Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

કુંવરજીભાઈ રાજકીય સોદાગર છે : ઈન્દ્રનીલભાઈ

ભાજપથી નહિં પણ આંતરીક કકળાટથી થાકયો છું : કુંવરજીભાઈ વિચાર આધારીત નહિં હોદ્દા આધારીત રાજકારણ કરી રહ્યા છે : જે લોકોએ પક્ષ વિરોધી કામ કર્યુ તેવા લોકોને જ મોટા હોદ્દાઓ ઉપર બેસાડી દીધા : મારી નારાજગીના લીધે રાજીનામુ આપ્યુ

રાજકોટ, તા. ૨૬ : રાજકોટ કોંગ્રેસના સીનીયર નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂએ ગઈસાંજે પત્રકારો સમક્ષ કોંગ્રેસના તમામ હોદ્દાઓ ઉપરથી રાજીનામુ આપી ધડાકો કર્યો હતો. તેઓએ આજે ''અકિલા'' સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે હું ભાજપથી નહિં પણ કોંગ્રેસના આંતરીક કકળાટથી જ થાકયો છું. તેઓએ કુંવરજીભાઈ ઉપર આક્ષેપ કરતાં  કહ્યું હતું કે, કુંવરજીભાઈ રાજકીય સોદાગર છે અને તેઓ વિચાર આધારીત નહિં હોદ્દા આધારીત રાજકારણ કરી રહ્યા છે.

ઈન્દ્રનીલભાઈએ જણાવેલ કે, મને પક્ષની સિસ્ટમ્સ સામે વાંધો છે. આને સાચવવો ભેગા રહો, તેનાથી હું કંટાળી ગયો છું. હું એમ કહું છું કે, જેને નારાજગી હોય તેને સામ-સામા બેસાડી પ્રશ્નોનો ઉકેલ લાવવો અને સાચા - ખોટાના આધારે નિર્ણય લ્યો. તુ રાજી... તુ રાજી... આવી સિસ્ટમ સામે મને વાંધો છે. ચૂંટણી સમયે જે લોકોએ પક્ષ વિરોધી કામગીરી કરી હતી. ભાજપની સભાઓ સંભાળી હતી તેવા લોકોને જ નિરીક્ષક બનાવાયા હતા. કોંગ્રેસ વિરૂદ્ધ બોલ્યા હોય તેવા લોકોને મોટા મોટા હોદ્દાઓ ઉપર બેસાડી દીધા છે. તેમાં પાર્ટીમાં શિસ્ત કઈ રીતે રહે?

એક પ્રશ્નના જવાબમાં ઈન્દ્રનીલભાઈએ જણાવેલ કે હું ભાજપ સામે લડવાથી થાકયો નથી, પરંતુ કોંગ્રેસની અંદરોઅંદરની લડાઈ સામે થાકયો છું. વારે ઘડીએ ઉપલા લેવલે ફરીયાદ તો કરાતી નથી. બીજા કોઈ પક્ષમાં જવાનો કોઈ પ્રશ્ન જ નથી. કોંગ્રેસ શ્રેષ્ઠ પક્ષ છે અને વિકાસ કરશે. મેં મારી નારાજગીના કારણે રાજીનામુ આપી દીધુ છે.

ઈન્દ્રનીલભાઈએ ધડાકો કરતા કહ્યું હતું કે કુંવરજીભાઈ રાજકીય સોદાગર છે. રાજીનામુ આપવાની ધમકી સાથે પ્રેસર ટેકનીક અપનાવી રહ્યા છે. આવું તેઓ હંમેશ કરે છે. તેઓ વિચાર આધારીત નહિં હોદ્દા આધારીત રાજકારણ કરી રહ્યા છે. તેના લીધે જ રાજકોટમાં પણ આવા પ્રશ્નો ઉભા થયા છે.

(11:38 am IST)