Gujarati News

Gujarati News

News of Friday, 26th June 2020

ગાંધીગ્રામની મનિષા ભરવાડે લાખોનું ફૂલેકુ ફેરવ્યું: ભોગ બનેલી ચાર મહિલાની ફરિયાદ

પરિચય કેળવી અલગ-અલગ બહાના તળે હાથ ઉછીની રકમ મેળવી લીધા બાદ મકાન વેંચી યાજ્ઞિક રોડ પર રહેવા જતી રહીઃ નાણાની ઉઘરાણી ન થાય એ માટે ઉછીના આપનાર વિરૂધ્ધ વ્યાજખોરીની અરજી કરી દીધીઃ તાકીદે ન્યાયી કાર્યવાહી કરાવવા અરજ

રાજકોટ તા. ૨૬: ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી ભરવાડ મહિલા ઓળખ-પરિચયનો લાભ લઇ જુદી-જુદી મહિલાઓ પાસેથી જુદા-જુદા બહાના હેઠળ લાખોની રકમ હાથ ઉછીની લઇ ગયા બાદ હવે ગાંધીગ્રામનું મકાન વેંચી નાંખી યાજ્ઞિક રોડ પર રહેવા જતી રહેતાં અને માથે જતાં ઉછીની રકમ આપનાર મહિલાઓ વિરૂધ્ધ વ્યાજખોરી મામલે ખોટી અરજી કરી દઇ હેરાન કરતાં છેતરાયેલી મહિલાઓએ પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ આપી ન્યાયની માંગણી કરી છે.

છેતરપીંડીનો ભોગ બનેલા પૈકીના ગાંધીગ્રામ શેરી નં. ૩ રાધાકૃષ્ણ મંદિર પાછળ ૨૫ ચો.મી.માં રહેતાં સહનબા હકુભા જાડેજા, ગીતાબા જુવાનસિંહ જાડેજા તથા અક્ષરનગરના કુસુમબેન હસમુખભાઇ પરમારે અગાઉ ગાંધીગ્રામ અક્ષરનગર-૨માં રહેતી અને અને હાલ યાજ્ઞિક રોડ શકિત ડેરી  પાસેગોવિંદભાઇ ભરવાડના મકાનમાં ઇમ્પિરીયલ પેલેસ હોટેલ સામે રહેતી મનિષાબેન ભરતભાઇ શીરોડીયા (ભરવાડ) વિરૂધ્ધ પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલને લેખિત ફરિયાદ કરી છે.

ભોગ બનેલા મહિલાઓએ લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે અમે અરજદાર ઘરકામ કરી ગુજરાન ચલાવીએ છીએ. મનિષાબેન ભરવાડ અગાઉ ગાંધીગ્રામમાં રહેતાં હોવાથી અમે ઓળખીએ છીએ. તેણે બે ત્રણ વર્ષમાં અલગ-અલગ લોકો પાસેથી સંબંધના દાવે વિશ્વાસ કેળવી હાથ ઉછીના પૈસા કટકે-કટકે લઇ જઇ પાછા ન આપી છેતરપીંડી કરી છે. હવે પૈસા પાછા ન આપવા પડે એ માટે થઇને ગાંધીગ્રામનું મકાન વેંચી યાજ્ઞિક રોડ પર રહેવા જતાં રહેલ છે. આ રીતે લાખો રૂપિયા તે લઇ ગયાનો આક્ષેપ અરજીમાં કરાયો છે.

અરજદાર સહનબા જાડેજા પાસેથી ભાઇના મકાનના દસ્તાવેજ માટે પૈસાની જરૂર છે તેમ કહી વિશ્વાસ કેળવી મકાનની લોન મંજુર થયે રકમ પાછી આપી દેશે તેમ કહી રૂ. ૧ લાખ, વિધવા અરજદાર ગીતાબા જાડેજા પાસેથી રૂ. ૨,૨૦,૦૦૦  લઇ ગયા છે. ત્રીજા અરજદાર રમાબા જાડેજા પાસેથી પાંચ ગ્રામની સોનાની બુટી આ મહિલા પોતાના દિયરના લગ્નમાં પહેરવાના બહાને લઇ ગયેલ છે અને પરત આપી નથી.

આ ઉપરાંત ચોથા અરજદાર કુસુમબેન પરમાર પાસેથી પણ લોનના હપ્તા ચડી ગયા છે, મકાન વેંચાશે એટલે પરત આપી દેશે તેમ કહી રૂ. ૨,૬૦,૦૦૦ લઇ ગયેલ છે. આ રકમાંથી ૫૦ હજાર છ મહિના પહેલા લઇ ગયા હતાં. આ ભરવાડ મહિલાનો ભત્રીજો પિયુષભાઇ ઉર્ફ લાલાભાઇ પોલીસમાં ફરજ બજાવે છે. તેણે પણ આવીને હાથ ઉછીની રકમ ભુલી જવા ધમકી આપ્યાનો આરોપ મુકાયો છે.

લેખિત ફરિયાદમાં આરોપ મુકાયો છે કે મનિષાબેન ભરવાડે આડોશી પાડોશીઓને વિશ્વાસમાં લઇ લાખોની છેતરપીંડી વિશ્વાસઘાત કર્યો છે. અમુક તો છેતરાયેલા લોકો ડરના માર્યા ફરિયાદ કરવા જવા પણ તૈયાર નથી. આટલુ જ નહિ મનિષાબેને પોતે ઉછીની લીધેલી રકમ પાછી ન આપવી પડે એ માટે પ્લાન ઘડી આ ચારેય અરજદારોએ વ્યાજે રકમ આપ્યાની અને ઉઘરાણી કરતાં હોવાની ખોટી અરજી પણ ગાંધીગ્રામ પોલીસ હેઠળ કરી દેતાં બજરંગવાડી ચોકીના સ્ટાફે ચારેય અરજદાર વિરૂધ્ધ ૧૫૧ હેઠળ પગલા પણ લીધા હતાં. આમ એક તો ઠગાઇથી નાણા ગુમાવ્યા અને માથે જતાં અટકાયતી પગલાનો સામનો કરવો પડ્યો હતો.

હજુ ભવિષ્યમાં પણ આ મહિલા છેતરાયેલા લોકો વિરૂધ્ધ ખોટી ફરિયાદ કરે તેવો ભય છે. એ પહેલા અમને અરજદારોને પોલીસ સાંભળી ન્યાય અપાવે તેવી અમારી રજૂઆત છે. તેમ લેખિત ફરિયાદના અંતમાં જણાવાયું છે.

(1:06 pm IST)