Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

'હું બરખાબેનનો માનેલો ભાઇ છું, તું એને ખરાબ વિડીયો કેમ મોકલે છે?' કહી બે લાખ રૂપિયા માંગી મોચી આધેડની બેફામ ધોલધપાટ

રૈયાધારના ૪૫ વર્ષિય રાજેશભાઇ પરમારને ભાવનગરની બરખા સાથે અગાઉ રિલેશન હતાં: ત્રણ મહિનાથી નંબર બ્લોક કરી દીધા છેઃ છતાં ખોટો આરોપ મુકી તેના કહેવાતા ભાઇ આસિફ સહિતના શખ્સોનો પૈસા પડાવવાનો પ્રયાસ : ગાંધીગ્રામ પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું : આધેડને લાખના બંગલા પાસેની દૂકાનેથી પ્રેસ કોલોનીમાં લઇ જઇ ધોલધપાટ થતી'તી ત્યાં જ પોલીસ આવી ગઇ

રાજકોટ તા. ૨૬: રૈયાધારમાં રહેતાં મોચી આધેડને ભાવનગરની એક યુવતિ સાથે અગાઉ રિલેશન હોઇ અને ત્રણેક માસથી સંપર્ક પુરા કરી નાંખ્યા હોઇ આમ છતાં ગઇકાલે આ આધેડ ગાંધીગ્રામમાં લાખના બંગલા પાસે મોચી કામ કરતાં હતાં ત્યારે કારમાં આવેલા ચાર શખ્સોએ 'હું બરખાબેનનો માનેલો ભાઇ છું, તું બરખાબેનને ખરાબ વિડીયો કેમ મોકલે છે? તું એની પાસે પૈસા કેમ માંગે છે?' કહી ડખ્ખો કરી વાત કરવાના બહાને તેને ત્યાંથી પ્રેસ કોલોનીમાં લઇ જઇ ત્યાં મારકુટ કરી 'આઠ દિવસમાં બે લાખ આપી દેજે નહિતર જીવતો નહિ મુકીએ' તેમ કહી મારકુટ કરતાં તે વખતે જ પોલીસ આવી જતાં ચારેયને સકંજામાં લઇ લીધા હતાં.

બનાવ અંગે પોલીસે રૈયાધાર સરકારી સ્કૂલ આગળ અરવિંદભાઇ મોચીના મકાનમાં ભાડેથી રહેતાં રાજેશભાઇ શામજીભાઇ પરમાર (ઉ.૪૫) નામના મોચી આધેડની ફરિયાદ પરથી આસિફ સોલંકી અને ત્રણ અજાણ્યા શખ્સો સામે સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

ગાંધીગ્રામ બજરંગવાડી ચોકીના એએસઆઇ મેરામભાઇ ડાંગર, હેડકોન્સ. જીતેન્દ્રભાઇ બાળાએ રાજેશભાઇની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે. રાજેશભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું લાખના બંગલા પાસે તુષારભાઇની ટ્રેન્ડી ફૂટેવર નામની દૂકાનમાં બૂટ બનાવવાની મજૂરી કરુ છું. મારા લગ્ન થયા નથી. બપોરે સાડા ત્રણ-પોણા ચારની વચ્ચે હું દૂકાને હતો ત્યારે જીજે૩જેસી-૯૨૯૨ નંબરની સફેદ અલ્ટો આવી હતી. તેમાંથી ચાર જણા ઉતર્યા હતાં. એક શખ્સે 'મારું નામ આસિફ સોલંકી છે અને હું બરખાબેન અનિલભાઇ વાછાણીનો માનેલો ભાઇ છું, તું બરખાબેન પાસે પૈસા કેમ માંગે છે?, તેને કેમ ખરાબ વિડીયો મોકલ્યા છે?' તેમ કહેતાં મેં તેને કહેલ કે 'મેં કોઇ પૈસા માંગ્યા નથી, અને બરખાએ મારો મોબાઇલ નંબર ત્રણેક મહિનાથી બ્લોક કરી દીધો છે...મારી સાથે કોઇ વાત થઇ નથી' તેમ કહેતાં આસિફે 'અહિયા બધા વચ્ચે વાત નહિ થાય તું સાથે આવ શાંતિની વાત કરીએ' તેમ કહી મને પ્રેસ કોલોનીના અંદરના ભાગે લઇ ગયા બાદ ગાળો દઇ માર માર્યો હતો.

આસિફે 'તું બરખાબેનને આજ પછી કોઇ દિવસ ફોન નહિ કરતો અને મને બે લાખ આઠ દિવસમાં આપી દેજે નહિતર જાનથી મારી નાંખશું' તેમ કહી વધુ માર માર્યો હતો. એ દરમિયાન પોલીસની જાડી આવી જતાં મને અને ચારેય શખ્સોને બેસાડી પોલીસ સ્ટેશને લઇ ગયા હતાં. ફરિયાદ નોંધી ચારેયને કાયદાનું ભાન કરાવાયું હતું.

પી.આઇ. વી. વી. ઓેડદરાની રાહબરીમાં એએસઆઇ મેરામભાઇ ડાંગર, જીતુભાઇ બાળા સહિતે ચાર શખ્સો આસિફ હુશેનભાઇ સોલંકી (ઉ.૩૧-રહે. રામનાથપરા ગરબી ચોક), આસિફ હનીફભાઇ મકરાણી (ઉ.૩૧-રહે. જામનગર રોડ પ્રેસ કોલોની કવાર્ટર), સહજ ઘનશ્યામભાઇ ગાંદા (ઉ.૨૫-રહે. સ્વામિનારાયણ ચોક અંબાજી કડવા પ્લોટ) તથા ગજેન્દ્રસિંહ ગંભીરસિંહ કુંતલ (ઉ.૨૫-રહે. રેલનગર ભકિત પાર્ક-૨)ની ધરપકડ કરી હતી.

(3:46 pm IST)
  • સાબરકાંઠાના અરવલ્લીના પશુપાલકો માટે સારા સમાચાર : ગાયના દુધના ભાવમાં કિલો ફેટે રૂ.૨૦નો વધારો : ભેસના દુધના ભાવમાં કિલો ફેટે રૂ.૩૦નો વધારો : સાબરડેરીએ દુધના ભાવમાં વધારો કર્યો access_time 1:08 pm IST

  • રાજકોટના કાંતા વિકાસ ગૃહ પાસે કારમાં અચાનક આગ ભભૂકી :ફાયર બીગેડ ઘટના સ્થળે પહોંચ્યું "વધુ વિગત મેળવાઈ રહી છે access_time 9:32 pm IST

  • સુરતના કીમમાં ઠેર ઠેર પાણી ભરાયા :સાધના હોસ્પિટલમાં પાણી ઘુસ્યા સુરતમાં પ્રથમ વરસાદે જ કિમ ગ્રામ પંચાયતની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. કિમના સાધના હોસ્પિટલ નજીક વરસાદી પાણી ભરાયા છે, જયારે અમૃતનગર અને શિવાજીનગર જવાના માર્ગ પર પાણી ભરાતા સ્થાનિકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો છે. access_time 7:56 pm IST