Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

મોવડી મંડળ ગેરશિસ્ત કરી સાંખી લેવાના મૂ઼ડમાં : ડખ્ખો વકરશે

ઈન્દ્રનીલ રાજયગુરૂ જૂથ પણ લડી લેવાના, ઉચ્ચ કક્ષાએ રજૂઆતો અને વધુ રાજીનામાના મૂડમાં છે ત્યારે :લડાઈ સ્થાનિકની નહિં પરંતુ પક્ષના નેતાઓ વચ્ચેનો અહંમ વકર્યો હોવાનું પ્રદેશ કોંગ્રેસ લોબીમાં ચર્ચા : ચોતરફ લાગી છે 'આગ'

રાજકોટ, તા. ૨૬ : રાજકોટ શહેરમાં જૂથવાદ અને નારાજગીની આગ બરાબરની જામી છે ત્યારે ગઈકાલે તેજતર્રાર કોંગી નેતા ઈન્દ્રનીલ રાજયગુરૂએ વટભેર રાજીનામુ આપી દેતા શહેર કોંગ્રેસમાં ભૂકંપ સર્જયો છે તો આજે ૧૯ પૂર્વ નગરસેવકો તથા પદાધિકારીઓ સહિત  ૪૦ આગેવાનોએ પ્રદેશ સમિતિને રાજીનામા મોકલી દેતા બરાબરનું 'ખડુ' થયુ છે. તો બીજી તરફ હરીફ જૂથ પણ પડકાર જીલવા તરફ હોવાના ઈશારા કહે છે ત્યારે મોવડી મંડળ પણ ગેરશિસ્ત કોઈ કાળે નહિં ચલાવી લેવાના મૂડમાં હોવાનું જાણવા મળતા ડખ્ખો વકરશે તેવા નિર્દેશો મળે છે.

ગઈકાલે ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂએ બપોર બાદ ઓચીંતો ધડાકો કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો ત્યારે હજુ કોઈ રીએકશન, એકશન કે મનામણાની વાતો બહાર આવે તે પહેલા આજે સવારે ૧૯ જેટલા શહેર જીલ્લાના પૂર્વ નગરસેવકો તથા પદાધિકારીઓ સહિત ૪૦ જેટલા આગેવાનોએ રાજીનામા ધરી દેતા ધરતીકંપ બાદ વધુ જબરો આફટરશોક ધણધણી ઉઠ્યો હતો.

ઈન્દ્રનીલ રાજયગુરૂના જૂથ દ્વારા વધુ એક રાજકીય પ્રહાર કરાયા બાદ કાર્યકારી પ્રમુખનું જૂથ જાહેરમાં નહિં પરંતુ ખાનગીમાં એવુ કહી રહ્યુ છે કે રાજીનામા દેવા કે હાર્ડલાઈન લેવામાં સંભવત ૪થી વધુ કોર્પોરેટર એકત્રિત થઈ શકે તેમ નથી.

દરમિયાન પ્રદેશ નેતાગીરી તથા રાજયપ્રભારીના સૂત્રોમાંથી એવું સંભળાઈ રહ્યુ છે કે હવે ગેરશિસ્ત કોઈ હિસાબે ચલાવી નહિં લેવાય પરિણામ કોઈપણ આવે પક્ષને દબાણ કહીને નિર્ણય ન કરાવી શકાય આ મેસેજ આવા ગુજરાતમાં  આપવા માટે મોવડી મંડળ સજ્જ થયાનું કહેવાય છે જો કે વિરોધ વંટોળની માત્ર વિરાટ હોવાનું મનાય છે.

પ્રદેશ લોબીમાં ચર્ચાતી વિગતો મુજબ પ્રદેશ સમિતિ તથા વિપક્ષી નેતાના જૂથ દ્વારા યુવાનોને મહત્વ અપાશે તેવી વારંવાર જાહેરાતોના કારણે મામલો વધુ બિચકયાનું અને ચોક્કસ સીનીયરો ખૂબ નારાજ થયાનું સ્પષ્ટ મનાઈ રહ્યુ છે.

કોંગ્રેસનો એક ચોક્કસ વર્ગ સ્પષ્ટ માની રહ્યો છે કે સ્થાનિક કક્ષાએ જયાં જયાં તાલુકા - જીલ્લા પંચાયત તથા શહેરોમાં નારાજગી જોવા મળે છે તેના માટે મુખ્ય જવાબદાર પરીબળ ટોચના પ્રદેશ નેતાઓ વચ્ચે વર્ષોથી ચાલતી આવતી અહંમનો ટકરાવ છે.

જયારથી પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડા અને વિપક્ષી નેતા પરેશ ધાનાણીની વરણી થઈ છે ત્યારથી સીનીયર અને જુનિયરના બે ફાંટા પડી ગયા છે. ટોચના બંને નેતા કોઈને પૂછતા નથી. વિશ્વાસમાં લેતા નથી તેવી વાત સાથે છેલ્લા ઘણા સમયથી અસંતોષની આંધી ઉઠવા પામી છે અને એ તેની ઝાળ છેક સ્થાનિક કક્ષાએ પહોંચી છે તેવી ચર્ચા જાગી છે.

(3:43 pm IST)