Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

તુમાર નિકાલ માટે ૩૦ જૂન આખરી તારીખઃ ૩ માસની ઉપરની એક પણ નોંધ બાકી ન રાખવા આદેશઃ ૮ ગામોમાં પ્રશ્નોનું નિરાકરણ

રૂડાની ૫૨ ગામોને નર્મદાનું રોજનું ૨૫ એમએલડી પાણી આપવાની યોજનાનો ડીપીઆર તૈયાર : હિરાસર એરપોર્ટ અંગે જુલાઈમાં વર્ક ઓર્ડરઃ ખીરસરામાં મદારીઓને ૪૦ ચો.મી.ના ૧૧ પ્લોટ ફાળવતી સરકાર :દર શુક્રવારે ૩ - ૩ ગામોની મુલાકાત લેવાની યોજના અમલમાં મુકતા કલેકટરઃ પત્રકારો સાથે વાતચીત

રાજકોટ, તા. ૨૬ :. રાજકોટ જીલ્લા કલેકટર શ્રી રાહુલ ગુપ્તાએ આજે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન મહત્વની વિગતો જણાવી હતી

તેમણે ઉમેર્યુ હતું કે, મોન્સુન શરૂ થઇ ગયું છે, દરેક ડેમના નીચાણવાળા વિસ્તારમાં ન જવા ગ્રામ્ય જનતાને એલર્ટ કરાઇ છે, તો દરેક મહેસૂલી કચેરીના સ્ટાફને હેડકવાર્ટર નહી છોડવા આદેશો કરાયા છે.

તુમાર અંગે તેમણે ઉમેર્યુ હતું કે, ધડાધડ ફાઇલોનો નિકાલ થઇ રહયો છે, આાગામી ૩૦ મી જુન સુધીમાં તમામ તુમારોના નિકાલ માટે સૂચના આપી દેવાઇ છે, પ્રાંત-મામલતદાર-એડી. કલેકટરને સાથે રાખી ફાઇલો ત્વરીત નિકાલ કરવા કહેવાયું છે, રોજેરોજ મોનીટરીંગ કરવા પણ સૂચના અપાઇ છે.

કલેકટરે ઉમેર્યુ હતું કે, ૩ માસથી ઉપરની એકપણ નોંધ બાકી નો રહે તે માટે પણ આદેશ અપાયો છે, હાલ એકપણ નોંધ બાકી નથી,એક છે, તે તકરારી છે. અને ત્રણ માસથી ઉપરની નોંધ બાકી હશે તો સીધા મામલતદાર જવાબદાર બની જશે.

કલેકટરે નિર્દેશ આપ્યો હતો કે, દર શુક્રવારે પોતે અને ડીડીઓ સંયુકત રીતે ૩ ગામડાની મુલાકાત લે છે. શાળા-પંચાયત ઓફિસમાં મીટીંગો રાખી સ્થળ ઉપર જ પ્રશ્નોનું નિરાકરણ કરાય છે, અને ગ્રાંટમાંથી તાત્કાલિક નિર્ણય લેવાય છે, આજ સુધીમાં ૮ ગામોની મુલાકાત પુરી કરી લેવાઇ છે.

કલેકટરે ઉમેર્યુ હતું કે, રૂડાની જ ૪૦૦ કરોડની પર (બાવન) ગામો માટે યોજના છે, તેમાં ૩૦૦ કરોડ આવી ગયા છે, પર-ગામોમાં નર્મદાનું રપ એમએલડી પાણી પહોંચાડવા અંગે કામગીરીનો ડીપીઆર ફાઇનલ કરી લેવાયો છે, એશીયન ડેવલપમેન્ટ બેન્કમાંથી લોન સ્વરૂપે આ નાણાકીય સહાય આપી છે.

કલેકટરે ઉમેર્યુ હતું કે, પારેવાડાની જમે ખીરસરામાં પણ, મદારીઓને વિનામૂલ્યે ૪૦ ચો.મી. ના ૧૧ પ્લોટ ફાળવી દેવાયા છે, સ્ટેમ્પ ડયુટી સહિત તમામ કામગીરી માટે તંત્ર દ્વારા પૈસાની ફાળવણી કરાઇ છે, ગઇકાલે આ લોકો આવ્યા હતા, તેમના પોકેટમાં પૈસા ન હતા, આંખમાંથી અશ્રુ વહેવા લાગ્યા હતા, સરકારે ત્વરિત નિર્ણય લઇ પ્લોટ ફાળવવા અંગે સૂચના આપી દીધી હતી.

હિરાસર એરપોર્ટ અંગે કલેકટરે ઉમેર્યુ હતું કે હાલ જમીન ફરતે પોલની બાઉન્ડ્રી કરી લેવાઇ છે,   જુલાઇમાં    વર્ક ઓર્ડર અપાઇ જશે, બાદમાં કામગીરી ઝડપી બનશે.

(4:10 pm IST)