ્યાને લઈ આ મેળો આ વર્ષે નહીં યોજવા ખોડીયાર મંદિરના પુજારીએ સહમતી આપેલ છે.

ઉપરની વિગતે રાજકોટ ગ્રામ્ય જીલ્લાના સમગ્ર વિસ્તારમાં કોરોના વાયરસનું સંકમણ ન ફેલાય તે માટે દર વર્ષ યોજાતા મેળા, રથયાત્રા - શોભાયાત્રા, ગણેશઉત્સવ, કૃષ્ણ જન્મોત્સવ, ઉર્ષનો મેળો વિગેરે ધાર્મિક કાર્યકમોનાં મુખ્ય આયોજકોએ ચાલુ વર્ષ દરમ્યાન કોઈ પણ કાર્યક્રમ, મેળા, રથયાત્રા - શોભાયાત્રા નહીં યોજવા સ્વૈચિકક રીતે સહમતી આપેલ છે. લોકોને પણ મંદિરો, જાહેર સ્થળો વિગેરે જગ્યાએ ભેગા નહીં થવા અપીલ કરવામાં આવે છે.

(10:20 am IST)