Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

લોહાણા મહાજન ચૂંટણી : અમુક મુદ્દાનું સ્પષ્ટીકરણ માંગતી રમેશભાઈ ધામેચાના સુચનને નિરીક્ષકોએ આવકારી

હવે ચેરીટી કમિશ્નરના નિર્ણય ઉપર નજર : ૩૪ ઉમેદવારી ફોર્મ ઉપડ્યા

રાજકોટ, તા. ૨૬ : લોહાણા મહાજન રાજકોટની ચૂંટણીએ બરાબર રંગ પકડ્યો છે ત્યારે પ્રમુખપદ માટે આજે બપોરે એક વાગ્યા સુધીમાં કુલ ૩૪ જેટલા ઉમેદવારી ફોર્મ ઉપડ્યા હોવાનું જાણવા મળે છે. ગઈકાલે બપોર પછીથી આજ બપોરે ૧ વાગ્યા સુધીમાં નિખિલભાઈ પોપટ, અનિલભાઈ તન્ના, હરેશભાઈ પૂજારા, વિજયભાઈ કાબાણી વગેરેએ ઉમેદવારી ફોર્મ ઉપાડ્યા હતા.

દરમિયાન ચુંટણી સંદર્ભે મતદારયાદી બહાર પાડવી, મતદાન સ્થળો વધારવા, માત્ર પ્રમુખને બદલે સમગ્ર ૧૨૫ મહાજન સમિતિની ચૂંટણી કરવી સહિતના મુદ્દે સ્પષ્ટીકરણ માંગણી રમેશભાઈ ધામેચાની અરજીને સુચનના રૂપમાં મહદઅંશે ત્રણેય નીરીક્ષકો રામભાઈ બરછા, સુરેશભાઈ ચંદારાણા તથા શાંતનુભાઈ રૂપારેલીયાએ આવકારી છે. તેઓએ પોતાનો અભિપ્રાય લોહાણા મહાજનના કાર્યવાહક પ્રમુખ કાશ્મીરાબેન નથવાણી તથા મદદનીશ ચેરીટી કમિશ્નરને પણ મોકલી આપ્યો હોવાનું જાણવા મળે છે. હવે ચેરીટી કમિશ્નરના નિર્ણય ઉપર સૌ જ્ઞાતિજનોની નજર સ્થિર થઈ છે.

નિરીક્ષકો દ્વારા અપાયેલ અભિપ્રાયમાં જણાવાયુ છે કે બંધારણની શરૂઆતથી જ મતદારયાદી બની નથી. લોહાણા તથા અન્ય સમાજની અટક ઘણા કિસ્સામાં  સરખી હોય તો બોગસ મતદાનનું જોખમ રહે માટે જો કાયદેસર મતદારયાદી હોય તો આવુ જોખમ નિવારી શકાય અને ઉમેદવારોને અન્યાય ન થાય.

વધુમાં નિરીક્ષકોએ જણાવ્યું છે કે લોહાણા સમાજની વસ્તી આશરે અઢીથી ત્રણ લાખ હોય. એક જ ચૂંટણીનું મતદાન રાખવાથી અંધાધૂંધીનો ભય રહેશે. માટે શાંતિપૂર્વક અને ભાઈચારાથી ચૂંટણી થાય તે માટે રમેશભાઈના સુચનો આવકારીને તમામ રજૂઆત હકારાત્મક રીતે મદદનીશ ચેરીટી કમિશ્નર સમક્ષ મૂકી છે.

માત્ર પ્રમુખની નહિં પરંતુ સમગ્ર ૧૨૫ મહાજન સમિતિની ચૂંટણી કરવી તેવી જોગવાઈ બંધારણમાં ન હોવાનું નિરીક્ષકોએ જણાવ્યુ છે છતાં પણ ચૂંટણીની જૂની પદ્ધતિને મદદનીશ ચેરીટી કમિશ્નર સમક્ષ મૂકીને જો તેઓ તરફથી ફેરફાર સુચવવામાં આવે તો તે પ્રમાણે ચૂંટણી કરાવવાની નિરીક્ષકોએ તૈયારી બતાવી હતી.

આ બાબતે કાશ્મીરાબેન નથવાણીએ જણાવ્યુ હતું કે બંધારણ સુધારાની પ્રક્રિયા અને મતદાર યાદી બનાવવાની પ્રક્રિયા ઘણી લાંબી છે છતાં પણ નિરીક્ષકો તથા ચેરીટી કમિશ્નર દ્વારા જે નિર્ણય લેવાશે તે મુજબ ચૂંટણી કરાવવાની તૈયારી છે.

(4:30 pm IST)