Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

વોર્ડ નં.૩ના શિવમ્ પાર્કમાં ગંદા પાણીનું વિતરણ : ગંદકીના ગંજ ખડકાયા : તંત્રનો ઉધડો લેતા ગાયત્રીબા

સમસ્યા તાકીદે ઉકેલવા કોંગી કોર્પોરેટર દ્વારા મ્યુ. કમિશનરને રજૂઆત

રાજકોટ, તા. ર૬ : શહેરના વોર્ડ નં.૩માં આવેલ શિવમ્ પાર્ક વિસ્તારમાં ગંદુ પાણી તથા ધીમા ફોર્સથી વિતરણ તથા ગંદકીના ગંજ સહિતના વિવિધ પ્રશ્નો તાકીદે ઉકેલવા વોર્ડ નં.૩ના કોંગી કોર્પોરેટર ગાયત્રીબાએ મ્યુ. કમિશનર રજૂઆત કરી છે.

ગાયત્રીબાએ જણાવ્યું હતું કે, વોર્ડ નં.૩માં સાધુવાસવાણી કુંજ રોડ ઉપર આવેલ શિવમ્ પાર્ક સોસાયટી શેરી નં.૩-૪-પમાં છેલ્લા ઘણા સમયથી પાણીનો ફોર્સ ઘણો જ ધીમો આવે છે અને છેલ્લા ઘણા દિવસોથી તો ગટરનું પાણી પાણીની લાઇન સાથે ભળી જતું હોય તે રીતે ખૂબજ દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું છે જે અંગે તંત્ર વાહકોને અવારનવાર રજુઆત કરવા છતાં કોઇ જ ઉકેલ આવી શકયો નથી. આ સોસાયટીમાં વસવાટ કરતા અંદાજે ૩૦૦થી ૪૦૦ પરિવાર આવું દુર્ગંધયુકત પાણી પીવા માટે મજબૂત છે. સ્માર્ટ સીટીના સપના દેખાડનારા શાસકો અને નિંભર તંત્ર પ્રથમ પાયાની જરૂરીયાતમાં ધાંધીયા હોવાનો આક્ષેપ કર્યો છે.

દુર્ગંધયુકત પાણી પીવાના કારણે આ વિસ્તારમાં કોઇ મોટો રોગચાળો ફાટી નિકળે તે પહેલા પગલા લેવા માટે તેમજ આ વિસ્તારમાં નાખવામાં આવેલી ડી.આઇ. પાઇપ લાઇન કે જે માત્ર શોભાના ગાંઠીયા સમાન બને તે પહેલા એના મારફત કનેકશનો આપી તાત્કાલીક ધોરણે આ સમસ્યાનો ઉકેલ લાવવા ગાયત્રીબા વાઘેલાએ કમિશનરશ્રીને રજૂઆત કરેલ છે.

સ્માર્ટ સીટીની વાતો કરનારા શાસકો આવાસ યોજનાની એક પણ સમસ્યા ઉકેલાઇ નહી હોવાનો આક્ષેપ ગાયત્રીબાએ કર્યો છે. પરંતુ આવાસ યોજનાના સ્માર્ટ રસ્તા ઉપર ખડકાયેલા કચરાના ઢગલા અને ગટરોના પાણી સહિતની સમસ્યાનો તાકીદે ઉકેલ લાવવા માંગ કરી છે.

(3:23 pm IST)