Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

રાજકોટ સિવીલ કોવિડ હોસ્પિટલમાંથી કોરોના મુક્ત થતા ત્રણ દર્દીઓને રજા અપાઈ : ચાર દર્દીઓની તબીયતમાં સુધારો થતા હોમ ક્વોરોન્ટાઈન કરાયા

રાજકોટ : રાજ્યભરમાં કોવિડ-૧૯ના વધતા સંક્રમણ વચ્ચે સરકારના માર્ગદર્શન હેઠળ કોવિડ હોસ્પિટલ-રાજકોટના આરોગ્યકર્મીઓ દ્વારા કોરોનાના સંક્રમણને ફેલાતો અટકાવવા સતત કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે કોવિડ હોસ્પિટલ ખાતેથી ખુશીના સમાચાર પ્રાપ્ત થયા છે. આજરોજ તા. ૨૫ ના ૩ લોકો કોરોનાને પરાસ્ત કરી પોતાનાં નિવાસસ્થાને પરત ફર્યા છે.
 આજરોજ કોરોનાને પરાસ્ત કરીને કુલ ૩ લોકો પોતાનાં નિવાસસ્થાને પરત ફર્યા છે. જેમાં સામદભાઈ રહેમાનભાઈ શેખ ઉ. વર્ષ ૫૦ છે, જે જાફરાબાદના વતની છે જેઓને તા. ૧૬ જૂલાઈના રોજ કોવિડમાં દાખલ કરવામાં આવ્યા હતા,૧૦ દિવસની સઘન સારવાર બાદ તબિયત સંપૂર્ણપણે નોર્મલ થતા રજા આપવામાં આવી છે. ૬૫ વર્ષિય નવિનભાઈ મારૂને તા. ૧૯ જૂલાઈના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે ૦૭ દિવસની સારવાર બાદ તેઓ સ્વસ્થ જણાતા તેઓને આજરોજ કોવિડ હોસ્પિટલમાંથી મુક્તી આપવામાં આવી હતી. અન્ય એક મહિલા રંજનબેન ટાંકની તબિયતમાં સુધારો થતા તેમને ૫ણ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
 આ ઉપરાંત, કોવિડ હોસ્પિટલમાં દાખલ થયેલા ચાર દર્દીઓની તબિયતમાં સુધારો જણાતા તેમને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા.  
આમ, રાજકોટ જિલ્લામાં કોરોના મહામારીનુ સંક્રમણ ફેલાતુ અટકાવવા માટે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટી તંત્ર તથા કોવિડ-૧૯ હોસ્પિટલના તમામ ડોકટર્સ, નર્સ, સફાઇકર્મીઓ કોરોના યોધ્ધા બનીને ઉમદા કામગીરી કરી રહ્યા છે.

(9:38 pm IST)