Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

માધાપર-મોરબી રોડ ચોકડી વચ્ચે છરી બતાવી લૂંટ કરવાના બે ગુના ઉકેલાયાઃ ત્રણ ઝડપાયા

ગાંધીગ્રામ ડી. સ્ટાફના દિવ્યરાજસિંહ જાડેજાની બાતમી પરથી રૂષાંગ ઉર્ફ રૂષલો, વિજય ઉર્ફ લટાળો અને રાહુલ ઉર્ફ આર. સી.ને રેલનગર નાલા પાસેથી પકડી લેવાયા : મોજશોખ પુરા કરવા ત્રણેય મિત્રો લૂંટ કરતા!

રાજકોટ તા. ૨૬: શહેરમાં રાત્રીના સમયે બાઇક પર નીકળી એકલ-દોકલ વાહન ચાલકને છરી બતાવી લૂંટી લેતી ત્રિપૂટીને ઝડપી લેવામાં ગાંધીગ્રામ પોલીસને સફળતા મળી છે. ડી. સ્ટાફના કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજાની બાતમી પરથી વાળંદ, કોળી અને રજપૂત શખ્સને ઝડપી લેવાયા છે. આ ત્રણેયે હાલ બે લૂંટના ગુના કબુલ્યા છે. આ બંને ગુના ગાંધીગ્રામ પોલીસની હદમાં બન્યા હતાં.

ગાંધીગ્રામ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ. દિવ્યરાજસિંહને બાતમી મળી હતી કે વીસેક દિવસ પહેલા માધાપર ચોકડીથી મોરબી રોડ ચોકડીના રસ્તા પર મારૂતિ સુઝુકીના સર્વિસ સ્ટેશન પાસે લૂંટ કરનારા ત્રણ શખ્સો રેલનગરના નાલા પાસે ઉભા છે.

 તેના આધારે ત્રણેયને સકંજામાં લઇ પુછતાછ કરવામાં આવતાં પહેલા તો ત્રણેયએ ગલ્લા તલ્લા કર્યા હતાં. પોલીસે આકરી પુછતાછ કરતાં બે લૂંટના ગુના કબુલ્યા હતાં.

પુછતાછમાં પોતાના નામ રૂષાંગ ઉર્ફ રૂષલો જીતેન્દ્રભાઇ અમરેલીયા (વાળંદ) (ઉ.૧૯-રહે. વિજય પ્લોટ-૩૦, ધંધો-મજૂરી), વિજય ઉર્ફ લટાળો રમેશભાઇ ઉકેડીયા (કોળી) (ઉ.૧૯-રહે. રણુજા મંદિર પાસે હંસરાજનગર-૧-ધંધો મજૂરી) તથા રાહુલ ઉર્ફ આર.સી. લાલસિંહભાઇ ચોૈહાણ (રજપૂત) (ઉ.૧૯-રહે. લક્ષ્મીનગર-૧, ખોડિયાર મંદિર પાસે-ધંધો લાઇટર બનાવવાનો) જણાવ્યા હતાં. આ ત્રણેયએ વીસ દિવસ પહેલા માધાપર-મોરબી ચોકડી વચ્ચેના રોડ પર અતિથિ દેવો ભવ હોટેલ પાસે એક ભાઇના બાઇકને સરનામુ પુછવાના બહાને અટકાવી બાદમાં છરી બતાવી રોકડા ૩૦ હજાર તથા મોબાઇલ ફોન લૂંટી લીધાનું કબુલ્યું હતું.

આ ઉપરાંત થોડા દિવસ પહેલા આ સ્થળથી નજીક સુઝુકીના સર્વિસ સ્ટેશન પાસે ભાઇ-બહેનના બાઇકને અટકાવી છરીથી હુમલો કરી રૂ. ૮૦૦ રોકડા, મોબાઇલ ફોન લૂંટી લીધા હતાં. આ બંને ગુના ગાંધીગ્રામ પોલીસમાં નોંધાયા હતાં. તેનો ભેદ ઉકેલાયો છે.

ત્રણેય પાસેથી ત્રચાર મોબાઇલ ફોન, બાઇક જીજે૩કેએલ-૦૯૧૨ મળી કુલ રૂ. ૭૦,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર અજયકુમાર ચોૈધરી, ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની સુચના હેઠળ પી.આઇ. વી. વી. ઓડેદરાની રાહબરીમાં પીએસઆઇ જે. એમ. ભટ્ટ, હેડકોન્સ. રાહુલભાઇ વ્યાસ, કોન્સ. વનરાજભાઇ લાવડીયા, દિગ્વીજયસિંહ ગોહિલ, કનુભાઇ બસીયા, દિવ્યરાજસિંહ જાડેજા, ગોપાલભાઇ પાટીલ અને દિનેશભાઇ વહાણીયાને આ કામગીરી કરી હતી.

ત્રણેય મિત્રોએ મોજશોખ પુરા કરવા લૂંટનો પ્લાન ઘડી તેનો અમલ કર્યો હોવાનું કબુલ્યું છે. અગાઉ કોઇ ગુના આચર્યા છે કે કેમ? તેની વિશેષ તપાસ થઇ રહી છે.

(3:46 pm IST)