Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

ગ્રીન-અર્થ દ્વારા વૈવિધ્યપૂર્ણ પેપરબેગનું નિર્માણ

પ્લાસ્ટિકમુકત અભિયાન અંતર્ગત ૧૦ કિલોની ક્ષમતા સુધીની પેપરબેગ બનાવી : પ્લાસ્ટિકના ઝભલાનો ઉત્તમ વિકલ્પ દવેભાઇએ વિકસાવ્યો : દરરોજ ૧૫૦૦ બેગ્સનું ઉત્પાદન : કોઇ મશીન નહિ, ૧૦૦% હેન્ડવર્ક : લોકોનો ઉત્સાહભેર આવકાર

રાજકોટ તા. ૨૫ : પ્લાસ્ટિક પર્યાવરણને ખૂબ નુકસાન કરે છે. પ્લાસ્ટિકના ઝભલા પર પ્રતિબંધ મૂકાયો છે. તાજેતરમાં પાણીના પાઉચ પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. વ્યાપારીઓ અને લોકો પણ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા ઇચ્છતા નથી, પરંતુ પ્લાસ્ટિકના ઉત્તમ વિકલ્પનો અભાવ છે.

આ સ્થિતિમાં ગ્રીન-અર્થ ગૃહઉદ્યોગે પર્યાવરણ ક્ષેત્રે મહત્વનું કદમ ઉઠાવીને પ્લાસ્ટિકના શ્રેષ્ઠ વિકલ્પરૂપ વૈવિધ્યપૂર્ણ પેપર બેગ્સનું નિર્માણ કર્યું છે, જેને ભરપૂર આવકાર મળ્યો છે.

ગ્રીન અર્થ ગૃહ ઉદ્યોગના સંચાલક દવેભાઇએ 'અકિલા'ને જણાવ્યું હતું કે, કોઇ વસ્તુ પર પ્રતિબંધ લાગે ત્યારે તેનો વિકલ્પ જરૂરી બનતો હોય છે. અમે પ્લાસ્ટિકના ઝભલાનો ઉત્તમ વિકલ્પ આપ્યો છે. ગ્રીન-અર્થ દ્વારા વૈવિધ્યપૂર્ણ પેપર બેગ્સનું ઉત્પાદન શરૂ કરાયું છે.

દવેભાઇ કહે છે કે, અમારી બે વિશેષતા છે. પ્રથમ એ કે પેપર બેગ માટે જે મટીરીયલ વપરાય છે એ ઉત્તમ પ્રકારનું આયાતી છે ખૂબ મજબૂત આવે છે. આ કારણે અમે ૧૦ કિલો વજન ખમી શકે તેવી કક્ષાની પેપર બેગ્સ બનાવી શકયા છીએ. ગ્રીન અર્થની બીજી વિશેષતા એ છે કે, દરેક પ્રકારની પેપર બેગ કોઇ જ મશીનરી વગર સંપૂર્ણપણે હેન્ડવર્કથી ઉત્પાદન કરવામાં આવે છે.

ગ્રીન અર્થ દ્વારા નાની સાઇઝથી માંડીને ૧૦ કિલો વજન ક્ષમતા ધરાવતી બેગ્સનું ઉત્પાદન થાય છે. વિવિધ આકાર - કલરની પેપર બેગ્સ ઉપલબ્ધ છે. દરરોજ ૧૫૦૦ બેગ્સના ઉત્પાદનની ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત પ્રિન્ટેડ તથા નોન-પ્રિન્ટેડ બેગ્સ બનાવી દેવામાં આવે છે.

દવે પરિવાર મૂળ બગસરાનો છે પોણા બે દાયકાથી રાજકોટમાં સ્થાયી થયો છે. તેમનો સંપર્ક ગ્રીન અર્થ ગૃહ ઉદ્યોગ, આલ્ફા સિટી, બ્લોક નં. ૧૬૫, લોધિકા રોડ, બાલાસર ગામ પાસે મો. ૭૫૭૪૦ ૦૨૩૦૦ / ૮૮૪૯૮ ૧૬૯૭૩ નંબર પર થઇ શકે છે. (૨૧.૧૯)

(3:44 pm IST)