Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

ચોમાસા પૂર્વે મ્યુનિ. કોર્પોરેશન તંત્ર એલર્ટ

અધિકારીઓ - પદાધિકારીઓની મોનસુન અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઇ : પાણી નિકાલ, દવા, છંટકાવ, નદીકાંઠા વિસ્તાર સહિતના પ્રશ્ને ચર્ચા

રાજકોટ તા. ૨૬ : મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ચોમાસામાં પુર - હોનારત સર્જાય નહી તે માટે પ્રિ-મોન્સુન એકશન પ્લાન બનાવવામાં આવે છે. ગત સાંજે પ્રિ-મોન્સુન એકશન પ્લાન અંગે ફાયરબ્રિગેડ, વોટર વર્કસ, બાંધકામ વગેરે વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી અને શહેરમાં વરસાદ, પાણી નિકાલની આગોતરી વ્યવસ્થા સહિતની બાબતોની મેયર બીનાબેન આચાર્યએ સમીક્ષા કરી હતી.

આ મીટીંગમાં મેયર બિનાબેન આચાર્યએ જણાવેલ કે રૈયા ચોકડી, મવડી ચોકડી બ્રિજની ચાલી રહેલ કામગીરી અંતર્ગત ચોમાસા દરમ્યાન ૧૫૦ ફુટ રીંગ રોડ પરથી આવન-જાવન કરતા શહેરીજનો હેરાન ન થાય તેની પણ તકેદારી રાખવી તેમજ મહિલા કોલેજ, રેલનગર અન્ડર બ્રિજ માંથી પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવી ઉપરાંત જે વિસ્તારોમાં માલધારી પશુઓ રાખે છે. તે વિસ્તારોમાં ખાસ સફાઈ થાય પાવડરનો છંટકાવ થાય તેમજ ચોમાસા દરમ્યાન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવેલ કંટ્રોલ રૂમના ટેલીફોન નંબરની માહિતી શહેરીજનોને મળી રહે અને તમામ કંટ્રોલરૂમ પર જવાબદાર અધિકારીઓને પણ મુકવા જણાવેલ.

આ બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડએ જણાવેલ કે શહેરના કયા કયા વિસ્તારોમાં પાણી ભરાય છે તેનો સર્વે કરાવેલ, તે તમામ પોઈન્ટ પર વરસાદી પાણીનો નિકાલ થાય, તેમજ જે વિસ્તારોમાં જેવા કે લલુડી વોંકળી, જંગલેશ્વર, આજીનદી કાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને સ્થળાંતર કરવા, તેની રહેવાની ફુટ પેકેટ વિગેરે માટે અને ફાયર ટીમ ખાસ એલર્ટ રહે તેમ જણાવેલ વિશેષમાં શાકમાર્કેટ, ખાણીપીણી વાળા સ્થળોએ ચોમાસામાં નિયમિત ખાસ સફાઈ થાય, દવા છંટકાવ થાય, ઉપરાંત પાણી જન્ય રોગચાળા પર પણ નીયંત્રણરહે તે માટે ફોગીંગ દવા છંટકાવ વિગેરે કરવું, ચોમાસાની ઋતુ દરમ્યાન ગરીબ અને પછાત વર્ગના વિસ્તારોમાં મેડીકલ કેમ્પો થાય અને મેલરીયા અને ડેન્ગ્યુના રોગચાળો વકરે નહી, તેમ ખાસ તકેદારી લેવી.

આ મીટીંગમાં મ્યુનીસીપલ કમિશનર બંછાનિધિ પાનીએ પ્રી. મોનસુન કામગીરીની માહિતી આપેલ અને આ વર્ષે ખાસ કરીને ડેન્ગ્યુ, મેલરીયા, કેસઓ ન બને તે માટે કાર્યવાહી કરવા તેમજ ગાર્ડન, રોશની વિભાગ વિગેરે પણ સંકલનમાં રહી કામગીરી કરવા જણાવેલ, ઉપરાંત ખુબ વાદળયુ વાતાવરણ હોય ત્યારે લાઈટ વહેલી ચાલુ કરવા પણ જણાવેલ.        

આ મીટીંગમાં તમામ સિટી એન્જીનીયરશ્રીઓ પોતાના ઝોન વરસાદી પાણીના ડ્રેનેજના મેનહોલ સફાઈ કરવામાં આવેલ. કામગીરીમાં આપેલ પર્યાવરણ અધિકારીએ શહેરના વોંકળા સફાઈની માહિતી આપેલ. આ ઉપરાંત રેલનગર અન્ડર બ્રિજમાંથી પાણીના નિકાલ માટે ૧૫ વોર્સ પવારના ચાર પંપ મુકવામાં આવેલ. તેમજ ત્યાં સફાઈની કામગીરી પણ કરેલ, તેમજ અન્ડર બ્રિજના પાણીના  નિકાલ માટે લાગુ વોંકળાની પણ સફાઈ કરાવામાં આવેલ છે તેજ રીતે મહિલા કોલેજ અન્ડર બ્રિજમાં જુના હૈયાત સાડાબાર એચ.પી. ના ત્રણ પંપની જગ્યાએ ૨૦ એચ.પી. ના ત્રણ પંપ મુકવામાં આવેલ છે, તેમજ લાઈનની સફાઈ વિગેરે પણ કરવામાં આવેલ છે.

ચોમાસા વરસાદ દરમ્યાન અધકારીઓ, કર્મચારીઓ ફીલ્ડમાં રહી જે-જે વિસ્તારોમાં મુશ્કેલી હોય, ફરિયાદ હોય તેવા વિસ્તારોમાં તાત્કાલિક કાર્યવાહી કરવા અને ખાસ કરીને નદીકાંઠા વિસ્તાર કે જયાં ગરીબ પછાતવર્ગના લોકો રહે છે, તેવા વિસ્તારોમાં ખાસ ધ્યાન આપવા પદાધિકારીઓએ ચિંતન કરેલું.

આ બેઠકમાં ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાશકપક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાની, ડેપ્યુટી કમિશનર સી.કે. નંદાણી, ગણાત્રા, સિટી એન્જીનીયર ભાવેશભાઈ જોષી, કામલીયા, દોઢિયા, અલ્પનાબેન મિત્રા,પર્યાવરણ અધિકારી નિલેશભાઈ પરમાર, રોશની વિભાગના ઝાલા વિગેરે ઉપસ્થિત રહેલ.

(4:27 pm IST)