Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

ગાંધીગ્રામમાં પરિણીતાના ઘરમાં ઘુસીઋશીરાજ સહિત બે એ છેડતી કરી

રસના ચીચોડે પતિને ટીફીન આપવા જતી ત્યારે ખરાબ નજરે જોતોઃ ઋશીરાજ ગોહીલ તથા એક અજાણ્યા સામે ફરિયાદ

રાજકોટ તા. ર૬: ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી પરિણીતાના ઘરમાં ઘુસી બે શખ્સોએ પરિણીતાને ગાળો આપી ખરાબ રીતે સ્પર્શ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી પરિણીતાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ઋશીરાજ ગોહિલ અને એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, દોઢેક મહિના પહેલા પતિ નાણાવટી ચોકમાં ભાગીદારીમાં રસનો ચીચોડો ચલાવતા હતા ત્યાં પોતે પતિને કયારેક કયારેક જમવા માટેનું ટલીફીન દેવા જતી હતી ત્યારે ત્યાં એક શખ્સ પોતાની પાસે આવીને ખબાર નજરેથી જોતો હતો.

જેથી પોતે પતિને આ બાબતે જાણ કરતા તે આ અજાણ્યા શખ્સને ઓળખી ગયેલ અને પોતાને કહેલ કે 'આ ઋશીરાજ ગોહીલ છે જેણે મને આજથી ચારેક વર્ષ પહેલા છરી મારી હતી' તેમ કહ્યું હતું. ત્યારબાદ પતિ આ ઋશીરાજને સમજાવવા માટે ગયેલ તો તેની સાથે ગાળાગાળી કરી ઝઘડો કરવા લાગ્યો હતો. તેથી પોતે પતિ સાથે પોલીસ ફરિયાદ કરવા માટે જતા હતા ત્યારે ઓળખીતાએ ફરીયાદ કરવાની ના પાડતા ફરિયાદ કરી ન હતી. બાદ એકાદ મહિનાથી પતિએ રસનો ચીચોડો ભાગીદારીમાં ચાલુ રાખેલ પરંતુ ત્યાં જવાનું બંધ કરી દીધું હતું. અને જાહેરાતના બોર્ડ બનાવવાનું મજૂરી કામ કરવા લાગ્યા હતા. ગઇકાલે રાત્રે પોતે ઘરે હતી ત્યારે આ ઋશીરાજ અને એક અજાણ્યો શખ્સ બંને અચાનક ઘરમાં આવી જઇ પોતાને કહેલ કે 'તારો પતિ કયાં છે તેના નંબર મને આપો' તેમ કહી ગાળો આપવા લાગેલ અને ઋશીરાજ પોતાને ખરાબ રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કરવા જતા પોતાના સાસુ અને નણંદ વચ્ચે પડેલ અને તે બંનેને ઘરમાંથી બહાર કાઢયા હતા ત્યારે આ ઋશીરાજ તથા તેની સાથે આવેલા અજાણ્યા શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા. આ અંગે પોતે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઋશીરાજ ગોહીલ અને એક અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કરી એ.એસ.આઇ. જે. એસ. હુંબલે તપાસ હાથ ધરી છે.

(4:02 pm IST)