Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

હાલ કોઈ નિર્ણય લીધો નથી, મેં કોઈનો વ્યકિતગત લાભ લીધો નથી

પોતાના મતવિસ્તારમાં પ્રવાસ કરતાં કુંવરજીભાઈ, મતદારો - સમાજના આગેવાનોને મળી રહ્યા છે : ભવિષ્યમાં પણ કોઈ નિર્ણય લઈશ તો મારા મતદારોની લાગણીને ધ્યાનમાં રાખીને જ લઈશ : ઈન્દ્રનીલભાઈએ કરેલા આક્ષેપો ફગાવતા બાવળીયા

રાજકોટ, તા. ૨૬ : આગામી વર્ષે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસમાં ફરી કકળાટ શરૂ થયો છે. ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા અને પીરઝાદા પણ ખુલ્લેઆમ પોતાની નારાજગી દર્શાવી રહ્યા છે ત્યારે ગઈસાંજે રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂએ પણ કોંગ્રેસના તમામ હોદ્દાઓ ઉપરથી રાજીનામુ આપી દઈ સનસનાટી મચાવી દીધી છે. દરમિયાન કુંવરજીભાઈ બાવળીયાએ ''અકિલા'' સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યુ હતું કે, હાલ તો મેં કોઈ નિર્ણય લીધો નથી. હું મારા મત વિસ્તારમાં ઘરે - ઘરે જઈ લોકોના પ્રશ્નો સાંભળી રહ્યો છું. ભવિષ્યમાં પણ કોઈ પણ નિર્ણય લઈશ એ મારા મતદારોની લાગણીને ધ્યાનમાં રાખીને જ લઈશ. ઈન્દ્રનીલભાઈએ કરેલા આક્ષેપોને ફગાવતા કુંવરજીભાઈએ કહ્યું હતું કે મેં કોઈ દિવસ કોઈનો પણ વ્યકિતગત લાભ લીધો નથી અને લઈશ પણ નહિં.

તેઓએ જણાવેલ કે હાલ તો હું મારા વિસ્તારમાં પ્રવાસ કરી રહ્યો છું અને મારા મતદારોને સમાજના લોકોના પ્રશ્નો સાંભળી તેને વાંચા આપવાના પૂરતા પ્રયત્નો કરી રહ્યો છું. હાલ કોઈ ઉતાવળ કરવી નથી. મારા વિસ્તારના મતદારો જે નિર્ણય લે એ જ મારો નિર્ણય. આજે હું જસદણ અને આટકોટના મારા મતક્ષેત્રમાં પ્રવાસ કરી રહ્યો છું.

ઈન્દ્રનીલભાઈએ કરેલા આક્ષેપોને ફગાવતા શ્રી બાવળીયાએ જણાવેલ કે મેં કોઈ દિવસ કોઈનો વ્યકિતગત લાભ લીધો નથી અને લઈશ પણ નહિં. કોંગ્રેસ પક્ષ છોડવાના છો તે પ્રશ્નના જવાબમાં શ્રી બાવળીયાએ જણાવેલ કે હાલ તો કોઈ નિર્ણય ઉપર આવ્યો નથી. ભવિષ્યમાં પણ કોઈ નિર્ણય લઈશ તો મારા મતદારોની લાગણીને ધ્યાનમાં રાખીને જ લઈશ.

અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસથી નારાજ કુંવરજીભાઈએ ગત રવિવારે વિંછીયામાં સમાજનું સમરસ્તા સંમેલન બોલાવ્યુ હતું. જેમાં તેઓએ સમાજને અને સમાજના ધારાસભ્યોને કોંગ્રેસ ગણકારતુ નથી તેમ જણાવ્યુ હતું.  સમરસ્તા સંમેલનના બે દિવસ અગાઉ તેઓ દિલ્હી ખાતે રાહુલ ગાંધીને પણ મળવા ગયા હતા. જયાં તેઓએ પોતે પક્ષથી નારાજ હોવાનું અને અન્ય બાબતો અંગે પણ કોંગી પ્રમુખ સાથે ચર્ચાઓ કરી હતી. (૩૭.૩)

(1:05 pm IST)