Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

બાળકોને યોગ્ય માર્ગદર્શન અને સાચી દિશા આપવા

જનરેશન ગેપ નિવારવો અતિ આવશ્યક

સમય સાથે લોકોના વિચારોમાં બદલાવ સ્વભાવિક છે.  શું  બે પેઢીઓ એકબીજાને સમજવાની કોશિશ કરી રહી છે?

 પેઢીઓ વચ્ચે કુદરતી રીતે ઉંમરને કારણે અંતર હોય છે જો કે જનરેશન ગેપ એટલે વિચારસરણી, વિચારવાની પદ્ધતિ અને વર્તમાન પ્રવાહના સંદર્ભમાં માનસિક અંતર હોવું.

બાળક અને માતા-પિતા કે દાદા-દાદી વચ્ચે, સાસુ-વહુ વચ્ચે સામાન્ય રીતે માનસિક અંતર જોવા મળે છે કારણ કે બાળકો ને એમ હોય છે  કે પોતે મોટા થઈ ગયા છે, સ્વતંત્ર બનવાનો સમય આવી ગયો છે. પરંતુ માતા-પિતા બાળકોને હંમેશા સુરક્ષિત વાતાવરણ પુરૃ પાડવા માંગતા હોય છે. જેથી પુરતી સ્વતંત્રતા આપતા નથી.

 સામાન્ય રીતે માતા-પિતા અને તેમના બાળકો વસ્તુઓને પોતાના જુદા-જુદા દ્રષ્ટિકોણથી જુએ છે.  એકબીજાના દ્રષ્ટિકોણથી જોતા નથી જેજનરેશન ગેપનું સૌથી મોટું કારણ છે. કિશોર અવસ્થાની ઉંમરમાં આ ગેપ સૌથી વધુ જોઈ શકાય છે.   અમુક યુવાનો કે કિશોરોને લાગે છે કે તેમના માતા પિતાએ વધુ વિશ્વાસ કરવાની કે સ્વતંત્રતા આપવાની જરૃર છે જ્યારે માતા-પિતા તેમની સલામતી માટે ચિંતિત હોય છે.

જનરેશન ગેપ માટે ટેકનોલોજી પણ એટલી જ અસર કરે છે..વૃદ્ધ લોકો ટેકનોલોજીથી અજાણ હોય છે અથવા યુવાનો જેટલી ઝડપથી શીખી શકતા નથી. જ્યારે યુવાનો રોજબરોજ આવતી નવી નવી ટેકનોલોજીથી વાકેફ હોય છે અને ઝડપી શીખી લે છે.

ઘણીવાર એવું બને છે માતા પિતા કે ઘરના વડીલો જે સંસ્કૃતિ અને સમાજ રચનાના નિયમોથી ઘડાયેલા હોય છે તે આજના કિશોરો-યુવાનોને સમજમાં આવતા નથી. અત્યારના યુવાનો પર યુરોપિયન સંસ્કૃતિનો પ્રભાવ જોવા મળે છે. જેમ જેમ દેશ દુનિયા વિકાસના પંથે આગળ વધે છે તેમ તેમ મૂલ્યો બદલાઈ રહ્યા છે માટે વડીલોના સાંસ્કૃતિક મૂલ્યો અત્યારના બાળકો સમજી શકતા નથી જેના કારણે જનરેશન ગેપ આવે છે.

* જનરેશન ગેપના કેટલા કારણો

 સમજણનો અભાવ : જુદી જુદી પેઢીઓ પોતાની પેઢી પ્રમાણેના અલગ અલગ દ્રષ્ટિકોણ ધરાવે છે .વડીલો પાસે અનુભવ છે તો બાળકો પાસે ટેકનોલોજી અને વિકાસની રાહ... જ્યારે માતા પિતા પોતાની કિશોર અવસ્થામાં હોય તેના કરતાં અત્યારે સમાજમાં ઘણા ફેરફારો થયેલા હોય છે જેથી વિચારસરણી સામાન્ય રીતે અલગ હોય છે.

બાળકોને વારંવાર ટોકવા કે ખીજાવાથી : માતા-પિતા હંમેશા પોતાના બાળકોને સાચી દિશામાં વાળવા ઈચ્છતા હોય છે જેને લીધે બાળકોની ભૂલ થતાં તેમને ખીજાય છે અથવા સજા આપે છે પરંતુ અત્યારના બાળકો સમજી શકતા નથી અને વારંવાર ખીજાવાના માતા પિતાના આ વલણને લીધે બાળકો માતા પિતા કે વડીલોથી અંતર બનાવે છે.

વાતચીતનો અભાવ : જવાબદારીઓના બોજ તળ  દબાયેલા વડીલો કે માતા પિતાને આજે બાળકો સાથે પૂરતી વાત કરવા માટે સમય હોતો નથી જેથી બાળકો માતા-પિતાથી દૂર થવા લાગે છે અને તેઓ વચ્ચેનું અંતર વધે છે.

*જનરેશન ગેપ દૂર કરવાની  કેટલીક ટિપ્સ 

 સાંભળો : બાળકો આખા દિવસ દરમિયાન ઘણું જોતા સમજતા અને અનુભવતા હોય છે. બાળકો પોતે દિવસ દરમિયાન કરેલી પ્રવૃત્તિઓનું વર્ણન માતા-પિતા પાસે કરે છે પરંતુ વ્યસ્તતાને કારણે માતા-પિતા બાળકોની વાતને સાંભળતા નથી. જનરેશન ગેપને દૂર કરવા સૌથી પહેલા બાળકોના દ્રષ્ટિકોણ અને વિચારોને સાંભળવા જરૃરી છે.

  બૃહદ મન રાખવું : બાળકો જે રીતે વિચારે છે તે માતા પિતાના વિચારો કરતા અલગ હોઈ શકે છે . માતા પિતાને ક્યારેક એવું લાગે છે કે તેઓ બધુ જાણે છે પરંતુ સત્ય એ છે કે સમય સાથે જીવન જીવવાની રીતોમાં થયેલા ફેરફાર જુદી-જુદી રીતે માનસ પર અસર કરતા હોય છે. જેથી માતા પિતાએ બાળકોની વિચારસરણી કે પ્રક્રિયાઓને મોટું મન રાખી સમજવાની જરૃર હોય છે.

 વિશ્વાસ દેખાડો : બાળકો જે પણ કાર્ય કરે છે તેમાં વિશ્વાસ દેખાડવો ખૂબ જરૃરી છે જેથી બાળકોમાં આત્મવિશ્વાસ વધે અને માતા-પિતા પ્રત્યેના પ્રેમમાં વધારો થાય  જેથી જનરેશન ગેપ ઘટે છે.

સમાધાન : જુદા-જુદા બે લોકોની વિચારસરણી કોઈ વસ્તુને લઈને જુદી જુદી હોઈ શકે છે પરંતુ દરેકના મંતવ્યોને સ્વીકારવા જોઈએ. બાળકો પર માતા પિતાએ પોતાના મંતવ્યો થોપવા જોઈએ નહીં પરંતુ મતભેદનું સમાધાન કરવું જરૃરી છે. જેથી બાળકો અને માતા-પિતા વચ્ચેના મનના તાંતણા જોડાયેલા રહે અને જનરેશન ગેપ વધે નહીં.

 વાતચીત : બાળકો સાથે સમયે સમયે કરેલી વાતચીત માતા-પિતા અને બાળકો વચ્ચે સેતુ  ઉભો કરે છે. જેમાં બંને એકબીજા પાસેથી કંઈક નવું શીખે છે તથા એકબીજાના મૂલ્યો,  દ્રષ્ટિકોણ અને વિચારસરણી સમજી શકે છે. જે જનરેશન ગેપ ઘટાડવા માટે ખૂબ જ જરૃરી છે. પ્રેમાળ વાતચીત બાળકોને પોતાપણું આપે છે અને બાળકોના કોમળ મને અંકુરિત થવામાં મદદ કરે છે. 

: આલેખન :

રાધિકા જોષી

(12:04 pm IST)