Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

સિવિલ હોસ્પિટલના ડો. ગોહિલની સ્વૈચ્છીક નિવૃતીની તૈયારી

દર્દી સાથે કહેવાતા ગેરવર્તનનો વિડીયો વાયરલ થતાં તપાસ કમિટીએ તપાસ કરી રિપોર્ટ મોકલ્યા છે ત્યારે : સિવિલને ખુબ સારા સર્જનની ખોટ પડશેઃ ફટાફટ ઓપરેશન કરવા માટે જાણીતા ડો. ગોહિલે કહ્યું-રાજીનામા માટે અરજી કરી દીધી છે

રાજકોટ તા. ૨૬: શહેરની સિવિલ હોસ્પિટલ કે જ્યાં રાજકોટ જ નહિ સોૈરાષ્ટ્રભરના અને બીજા જીલ્લાઓના દર્દીઓ પણ સારવાર-નિદાન અને ઓપરેશન માટે આવે છે. અહિ એક તો આમ પણ સારા સર્જનોની અછત છે ત્યારે ખુબ સારા સર્જનની છાપ ધરાવતાં ડો. ધર્મેન્દ્રસિંહ ગોહિલે સ્વેચ્છિક નિવૃતી લેવા માટે અરજી કરી દેતાં હોસ્પિટલ વર્તુળોમાં ચર્ચા જાગી છે. થોડા દિવસો પહેલા ડો. ગોહિલનો એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. એ પછી તે અંગેની તપાસ કરવા એક કમિટીની નિમણુંક કરવામાં આવી હતી. કમિટીએ તપાસ કરી રિપોર્ટ મોકલે એ પહેલા ડો. ગોહિલે નિવૃતી લેવાનો નિર્ણય કરતાં તબિબી આલમમાં કચવાટ પેદા થયો છે.

જાણવા મળ્યા મુજબ થોડા દિવસ પહેલા એક વ્યકિતએ રજાના સર્ટિફિકેટમાં સહી કરી આપવા બાબતે ડો. ગોહિલ સમક્ષ રજૂઆત કરી હતી. પણ ડો. ગોહિલે પોતાના અંડરમાં આ કામગીરી નથી આવતી તેમ જણાવ્યું હતું. એ પછી પણ એ વ્યકિતએ ત્યાં જઇ સહી કરી આપવાનું કહેતાં માથાકુટ થઇ હતી. એ પછી ડોકટર ગોહિલનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. આના પગલે મેડિકલ કોલેજના ડીન તરફથી તપાસ કમિટી નિમવામાં આવી હતી. જેનો રિપોર્ટ હજુ મોકલવાનો બાકી છે. ત્યાં ડો. ગોહિલે સ્વેચ્છિક નિવૃતીનો નિર્ણય કરી આ માટે અરજી કરી દીધાનું જાણવા મળે છે. તેમણે જણાવ્યું હતું કે મને સોૈનો સાથ-સહકાર મળ્યો છે. પરંતુ અંગત કારણોસર નિવૃતી લઇ લેવી છે.

ડીન ડો. ધ્રુવામેડમે કહ્યું હતું કે રાજીનામાની ચર્ચા મેં પણ સાંભળી છે. પરંતુ અમારી કોલેજમાં હજુ તેમની નોકરી આજે યથાવત છે. ઉલ્લેખનિય છે કે ડો. ગોહિલ ખુબ સારા સર્જન છે અને સર્જરીના ઓપરેશનમાં અવ્વલ ગણાય છે. ફટાફટ દર્દીઓના જરૂરી ઓપરેશન કરાવી તેમને પીડામુકત કરવા માટે જાણીતા છે. ત્યારે તેમની નિવૃતીથી ચોક્કસપણે સિવિલ હોસ્પિટલને એક સારા સર્જનની ખોટ પડવાની છે. તેવું જાણકારો તબિબી મિત્રો કહે છે.

(3:25 pm IST)