Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

કવિ 'આપ' સ્મૃતિ વિશેષ સંભારણા : કલાકારો ખીલ્યા : મોડે સુધી મેદની જામી

રાજકોટ : સૌરાષ્ટ્રના જાણીતા કવિ, લેખક, ગાયક, વકતા, સ્વરકાર, સંગીતકાર સ્વ. આપાભાઇ ગઢવી (કવિ આપ) ની ૨૫ મી પૂણ્યતીથી નિમિતે કવિ આપ પરિવાર દ્વારા સ્વામિનારાયણ ગુરૂકુળ અનુગ્રહે 'સંભારણા' કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુરૂકુળ પરિસરના શ્રી હરિપ્રિય સ્વામિ, સંત સ્વામી સહિતના સંતગણ અને કલાકાર સમુહ દ્વારા પ્રારંભે દિપપ્રાગટય કરી ગણપતિ વંદના કરાઇ હતી. ગુરૂવંદના પદ જયદેવ ગોસાઇએ કરેલ. બાદમાં દેશ વિદેશમાં ખ્યાતિ જમાવનાર ભજનિક હેમંત ચૌહાણે કવિ આપની જ બાપલિયો, કોઇ માટેલ જઇ મનાવો, હે માનવ વિશ્વાસ કરી લે.. આદી રચનાઓ રજુ કરી શ્રોતાગણને ભાવવિભોર કરી દીધો હતો. કીર્તીદાન ગઢવીએ ઉગ્યું મંદિરીયામાં આભ, પ્રીતુ રે કરીને ઘણું પછતાણાં, ઉગમણે બારણે અને મોગલ છેડતા કાળો નાગ રજુ કરી સૌને ઘેલું લગાડયુ હતુ. હાસ્ય કલાકાર ધીરૂભાઇ સરવૈયા, અનુભા ગઢવી, રાજભા ગઢવીએ  પણ આભાભાઇને યાદ કરી તેમની રચનાઓની રસલ્હાણ કરી હતી. કવિપુત્ર નરહર આપાભાઇ ગઢવીના સંકલન અને શબ્બીર ઉસ્તાદ, ઇકબાલ હાજી, ભરતપુરી, બળવંત ગોસાઇ, વિશાલ વાઘેલા, દિનેશ ગઢવી, પ્રકાશ, શ્યામ, કાનજી, વિજયની સુરીલી સાઝ સંગતે જમાવટ કરી હતી. લોકોએ મોડી રાત્રી સુધી કાર્યક્રમ માણ્યો હતો. જે તસ્વીરમાં નજરે પડે છે.

(3:39 pm IST)