Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

વિશ્વના સૌથી વિશાળ વ્યાખ્યા ગ્રંથ યશોલતા ઉપરના રાષ્ટ્રીય વર્કશોપનું શનિવારે સમાપન : સંસ્કૃત મહોત્સવ

સંસ્કૃતિ,સંસ્કાર અને સંસ્કૃતના મહિમાગાનનો મહોત્સવઃ રામકૃષ્ણ આશ્રમના વિવેક હોલ ખાતે : શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, રાષ્ટ્રીય સ્તરના જાણીતા શિક્ષણવિદ મુકુલ કાનિટકર, ICPRના અધ્યક્ષ આર સી સિંહા, મહામહોપાધ્યાય દેવદત્ત્। પાટીલ સહિતના વિદ્વાનો પધારશે

 રાજકોટઃ તા.૨૬, અત્યંત જટિલ  ગ્રંથ ગૂઢાર્થતત્વાલોક પરના વિશ્વના સૌથી વિશાળ વ્યાખ્યા ગ્રંથ પર ભારતીય દાર્શનિક અનુસંધાન પરિષદ દ્વારા યોજાયેલા ચૌદ દિવસીય નેશનલ વર્કશોપના પુર્ણાહુતી પ્રસંગે છ સંસ્થાઓ દ્વારા શ્રી રામકૃષ્ણ આશ્રમના વિવેકાનંદ ઇન્સ્ટીટયુટ ઓફ વેલ્યુ એજયુકેશન એન્ડ કલ્ચર( વિવેક) હોલમાં સાંજે ૪થી ૬  સુધી સમાપન કાર્યક્રમ અને સંસ્કૃત  મહોત્સવનું આયોજન થયું છે. પરંતુ  નોંધનીય છે કે ભારતીય સંસ્કૃતિ પ્રેમીઓ અને નગરજનો આ કાર્યક્રમનો લાભ મેળવી શકે તે માટે  સમગ્ર કાર્યક્રમ હિન્દી ભાષામાં યોજાશે. ઉપરાંત આ જ દિવસે સવારે સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્વારા એક દિવસીય નેશનલ કોન્ફરન્સનું  આયોજન યુનિવર્સીટીમાં  થયું છે.

 ઉલ્લેખનીય છે કે ૧૮મી સદીના વિદ્વાન સર્વતંત્ર સ્વતંત્ર પંડિત ધર્મદત્ત્। ઝા જેઓ બચ્ચા ઝા ના નામે પ્રખ્યાત હતા તેમણે  ૪૧ પાનાનો  ૯૦૦ શ્લોક ધરાવતો આ ગ્રંથ લખ્યો હતો. નામ પ્રમાણે જ આ ગ્રંથ એટલો ગૂઢ  છે કે તેને ઉકેલવામાં આટલા વર્ષોથી મહાન વિદ્વાનો પણ અસમર્થ રહ્યાં હતા.ભારત સરકાર તરફથી આ પહેલા આ ગ્રંથ ને સમજવા માટે લાખો રૂપિયાના  ખર્ચે વિવિધ વર્કશોપ ગોઠવવામાં આવ્યા હતા. પરંતુ તેને સમજવામાં ધારી સફળતા મળતી નહોતી.

પરંતુ  ચાર વર્ષ પહેલા રાજકોટ બિરાજતા જૈન આચાર્ય ભગવંત શ્રી યશોવિજય સુરીશ્વરજીના નવયુવાન શિષ્ય ભકિતયશવિજયજીએ પોતાના જ્ઞાનાભ્યાસ માટે આસાન ગ્રંથને બદલે સૌથી વધુ જટીલ ગ્રંથ પર પસંદગી ઉતારી. દૈવી કૃપા અને ગુરુવર્યના આશીર્વાદે તેમને પ્રારંભિક સફળતા મળતી ગઈ. અને  ૯૦૦ શ્લોકનું વિવેચન ૯૦,૦૦૦ શ્લોકમાં થયું. માત્ર ૪૧ પાનાના પુસ્તકમાંથી ૪૫૦૦  પાનાનો ૧૪ ભાગમાં વહેંચાયેલો ગ્રંથ તૈયાર થયો. આ નવા સંસ્કૃત વિવેચન ગ્રંથને ભકિતયશવિજયજીએ પોતાના ગુરુ યશોવિજયસૂરીશ્વરજીના  નામ પરથી  'યશોલતા'નામ આપ્યું. આ મહાન ગ્રંથ પર ભારતીય દાર્શનિક અનુસંધાન પરિષદ, માનવ સંસાધન વિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા શ્રી જાગનાથ શ્વે. મૂ. જૈન સંઘ, દિવ્યદર્શન ટ્રસ્ટ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સહયોગથી ૧૪ દિવસીય વર્કશોપ  ૧૬ જૂનથી ૨૯ જૂન દરમિયાન  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યોજાયો.

આ વર્કશોપ દરમિયાન ભારતભરમાંથી અનેક વિદ્વાનો આ ગ્રંથ ભણવા માટે ઉપસ્થિત થયા હતા. સાથે સાથે શહેરભરમાંથી અને જિજ્ઞાસુઓ હાજર રહેતા હતા. ભારતભરના દિગ્ગજ વિદ્વાનોએ આ 'યશોલતા'ગ્રંથના આધારે ગૂઢાર્થતત્વાલોક સમજયો, ઉકેલ્યો અને પછી ઉપસ્થિત અન્ય વિદ્વાનોને સમજાવવા માટે રાજકોટ પધાર્યા. ઉત્ત્।ર ભારત અને દક્ષિણ ભારતના સર્વોચ્ચ કક્ષાના વિદ્વાન પણ પૂજય મુનિ ભગવંતની  જ્ઞાન સાધના ને નમન કરી ગયા.   મુનિ ભગવંતના  અપ્રતિમ પુરુષાર્થને સૌએ અંતરથી વધાવ્યો. પોતે ઉચ્ચ કક્ષાના વિદ્વાન તથા ઉચ્ચ અધિકારી હોવા છતાં મુનિ ભગવંતો પ્રતિ તેમણે અનહદ આસ્થા વ્યકત કરી. જે ગ્રંથની એક પંકિત પણ બેસાડી શકાતી નથી એ ગ્રંથને આટલી નાની ઉંમરમાં ઉકેલી તમે ચમત્કાર કર્યો છે, આવા ઉદ્ગારો વિદ્વાનોએ કર્યા હતા. સાથોસાથ જૈન ધર્મના સાધુઓ ના સિદ્ઘાંતો પગપાળા ચાલવું, વાહનોનો ઉપયોગ નહીં કરવો, તપશ્ચર્યામાં નિરત રહેવું. મોબાઈલ- પૈસા રાખવા નહીં વગેરે જૈન સાધુ ના આચારોએ તેમને અત્યંત પ્રભાવિત કર્યા. ભાગ્યે જ  પ્રવાસ કરવાનું પસંદ કરતા કેટલાક વિદ્વાનોએ આ ગ્રંથ પ્રત્યે આદરભાવથી રાજકોટ આવવાનું સ્વીકાર્યું.  સાથે સાથે ગ્રંથના રચયિતા મુનિ વરની સાથે વાર્તાલાપ અને ચર્ચા વિચારણાનો લાભ પણ બધાએ મનભરીને મેળવ્યો.

આ ભવ્ય અને ઐતિહાસિક વર્કશોપ પૂરો થઈ રહ્યો છે ત્યારે જનમાનસમાં  ઘણા પ્રશ્નો છે. આ કઈ વિદ્યા છે? આ વિદ્યા માં શું ગુઢ તત્વ છે? આ ગુઢ તત્વને કેમ મેળવી શકાય? આ વિદ્યાની સાંપ્રત સમયમાં ઉપયોગીતા શું છે ?આ  ગ્રંથ દ્વારા સમાજ ને શું ફાયદો થશે? સંસ્કૃત ભાષાની આજના કાળમાં શું મહત્ત્।ા? ભારતની પ્રાચીન વિદ્યા ના ઉત્કર્ષ માટે અમે શું કરી શકીએ? જનમાનસમાં સહજ રીતે ઉદભવતા આ પ્રશ્નોના સમાધાન માટે ભારતીય સંસ્કૃતિ સંસ્કૃત ભાષા અને સંસ્કૃત પ્રત્યે લોકોમાં અભિરુચિ વધે એ માટે સંસ્કૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આજના શિક્ષણમાં શું જરૂરી છે? શું ખૂટે છે ?શિક્ષક માં શું જરૂરી છે તે વિશેની માર્મિક વાતો પણ આ કાર્યક્રમમાં કરવામાં આવશે.

ભારતીય દાર્શનિક અનુસંધાન પરિષદ, સૌરાષ્ટ્ર યુનીવર્સીટી, યુનીવર્સીટી ગ્રાન્ટ કમીશન, સંસ્કૃત ભારતી, ભારતીય શિક્ષણ મંડળ, શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, દિવ્ય દર્શન ટ્રસ્ટ અને શ્રી જાગનાથ શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘના સંયુકત ઉપક્રમે  યોજાયેલા આ  વર્કશોપના સમાપન કાર્યક્રમમાં  દેશના વિવિધ ક્ષેત્રના વિદ્વાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહેવાના છે. આ પ્રસંગે રાજયના શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા  ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત વિષય પર વકતવ્ય આપશે . ભારતીય શિક્ષા મંડળ ના  મુકુલ કાનિટકર  ખાસ ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રીય સ્તરે શિક્ષણ ક્ષેત્રમાં તેમનું બહોળું પ્રદાન છે. શિક્ષણ ક્ષેત્રની સમસ્યાઓ અને તેના રામબાણ ઉકેલ માટે ની તેમની  કુનેહ જાણીતી છે. તેઓ તર્ક વિદ્યા અને શિક્ષણ ક્ષેત્રના  નવા આયામો  વિષય પર વકતવ્ય આપશે.

ભારતવર્ષના વિદ્વાનોમાં જેમનું નામ ખૂબ આદરપાત્ર છે તેવા મહા મહોપાધ્યાય દેવદત્ત્। પાટીલજી ખાસ ગોવાથી  આ કાર્યક્રમના મુખ્ય સારસ્વત અતિથિ પદે ઉપસ્થિત રહેશે. ૧૪ દિવસના રાષ્ટ્રીય વર્કશોપની આયોજક સંસ્થા ભારત સરકારની આઈ સી પી આર ના અધ્યક્ષ આરસી સિંહાજી પ્રાસંગિક ઉદબોધન કરશે.શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટ ના અધ્યક્ષ સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજી સંસ્કૃતિ,સંસ્કાર અને સંસ્કૃત ના મહત્વ પર પ્રબોધિત કરશે. સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના કુલપતિશ્રી નીતીનભાઈ પેથાણી, ઉપકુલપતિશ્રી વિજયભાઈ દેશાણી, સિન્ડીકેટ સભ્ય મેહુલભાઈ રૂપાણી પણ ઉપસ્થિત રહેશે.

અભૂતપૂર્વ પ્રતિસાદને જોતા માત્ર આમંત્રિતો માટે યોજાયેલા આ સંસ્કૃત મહોત્સવ કાર્યક્રમમાં હાજર રહેવા માટે ઓલ ઈવેન્ટ્સ ડોટ ઇન પર સંસ્કૃત ફેસ્ટીવલની ઇવેન્ટમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અથવા તો ૯૯૭૪૦-૯૦૭૦૯ પર વ્હોટ્સએપ કરવો. શિક્ષણ સાથે સંકળાયેલ તમામ મહાનુભાવોને પોતાનું આમંત્રણ મેળવી ઉપસ્થિત રહેવા જણાવાયું છે. વ્યવસ્થાના ભાગરૂપે સૌને ૩.૪૫ કલાકે પોતાની બેઠક મેળવી લેવા વિનંતી કરાઈ છે. આ અનોખા અવસરે ૨૯ જૂન શનિવારે બપોરે ૩.૧૫ કલાકે શ્રી જાગનાથ શ્વે. મૂર્તિ પૂજક જૈન સંઘથી આચાર્ય ભગવંતના નેતૃત્વમાં સંસ્કૃતિ પ્રેમીઓ દ્વારા  શોભાયાત્રા શરુ થઇ  શ્રી રામકૃષ્ણ આશ્રમ ના  વિવેક હોલમાં પહોંચશે.

(3:47 pm IST)