Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

ઇભલાનો ફરી આતંકઃ લાતી પ્લોટના વેપારી પાસે ખંડણીમાં ગોડાઉન માગ્યું

સતત બે દિવસ સુધી નામીચા શખ્સે સાગ્રીતોને કોૈશલભાઇ ગોરસીયાની ઓફિસમાં મોકલી મફતમાં ગોડાઉન આપી દેવા ધમકી દીધીઃ ત્રણ માણસો ઓફિસમાં ઘુસી ગયાઃ એક જણાએ ફોન લગાડી વાત કરાવીઃ સામેથી ઇભલાએ કહ્યું-તારા કારખાનાને કે માણસોને વર્ષોથી નુકસાન નથી થયું, શાંતિથી રહેવું હોઇ તો લાતી પ્લોટ-૧૧નું તારું ગોડાઉન મારા નામે કરી દેજે!: બી-ડિવીઝન પોલીસે ત્રણ શખસોને સકંજામાં લઇ પુછતાછ આદરીઃ એક શખ્સના હાથમાં બે કારતુસ હતીઃ ઇભલાએ વેપારીને કહ્યું-મારી વાત નહિ માને તો આમાંથી એક કારતુસ પર તારૂ નામ લખાઇ જશે

હત્યાની કોશિષ, મારામારી, એટ્રોસીટી, ફાયરીંગ, ખંડણી પડાવવી સહિતના ૩૫ જેટલા ગુનામાં ઇભલો સંડોવાઇ ચુકયો છે. બી-ડિવીઝન પોલીસે અગાઉ આ શખ્સને પકડ્યો ત્યારની ફાઇલ તસ્વીર

રાજકોટ તા. ૨૬: અગાઉ અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુકેલા નામીચા ઇબ્રાહીમ ઉર્ફ ઇભલો ખાટકી અને ટોળકીએ લાતી પ્લોટમાં આવેલું વણિક યુવાનનું ગોડાઉન બળજબરીથી પડાવી લેવા સતત બે દિવસ સુધી ધાકધમકીનો દોર શરૂ કરતાં અને ઇભલાના સાગ્રીતોએ ઓફિસમાં ઘુસી ઇભલા સાથે ફોન પર વાત કરાવતાં ઇભલાએ 'તારી ઓફિસમાં આવેલા એક જણાના હાથમાં બે કારતુસ છે, એમાંથી એકમાં તારું નામ લખાઇ જશે' તેવી ધમકી આપી લાતી પ્લોટ-૧૧માં આવેલુ ગોડાઉન પોતાને મફતમાં આવી દેવા કહી ખંડણી માંગતા પોલીસે તાકીદે કાર્યવાહી કરી ત્રણ શખ્સોને સકંજામાં લઇ પુછતાછ આદરી છે.

બનાવ અંગે બી-ડિવીઝન પોલીસે કરણપરા-૩૩માં રહેતાં અને લાતી પ્લોટ-૧૦માં સ્વસ્તિક ટૂલ્સ એન્ડ એન્જિનીયરીંગ વર્કસ નામે ધંધો કરતાં વણિક યુવાન કોૈશલભાઇ જશવંતભાઇ ગોસલીયા (ઉ.૩૯)ની ફરિયાદ પરથી મોરબી રોડ ખાટકીવાસના ઇબ્રાહીમ ઉર્ફ ઇભલો કરીમભાઇ, તેના સાગ્રીતો સલિમ ઉર્ફ સલિયો કરીમભાઇ, હમીદ જીકાભાઇ પરમાર, શાહિલ ગુલાબભાઇ ઘાંચી અને મહેબુબ ઉર્ફ મેબલો કરિમભાઇ સામે આઇપીસી ૩૮૭, ૪૫૨, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.

કોૈશલભાઇએ પોલીસને જણાવ્યું હતું કે પોતે લાતી પ્લોટ-૧૦માં સ્વસ્તિક ટૂલ્સમાં કારપેન્ટ્રી ટૂલ્સ બનાવીને વેંચાણ કરે છે. ૨૪મીએ સાંજે પોણા સાતેક વાગ્યે પોતે ઓફિસમાં હતાં ત્યારે બેઅજાણ્યા શખ્સો આવ્યા હતાં અને તેના ફોનમાંથી ઇબ્રાહીમ ઉર્ફ ઇભલા સાથે વાત કરવાનું કહેતાં તેણે વાત કરતાં સામેથી વાત કરનારે પોતે ઇભલો હોવાનું કહ્યું હતું અને 'તારું કારખાનુ ઘણા સમયથી છે, છતાં કારખાનાને કે તારા માણસોને કોઇ નુકસાન થયું નથી, જો શાંતિથી રહેવું હોય તો લાતી પ્લોટ-૧૧માં આવેલુ તારૂ ગોડાઉન કોઇપણ જાતના અવેજ વગર મને મફત આપી દેજે, તારે આપવાનું જ છે અને જો નહિ આપ તો જાનથી મારી નાંખીશ' તેવી ધમકી આપી હતી. એ પછી બંને શખ્સો નીકળી ગયા હતાં.

ત્યારબાદ ગઇકાલે ૨૫મીએ બપોરે બારેક વાગ્યે ફરીથી ત્રણ અજાણ્યા શખ્સો  ઓફિસે આવ્યા હતાં અને બળજબરીથી અંદર ઘુસી તેના ફોનમાંથી ફોન લગાડી ઇભલા સાથે વાત કરવાનું કહેતાં કોૈશલભાઇએ વાત કરતાં ફરીથી ઇભલાએ 'ગોડાઉન આપવાનું શું વિચાર્યુ તે?' તેમ પુછતાં કોૈશલભાઇએ પોતે સાંજ સુધીમાં જવાબ આપશે તેમ કહ્યું હતું. એ પછી એક શખ્સે હાથમાં બે કારતુસ હતાં તે બતાવ્યા હતાં અને ઇભલાએ કહેલ કે જો આ કારતુસ દેખાય છે તેમાંથી એક ઉપર તારું નામ લખાઇ જશે.

આવી ધમકી બાદ અજાણ્યા શખ્સો ભાગી ગયા હતાં. કોૈશલભાઇ પોતે ગભરાઇ ગયા હતાં. જે ત્રણ શખ્સો આવ્યા હતાં તેમાં એક મહેબુબ ઉર્ફ મેબલો કરીમભાઇ કાથરોટીયા હોઇ તેને પોતે જોયે ઓળખતાં હતાં. એ પછી સાંજે છ વાગ્યે ફરીથી ત્રણ શખ્સો આવ્યા હતાં અને ઇભલા સાથે ફોનમાં વાત કરાવી હતી. ઇભલાએ ફરીથી ધમકી આપતાં કહ્યું હતું કે ગોડાઉનનું શું વિચાર્યુ? આથી કોૈશલભાઇએ કંઇ વિચાર્યુ નથી તેમ જણાવતાં ઇભલાએ 'તો હવે હું રૂબરૂ આવું છું' તેમ કહી ફોન કટ કરી નાંખ્યો હતો. સાંજે આવેલા ત્રણ શખ્સોમાં સલિમ ઉર્ફ સલિયો કરીમભાઇ કાથરોટીયા, હમીદ જીકરભાઇ પરમાર, સાહિલ ગુલાબભાઇ ઘાંચી હતાં. જેમાં સલિયાના હાથમાં કારતુસ હતાં. આ બધા ઇભાલની રાહ જોઇને ઉભા હતાં. પરંતુ ઇભલો ન આવતાં ત્રણેય જતાં-જતાં એવી ધમકી આપી ગયા હતાં કે 'ઇભલાએ કહ્યું છે તેના વિશે વિચારી રાખજે નહિતર મરવાની તૈયારી રાખજે'.

સતત બે દિવસ સુધી આ રીતે મફતમાં ગોડાઉન પડાવવા માટે નામીચા ઇભલા અને ટોળકીએ ધમકી આપતાં અંતે કોૈશલભાઇએ પોલીસને જાણ કરતાં બી-ડિવીઝનના પી.આઇ. આર. એસ. ઠાકર,  ડી. સ્ટાફના મહેશગીરી ગોસ્વામી, વિરમભાઇ ધગલ, અજીતભાઇ લોખીલ, મહેશભાઇ ચાવડા સહિતની ટીમે ગુનો નોંધી હાલ તુર્ત ત્રણ શખ્સોને સકંજામાં લઇ પુછતાછ આદરી છે. ઇભલો અગાઉ પણ અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે. તેણે ફરીથી લખણ ઝળકાવતાં શોધખોળ થઇ રહી છે.  (૧૪.૭)

(11:38 am IST)