Gujarati News

Gujarati News

News of Friday, 26th June 2020

કોમર્શિયલ મિલ્કતોને ઓગસ્ટ સુધી ર૦% વેરા માફી અપાશે

કોમર્શીયલની સાથો-સાથ રહેણાંકોને પણ ઓગસ્ટ સુધી ૧૦ થી ૧પ% વેરા માફી ચાલુ રાખવા લોકમાંગ : કોમર્શીયલ મીલ્કતોની વેરા માફીની મુદત વધારવા અંગે મેયર કમિશનર-સ્ટેન્ડીંગ ચેરમેનની જાહેરાત

રાજકોટ, તા. ર૬ : કોરોનાની મહામારીની સ્થિતિમાં રાજયના નાગરિકોને આર્થિક મદદ કરવાના હેતુથી ગુજરાત આત્મનિર્ભર પેકેજ જાહેર કરવામાં આવેલ છે જેમાં પ્રોપર્ટી ટેકસ સહિતની બાબતો આવરી લેવામાં આવેલ છે. જે અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વાણિજિયક એકમોને વર્ષ ૨૦૨૦-૨૦૨૧ના વાર્ષિક પ્રોપર્ટી ટેકસમાં ૨૦ ટકાની માફી આપવામાં આવશે. જેમાં આ યોજના હેઠળ વાણિજિયક એકમોને સરકારશ્રીના ઠરાવ અંતર્ગત તા.૩૧-૮-૨૦૨૦ સુધી પ્રોપર્ટી ટેકસમાં ૨૦ ટકા માફીનો લાભ આપવામાં આવશે, તેમ માન. મેયર શ્રી બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ઉદયભાઈ કાનગડ અને મ્યુનિ. કમિશનર શ્રી ઉદિત અગ્રવાલે જાહેર કરેલ છે. વિશેષમાં તેઓએ  જણાવ્યું હતું કે, જે વાણિજિયક મિલકતદારોએ વર્ષ ૨૦૨૦-૨૦૨૧ના વાર્ષિક વાણિજિયક પ્રોપર્ટી ટેકસ ચૂકવી આપેલ છે તેવા મિલકતદારોને ૨૦ ટકા રકમ મજરે આપવામાં આવશે. આવા મિલકતદારોએ વળતરની રકમ માટે અલગથી કોઈ અરજી કરવાની આવશ્યકતા રહેતી નથી, મહાનગરપાલિકા દ્વારા તેઓને આ રકમ મજરે આપશે.

રહેણાંકને પણ ઓગસ્ટ સુધી લાભ આપવો જોઇએ

નોંધનીય છે કે કોરોનાં સંક્રમણની લોકડાઉનની પરિસ્થિતિમાં રહેણાંક મીલ્કતધારકો પણ શરૃઆતમાં ૧૦ થી ૧પ ટકા વેરા રાહતનો લાભ લઇ શકયાં નથી ત્યારે રહેણાંક મીલ્કત ધારકોને પણ ૩૦ જુલાઇને બદલે ૩૧ ઓગસ્ટ સુધી ૧૦ થી ૧પ ટકા વેરા માફીનો લાભ આપવો જરૃરી છે કેમકે મ.ન.પા.ને પણ તેના કારણે આજ સુધીમાં ૭પ.ર૮ કરોડની જંગી આવક થઇ છે ત્યારે રહેણાંકો માટે પણ યોજના લંબાવવાથી લોકોને ફાયદો થશે સાથે સાથે મ.ન.પા.ની તિજોરી પણ છલકાશે ત્યારે આ બાબતે પણ શાસકો સંવેદનશીલતાપૂર્વક વિચારે તે જરૃરી છે.

શહેરીજનો બન્યા ડીજીટલ :  રાજકોટઃ મ્યુ. કોર્પોરેશનની મુખ્ય આવકનો સ્ત્રોત એવી વેરા શાખામાં આજની સ્થિતિએ ૧.૬૧ લાખ લોકોએ ૭૫ કરોડનો મિલ્કત વેરો ભર્યો છે. જેમાં ૧ લાખ કરદાતાઓએ ઓનલાઈનથી વેરો ભર્યો છે. છેલ્લા ૪ વર્ષમાં આ વર્ષે સૌથી વધુ ઓનલાઈન વેરો ભરનાર કરદાતાઓની સંખ્યામાં વધારો થવા પામ્યો છે જે ઉપરોકત ગ્રાફમા જોઈ શકાય છે.

(3:39 pm IST)