Gujarati News

Gujarati News

News of Sunday, 26th June 2022

કોંગ્રેસની સતા લાલસા સમી કટોકટીના અંધકારભર્યા દિવસોમાં આખો દેશ એક મોટા કેદખાનામાં ફેરવાઈ ગયો હતો

૧૯૭૫ની ૨૫ જૂનથી ૧૯૭૭ની ૧૨મી માર્ચ સુધીનો દિવસ ભારતમાં કટોકટીનાં કાળા સમય તરીકે ઓળખાય છે : વર્તમાન વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ કટોકટી વિરૂદ્ધ જન-સમર્થન મેળવવા તથા લોકશાહી બચાવો આંદોલનમાં પ્રજાને જોડવા માટે ભૂગર્ભમાં રહી જોરદાર લડત આપી હતી : રાજુભાઇ ધ્રુવ

રાજકોટ  : સ્‍વતંત્ર ભારતના ઇતિહાસમાં કોંગ્રેસી વડાપ્રધાન શ્રીમતી ઇન્‍દિરા ગાંધીએ જાહેર કરેલી કટોકટીને લોકશાહી માટે સૌથી કાળા સમય માટે ઓળખવામાં આવે છે તેમ જણાવી ભાજપના સૌરાષ્‍ટ્ર  પ્રવકતા રાજુભાઇ ધ્રુવે કહ્યું છેકે, હજુ આજે પણ લોકો લોકશાહી પરના કલંક સમાન કટોકટીને ભૂલ્‍યા નથી. તેમણે એક નિવેદનમાં કહ્યું છે કે, આજના દિવસે એટલે કે ૨૫ મી જૂન ૧૯૭૫ના દિવસે રાષ્‍ટ્રપતિએ ઇન્‍દિરા ગાંધીની સલાહ અનુસાર કટોકટીની જાહેરાત કરી હતી. તે સમયના કોંગ્રેસનાં વડા-ધાન ઇન્‍દિરા ગાંધીએ બંધારણની કલમ ૩૫૨ હેઠળ કટોકટીની જાહેરાત કરતાની સાથે અનિશ્વિત સમય સુધી ભારતીય લોકો પાસેથી મૂળભૂત અધિકારો છીનવી લેવા અને વર્તમાન પત્રો ના અવાજ ને દબાવવા વર્તમાનપત્રો સમાચાર માધ્‍યમો ઉપર સેન્‍સર શિપ લાદી દેવામાં આવી હતી. ૨૫મી જૂન ૧૯૭૫ થી  ૨૧ માર્ચ ૧૯૭૭ સુધીના  ૨૧મહિનાના સમયગાળાને ભારતનો સૌથી વિવાદાસ્‍પદ અને શરમજનક સમયગાળો માનવામાં આવે છે.
રાજુભાઇ ધ્રુવે જણાવ્‍યુ છે કે, ૧૯૭૫ની  ૨૫જૂને કટોકટી લાદવાનો ભૂલભર્યો નિર્ણય ૧૯૭૭ની ૧૨ માર્ચે પાછો ખેંચી લેવામાં આવ્‍યો હતો અને એ અંધારિયા દિવસો વિરુદ્ધની પોતાની લાગણીનો ચુકાદો ૧૯૭૭ની સામાન્‍ય ચૂંટણીમાં કટોકટી લાગુ કરનારાઓ વિરુદ્ધ જોરદાર મતદાન કરીને આપ્‍યો હતો.
 ૧૯૭૭ પછી જન્‍મેલા લોકોનું પ્રમાણ આપણા દેશની વસતિમાં આજે સૌથી વધારે છે અને દેશ તેમનો છે. તેઓએ આપણા દેશના ઇતિહાસને તેમજ ખાસ કરીને કટોકટીના અંધારિયા દિવસોના કારણ તથા પરિણામ વિશે જાણવું જરૂરી છે તેમ જણાવતા રાજુભાઇ ધ્રુવે કહ્યું છે કે,  ૧૯૭૫માં નાગરિકોના મૂળભૂત અધિકારો છીનવી લેવાનું કોઈ વાજબી કારણ ન હતું, પરંતુ ૧૯૭૫ ની ૧૨મી જૂને અલ્‍હાબાદ હાઇકોર્ટ ના ન્‍યાયાધીશ શ્રી જગમોહન સિંહાએ તત્‍કાલીન કોંગ્રેસી વડાપ્રધાન શ્રીમતી ઈન્‍દિરાજી ની રાઈબરેલી ચૂંટણી ને ગેરકાયદે ઠેરવતો ચુકાદો આપતા તેની જીત ને ગેરલાયક ઠેરવતા સતા-પદ ગુમાવવા ના ભય ને કારણે આંતરિક અશાંતિને લીધે દેશની સલામતી પર જોખમના સ્‍વરૂપમાં એક છીછરું કારણ આપીને તે વખતની કોંગ્રેસની સરકારે દેશમાં કટોકટી લાદી દીધી હતી.
અશાંતિનું કારણ એ હતું કે લોકો ભ્રષ્ટાચાર વિરુદ્ધ એકઠા થઈ રહ્યા હતા અને સમગ્ર દેશમાં નવા ભારતની માગ જોર પકડી રહી હતી. એ અંધકારભર્યા દિવસોમાં આખો દેશ એક મોટા કેદખાનામાં ફેરવાઈ ગયો હતો. વિરોધપક્ષના દરેક નેતાને ઊંઘમાંથી ઉઠાડીને નજીકની જેલમાં પરાણે ધકેલી દેવામાં આવ્‍યા હતા.
ભારત ની લોકશાહીને જેલ ની બેડીઓમાં જોઇને તેનો પ્રખર પ્રચંડ વિરોધ કરનારા દેશના મહાન સપૂતો જેવા કે જયપ્રકાશ નારાયણ, મોરારજીભાઈ દેસાઈ, અટલ બિહારી વાજપેયી, લાલકળષ્‍ણ અડવાણી,  જ્‍યોર્જ ફર્નાન્‍ડિઝ, ચરણ સિંહ, નાનાજી દેશમુખ,  સહિત અનેક નેતાઓને દેશની સલામતી માટે જોખમી ગણવામાં આવ્‍યા હતા તથા જેલમાં ધકેલી દેવામાં આવ્‍યા હતા. અમદાવાદની વાત કરીએ તો અગ્રણીઓ વસંત ગજેન્‍દ્ર ગડકરજી , મકરંદભાઈ દેસાઈ, નાથાભાઇ જગડા સહિત અનેક આગેવાનો પ્રદેશ નેતાઓ રાજકોટ થી સ્‍વર્ગીય કેશુભાઈ પટેલ, ચીમનભાઈ શુક્‍લ, અરવિંદભાઈ મણિયાર, વજુભાઇ વાળા, વિજયભાઈ રૂપાણી,  ગોધુમલ આહુજા, જનકભાઈ કોટક, જીતુભાઇ શાહ,શ્રી હરગોવિંદભાઈ વ્‍યાસ સહિતના અનેક આગેવાનો ઉપરાંત સંઘપરિવારના પી વી દોશી , શ્રીયશવંતભાઈ ભટ, કાંતિભાઈ ભટ્ટ, પ્રફુલ્લભાઈ દોશી સહિત અનેક આગેવાનો કટોકટીનો વિરોધ કરવાના કારણે જેલવાસ ભોગવેલ હતો. રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના તત્‍કાલીન વડા બાળાસાહેબ દેવરસ સહિતના લાખો લોકોને જેલમાં ગોંધવામાં આવ્‍યા હતા.
જ્‍યારે વર્તમાન વડા પ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ કટોકટી વિરુદ્ધ જન-સમર્થન મેળવવા અને લોકો ને સામાન્‍ય પ્રજાને આંદોલન સાથે જોડવા માટે ભૂગર્ભમાં ચાલ્‍યા ગયા હતા અને ભૂગર્ભમાં રહી પ્રચંડ આંદોલન ચલાવ્‍યું હતું, કટોકટી નાખનારી કોંગ્રેસ ને જોરદાર લડત આપી હતી.

 

(12:17 pm IST)