Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

કોઠારીયાનો ધો. ૧૦નો છાત્ર રાજ શાળાએ જવા નિકળ્યા બાદ ભેદી રીતે ગુમઃ અપહરણનો ગુનો

સ્કૂલે નહિ પહોંચ્યાનો ટીચરે ફોન કરતા ખબર પડીઃ પટેલ પરિવારમાં ચિંતા

રાજકોટ તા. ૨૬: કોઠારીયા રોડ પર આવેલી સુરભી રેસીડેન્સીમાં રહેતો ધોરણ-૧૦નો છાત્ર ગઇકાલે સ્કૂલે જવા નિકળ્યા બાદ ઘરે ન આવતા આજીડેમ પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ કોઠારીયા રોડ પર સુરભી રેસીડેન્સી બી-૩૪માં રહેતા અને બાંધકામનો વ્યવસાય કરતા મનીષભાઇ પોપટભાઇ મેંદપરા (ઉ.વ.૪૧) (પટેલ) નો એકનો એક પુત્ર રાજ (ઉ.વ.૧૫) જે દેવપરામાં આવેલી પતંજલિ સ્કૂલમાં ધોરણ-૧૦માં અભ્યાસ કરે છે. ગત તા. ૨૫-૦૬ ના રોજ સવારે ૬:૩૦ વાગ્યે રાજ રાબેતા મુજબ ઘરેથી સ્કૂલે જવા માટે નિકળ્યો હતો. બાદ પિતા મનીષભાઇ પોતાની સાઇટ પર ગયા હતા. દરમ્યાન સાંજે તેના પિતા મનીષભાઇ ઘરે આવ્યા ત્યારે રાજની સ્કૂલના ટીચર રાકેશભાઇનો ફોન આવ્યો કે ' તમારો દીકરો સ્કૂલે આવ્યો નથી' તેમ કહેતા પિતા મનીષભાઇ તથા પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી. પરંતુ તેનો કોઇ પતો ન લાગતા તેના પરિવારજનોએ આજીડેમ પોલીસ મથકમાં જાણ કરતા પીએસઆઇ આર.બી. વાઘેલા તથા રાઇટર કિરીટભાઇ રામાવતે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ અપહરણનો ગુનો દાખલ કરી પીએસઆઇ આર.વી. કડછાએ તપાસ આદરી છે. જો કોઇને આ કિશોર જોવા મળે તો આજીડેમ પોલીસ સ્ટેશન ફોન નંબર- ૭૪૩૩૮ ૧૪૮૦૮ તથા ૯૭૧૪૯૦૫૨૨૬ ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે. (૧.૭)

(11:37 am IST)