Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

૧૦૪ સફાઇ કામદારોના વારસદારોને રહેમરાહે નોકરીનો નિર્ણય

૩૮૪ સફાઈ કામદારોને ઉચ્ચતર પગાર ધોરણ અપાશેઃ મ્યુનિ કમિશનર બંછાનિધી પાનીની જાહેરાત

રાજકોટ,તા.૨૫:  મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર સંવેદનશીલ હોવાની પ્રતીતિ કરાવતા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓના હિતમાં કેટલાક આશીર્વાદરૂપ નિર્ણયો કરેલ છે. જેમાં ચાલુ ફરજ દરમ્યાન તબીબી રીતે અશકત બની ચુકેલા સફાઈ કામદારોના વારસદારને નોકરી આપવા તથા ચાલુ ફરજ દરમ્યાન અવસાન પામેલા કાયમી સફાઈ કર્મચારીઓના વારસદારોને રહેમરાહે નોકરી આપવા ઉપરાંત કાયમી સફાઈ કામદારો પૈકી જેમની નોકરીના ૧૨ અને ૨૪ વર્ષ પૂર્ણ થઇ ચુકયા છે તેઓને ઉચ્ચતર પગાર ધોરણ આપવાનો પણ સમાવેશ થાય છે.

મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં ફરજ દરમ્યાન તબીબીરીતે અનફિટ કે અશકત બની ગયેલા ૯૦ સફાઈ કામદારોના વારસદારને નિમણુંક આપવાની સાથોસાથ ચાલુ ફરજ દરમ્યાન અવસાન પામેલા ૧૪ સફાઈ કામદારોના વારસદારને રહેમરાહે નિમણુંક આપવાનો માનવતાલક્ષી નિર્ણય કર્યો છે. જયારે કાયમી સફાઈ કામદારો પૈકી જેમની નોકરીના ૧૨ અને ૨૪ વર્ષ પૂર્ણ થઇ ચુકયા છે તેવા૩૮૪ સફાઈ કામદારોને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવા નિર્ણય કર્યો છે.

મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ એમ જણાવ્યું હતું કે, આજે રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે યોજાયેલી ડીપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટી (ડી.પી.સી.)ની બેઠકમાં આ ઉમદા નિર્ણયો લેવામાં આવ્યા હતાં. કમિશનરશ્રીએ વધુમાં એમ કહ્યું હતું કે, જનરલ બોર્ડ દ્વારા નિર્ધારિત કરવામાં આવેલી નીતિ અનુસાર, ચાલુ ફરજ દરમ્યાન તબીબીરીતે અશકત બની ચુકેલા સફાઈ કામદારોના રાજીનામાં મંજુર કરી તેઓના વારસદારોને નોકરીમાં રહેમરાહે નિમણુંક આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે.

(9:13 am IST)