Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

ચીનના 'જીયો ઝોઉં' અને રાજકોટ વચ્ચે ટ્વીન સીટી કરાર થશે

ચીનના કિવિન્ગ્ડાઓ રાજ્યના 'જીયો ઝોઉં' શહેર અને રાજકોટ વચ્ચે વ્યાવસાયિક, પરિવહન, વહીવટી, શિક્ષણ, રમતગમત, સાંસ્કૃતિક, ઐતિહાસિક બાબતોની આપ-લે માટે થશે કરારઃ મ્યુ. કોર્પોરેશન દ્વારા ખાસ ટ્વીનીંગ સેલની રચના થશે અને તકનીકી સલાહ માટે સમિતિ રચાશેઃ સ્ટેન્ડીંગ કમિટીમાં દરખાસ્તનો નિર્ણય લેવાશે

રાજકોટ, તા. ૨૬ :. રાજકોટ મ્યુ. કોર્પોરેશને વર્ષો અગાઉ ઈંગ્લેન્ડના લેસ્ટર શહેર સાથે ટ્વીન સીટી કરાર એટલે કે જોડીયા શહેરના કરારો થયા છે, ત્યારે વધુ એક દેશના સીટી સાથે ટ્વીન સીટી કરાર કરવા માટેની દરખાસ્ત આગામી દિવસમાં મળનાર સ્ટેન્ડીંગ કમિટી માટે ચેરમેન ઉદયભાઈ કાનગડને મ્યુ. કમિશ્નર બંછાનીધિ પાનીએ મોકલી છે.

આ દરખાસ્ત મુજબ સમગ્ર ભારતના વિકસતા શહેરોમાં રાજકોટનો સમાવેશ થતો હોય ભારતના પાડોશી દેશ ચીનના કિવન્ગ્ડાઓ રાજ્યના જીયોઝોઉં શહેર સાથે વ્યુહાત્મક ભાગીદારી અને પરસ્પર હીત ધરાવતા ક્ષેત્રોમાં સહકાર માટે દ્વિપક્ષીય એટલે કે ટ્વીન સીટી કરાર કરવા માટે રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા રાજકોટ કોર્પોરેશનને સૂચના અપાઈ છે.

દરખાસ્તમાં જણાવ્યા મુજબ રાજકોટ અને જીયોઝોઉં શહેર વચ્ચે વિવિધ ક્ષેત્રો જેવા કે વહીવટી ક્ષેત્ર, પરિવહન, શિક્ષણ, સાંસ્કૃતિક, ઘનકચરા નિકાલ, ગંદા પાણીનું વ્યવસ્થાપન, પર્યાવરણ શુદ્ધિ વગેરે જેવી બાબતોમાં પરસ્પર સહકારની આપ-લે કરવા માટે રાજકોટ શહેર કક્ષાએ ટ્વીનીંગ સેલની રચના કરી અને તેને કાર્યરત કરવાનું થશે તથા આ ટ્વીન સેલને સહકાર માટે તકનીકિ સલાહ આપવા માટે એક ખાસ સમીતીની રચના થશે.

આ કરાર થયા પછી વિવિધ પ્રવૃતિઓ, પ્રોજેકટો, નાણાકીય સહાય સહિતની બાબતો અંગે આંતરરાષ્ટ્રીય સહયોગ મેળવી બન્ને શહેરો વિકાસનો એકશન પ્લાન બનાવી અને અમલમાં મુકશે. આ કરારનો સમયગાળો ૩ વર્ષ અથવા જ્યાં સુધી કોઈ ૩ મહિના અગાઉ કરાર સમાપ્ત કરવાની નોટીસ ન આપે ત્યાં સુધીનો રહેશે અને આગામી મળનાર સ્ટેન્ડીંગ કમિટીમાં ચેરમેન ઉદય કાનગડ આ અંગે નિર્ણય લેનાર છે.

(3:20 pm IST)