Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

'મારી લવરને તમારી ઘરે શા માટે આવવા દ્દયો છો?' કહી સિંધી મહિલાને ગાળો, તેના દિયર પર છરીના ઘા

ગાયકવાડીના ધનરાજ ભાવનાણીએ પરમ દિવસે પોતાના ભાભીને ગાળો દેનારા લખનને ઠપકો દીધો હોઇ તેના ડખ્ખાનું સમાધાન કરવાના બહાને તેને જામનગર રોડના બગીચામાં બોલાવી લખન અને વિક્કીએ હુમલો કર્યો

રાજકોટ તા. ૨૬: ગાયકવાડીમાં રહેતાં સિંધી યુવાનના ભાભીને કોળી શખ્સે ફોન કરી 'મારી લવરને તમારા ઘરે શા માટે આવવા દ્દયો છો?' તેમ કહી ફોનમાં ગાળો ભાંડતાં સિંધી યુવાને તેને ઠપકો આપી સમજાવતાં આ બાબતનો ખાર રાખી માથાકુટનું સમાધાન કરવાના બહાને સિંધી યુવાનને જામનગર રોડના બગીચામાં બોલાવી કોળી શખ્સે તેના મિત્ર સાથે મળી છરીથી હુમલો કરતાં ફરિયાદ થઇ છે.

 ગાયકવાડી-૬  રવિસાગર એપાર્ટમેન્ટ ફલેટ નં. ૧૦૫માં રહેતો ધનરાજ વિનોદભાઇ ભાવનાણી (ઉ.૧૯) નામનો સિંધી યુવાન લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં દાખલ થતાં અને પોતાના પર હુમલો થયાનું જણાવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં ગાંધીગ્રામના એએસઆઇ જયસુખભાઇ એસ. હુ઼બલે હોસ્પિટલે પહોંચી ધનરાજની ફરિયાદ પરથી લખન કોળી અને વિક્કી સામે આઇપીસી ૩૨૪, ૫૦૪, ૧૧૪, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે.

ધનરાજે ફરિયાદમાં જણાવ્યું છે કે હું મજુરી કરી ગુજરાન ચલાવુ છું અને મારા માતા-પિતા તથા ભાઇ-ભાભી સાથે રહુ છું. સાંજે સાતેક વાગ્યે હું ઘર પાસે હતો ત્યારે લખન કોળીએ મને ફોન કરી જામનગર રોડ એરપોર્ટ ગાર્ડન પાસે સમાધાન માટે આવવાનું કહેતાં હું અને મારો મિત્ર હેમત માધુભાઇ શર્મા ત્યાં જતાં લખન અને વિક્કી મને ગાર્ડન અંદર લઇ ગયા હતાં અને 'કાલે તું શું ઝઘડો કરતો હતો?' તેમ કહી લખને અને વિક્કીએ નેફામાંથી છરીઓ કાઢી હતી અને હુમલો કરી મને ડાબા હાથે ઇજા કરી હતી.

દેકારો થતાં મિત્ર હેમત અને બીજા માણસો દોડી આવતાં બંને હુમલાખોર ભાગીગયા હતાં. મને માથામાંથી લોહી નીકળવા માંડતા હેમતે સિવિલ હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. હુમલાનું કારણ એવું છે કે મારા મિત્રની બહેનપણી મારા ભાભી પ્રિયાબેનની બહેનપણી હોઇ તે અમારા ઘરે પરમ દિવસે બેસવા આવી હતી. તેણીની સાથે લખનની લવર પણ આવી હતી. આ બાબતની જાણ લખનને થતાં તેણે મારા ભાભીને ફોન કરી 'મારી લવરને તમારા ઘરે શા માટે બોલાવો છો?' તેમ કહી ગાળો દેતાં મને ખબર પડતાં મેં લખનને મારા ઘર પાસે બોલાવી મારા ભાભી સાથે ઝઘડો નહિ કરવા અને ગાળો નહિ દેવા સમજાવ્યો હતો. આ બાબતનું મનદુઃખ રાખી સમાધાનના બહાને બગીચે બોલાવી હુમલો કરાયો હતો. 

(3:39 pm IST)