Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

નકલી બિયારણોના જવાબદારો સામે કડક કાર્યવાહી, કેસ ફાસ્‍ટ ટ્રેકમાં ચલાવવા વિચારાશે : રાઘવજી પટેલ

ખેડૂતો બિયારણના બીલનો આગ્રહ રાખે : ગ્‍લોબલ વોર્મિંગથી બચવા ખેતી ક્ષેત્રે નવા સંશોધનોને અવકાશ

રાજ્‍યના કૃષિ મંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજી પટેલે પત્રકાર પરિષદ સંબોધેલ તે પ્રસંગની તસ્‍વીરમાં બાજુમાં શહેર ભાજપના નવા પ્રમુખ મુકેશ દોશી, સાંસદ રામભાઇ મોકરિયા તથા પદાધિકારીઓ સર્વશ્રી મહેન્‍દ્ર પાડલિયા, ઉદય કાનગડ, ડો. દર્શિતા શાહ, રમેશ ટીલાળા, ભૂપત બોદર, રાજુ ધ્રુવ, ગોવિંદ પટેલ, પ્રદીપ ડવ, કમલેશ મિરાણી, પુષ્‍કર પટેલ, નરેન્‍દ્રસિંહ ઠાકુર, મનસુખ રામાણી, કિશોર રાઠોડ, મનીષ ચાંગેલા, જયેશ બોઘરા, મનોજ રાઠોડ વગેરે ઉપસ્‍થિત છે. (તસ્‍વીર : સંદીપ બગથરિયા)

રાજકોટ તા. ૨૬ : રાજ્‍યના કૃષિ અને ગ્રામગૃહ નિર્માણ વિભાગના મંત્રી તથા રાજકોટના પ્રભારી મંત્રી શ્રી રાઘવજી પટેલે ખરીફ પાકની મોસમ નજીક આવી રહી હોવાથી નકલી બિયારણોના વેચાણ સામે લાલાઆંખ કરી આવા બિયારણોનું વેચાણ કરનારા તેમજ તે પ્રવૃત્તિમાં સંકળાયેલા તત્‍વો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ કર્યો છે. તેમણે આવા કેસને ફાસ્‍ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાના સૂચનને આવકારી સરકાર આ દિશામાં વિચારશે તેમ જણાવ્‍યું હતું.

રાઘવજી પટેલે આજે અહીં સર્કિટ હાઉસ ખાતે જણાવેલ કે, વાવણીની મોસમ નજીક આવી રહી છે. બજારમાં નકલી બિયારણો વેચાતા હોવાની વાતો મળી છે. સરકાર નકલી બિયારણના વેચાણ સામે કડક કાર્યવાહી કરે છે અને કરશે. હાલ નકલી બિયારણ પકડાય ત્‍યારે પોલીસ અને કાનૂનને લગતી કાર્યવાહી લાંબી ચાલે છે. ભવિષ્‍યમાં આવા કેસ ફાસ્‍ટ ટ્રેક કોર્ટમાં ચલાવી જવાબદારોને પાઠ ભણાવવાનું વિચારાશે. ખેડૂતો બિયારણ ખરીદતી વખતે પહોંચ મેળવવાનો આગ્રહ રાખે તો આ સમસ્‍યા ઘણી હળવી થઇ શકે તેમ છે.

ખેતી ક્ષેત્રે નવા સંશોધનો અંગેના સવાલના જવાબમાં તેમણે જણાવેલ કે, વૈશ્વિક તાપમાનમાં ફેરફારની અસર ઋતુચક્ર પર પડી છે. તેના કારણે પાકને નુકસાન થાય છે. આવું અવારનવાર બનવા લાગ્‍યું છે. હવામાનમાં ફેરફારના કારણે ખેડૂતોને થતાં નુકસાનને નિવારવા પાકની પેટર્નમાં ફેરફાર કરવા કૃષિ વિભાગ દ્વારા અભ્‍યાસ થઇ રહ્યો છે. ચાલુ વર્ષ મિલેટ વર્ષ તરીકે ઉજવાય રહ્યું છે. બાજરી જેવા જાડા ધાન્‍ય આરોગ્‍ય માટે ફાયદાકારક છે. ગુજરાતમાં બાજરીનું વાવેતર ઘટયું છે. આ વાવેતરને પ્રોત્‍સાહન આપવા સરકાર કાર્યવાહી કરશે.

સરકારી ભોજન સમારંભોમાં ઓછામાં ઓછી એક વાનગી જાડા ધાન્‍યની પીરસવાના સૂચનને પણ કૃષિમંત્રી રાઘવજી પટેલે આવકાર્યુ હતું.

(4:21 pm IST)