Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વીરાંગના અભિવાદન

એટીએસના ૪ મહિલા પીએસઆઇનું બહુમાન-પરીક્ષા માર્ગદર્શન-સેમીનાર યોજાયું

રાજકોટ તા. ર૬ :.. સૌરાષ્ટ્ર  યુનિવર્સિટી દ્વારા શિક્ષણની સાથે સાથે સામાજીક ઉત્તરદાયિત્વના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું અવિરત આયોજન કરવામાં આવતું હોય છે. તાજેતરમાં ગુજરાત એન્ટી ટેરરીસ્ટ સ્કવોડના ચાર પીએસઆઇ વીરાંગના બહેનોએ અદ્ભુત  વીરતા દાખવી અને જુદા જુદા ત્રેવીસ ગુનાના કુખ્યાત આરોપી શખ્સને ખૂબ મહેનત કરી બોટાદનાં જંગલમાંથી ઝડપી પાડી અને વિરતાનું કામ કરેલ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ વીરંગનાઓના કૌવતને આવકારે છે અને ગૌરવ અનુભવે છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં 'વિદુષી' તથા સી.સી.ડી.સી.ના સંયુકત ઉપક્રમે સવારે ૯-૩૦ કલાકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં સેનેટ હોલ ખાતે 'વીરાંગના અભિવાદન સમારોહ તથા સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમીનાર'નું આયોજન કરવામાં આવેલ હતું.

કાર્યક્રમના પ્રારંભે કાર્યક્રમના ઉદ્દઘાટન શ્રીમતી અંજલીબેન રૂપાણી, કુલપતિ ડો. પેથાણી, પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ, ઉપકુલપતિશ્રી ડો. દેશાણી, ડી.સી.પી. મનોહરસિંહ જાડેજા, ચાર પી.એસ.આઇ. બહેનો, સિન્ડિકેટ સભ્યશ્રીઓ તથા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દિપપ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ 'વિદુષી'ના કો-ઓર્ડીનેટર ડો. શ્રધ્ધાબેન બારોટે વિદુષીનું કાર્ય અને તેની પરિકલ્પનાની માહિતી આપેલ હતી. સી.સી.ડી.સી.ના કો-ઓર્ડીનેટર ડો. નીકેશભાઇ શાહે સી.સી.ડી.સી. દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની કરાવવામાં આવતી તૈયારીઓ વિશેની માહિતી આપેલ હતી.

આ કાર્યક્રમમાં એ.ટી.એસ.ના ચાર પી.એસ.આઇ. વીરાંગનાઓ શ્રી ઓડેદરા સંતોકબેન, શ્રી  શકુંતલાબેન, શ્રી ગોહિલ નીતમીકાબા તથા શ્રી ગામેતી અરૂણાબેનનું મોમેન્ટો અર્પણ કરી અભિવાદન કરવામાં આવ્યું હતું. અને તેમની વિરતાને સૌએ તાલીઓના ગળગળાટથી બિરદાવી હતી.

વીરાંગના અભિવાદન કાર્યક્રમમાં રાજકોટ શહેરના પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે પોલીસ વિભાગના એ.ટી.એસ.ના ચાર પી.એસ.આઇ. બહેનોને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સન્માનવા બદલ હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો આભાર માનું છું. પોલીસ ડીપાર્ટમેન્ટનું કામ  ગુન્હાઓને રોકી સમાજમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાનું અને યુનિવર્સિટી દ્વારા આવા કાર્યને બિરદાવવામાં આવે ત્યારે પોલીસ અધિકારીઓના જોમ અને જુસ્સામાં વધારે થાય છે.

કાર્યક્રમના ઉદઘાટક શ્રીમતી અંજલીબેન રૂપાણીએ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને સંબોધતા જણાવ્યું હતું કે, ભારત સરકારના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા ગુજરાત સરકાર દ્વારા બેટી-બચાઓ, બેટી-પઢાઓ અને સ્ત્રી સશકિતકરણની દિશામાં ખૂબ યોજનાઓના માધ્યમથી મહિલાઓ પુરૂષ સમોવડી બને તે દિશામાં કાર્ય કરવામાં આવી રહ્યું છે. શિક્ષણ, સેવા, આરોગ્ય, પોલીસ કોઇપણ ક્ષેત્ર હોય આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાના કૌવતથી અવિરત આગળ વધી રહી છે. આજે જેઓનું સન્માન કરવામાં આવ્યું છે તે એ.ટી.એસ. ના ચાર પીએસઆઇ બહેનોએ સમાજમાં દૂષણ ફેલાવતા આવા તત્વોને ખૂબ મહેનત કરી પકડી અને સમાજ-રાષ્ટ્ર સેવાનું ઉમદા કાર્ય કર્યુ છે.

મુખ્ય મહેમાન તરીકે રાજકોટના પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિશ્રી ડો. વિજયભાઇ  દેશાણી તથા ડી. સી. પી. મનોહરસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતાં.

માર્ગદર્શક સેમીનારમાં સ્પીપાના ડો. શૈલેષભાઇ સગપરીયા સ્પર્ધાત્મક પરીક્ષા અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપેલ હતું. કાર્યક્રમનું સંચાલન ડો. રેખાબા જાડેજાએ કરેલ હતું અને આભારવિધિ કુલસચિવશ્રી આર. જી. પરમારએ કરેલ હતી.

(4:29 pm IST)