Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

ત્રણ ધંધા બદલ્‍યા છતાં બે પાંદડે ન થતાં નિકુંજે બે મહિનાથી જાલીનોટ છાપવાનું ચાલુ કર્યુ'તું: ૧૦૦-૫૦૦ની ૨૩.૪૪ લાખની જાલીનોટો જપ્‍ત

જયપુરમાં ટેક્‍સટાઇલનો ધંધો કર્યો, ટંકારામાં મોબાઇલની દુકાન ખોલી, છેલ્લે શેરબજાર ઝંપલાવ્‍યું પણ ખોટ જતાં મુળ સજ્જનપરના શખ્‍સે રાજકોટમાં ભાડે મકાન રાખી ઘરધણી વિશાલ ગઢીયા સાથે મળી નકલી ચલણી નોટો છાપી વહેતી કરવાનું કોૈભાંડ આચર્યુ : સાધુ વાસવાણી રોડ પામ સીટી ચોકની નીરા ડેરીમાંથી સંચાલક વિશાલ ગઢીયા અને બુકીની છાપ ધરાવતાં વિશાલ બુધ્‍ધદેવને ૫૦૦ના દરની ૨૦૦ નકલી નોટો સાથે દબોચી લેવાયા બાદ મોરબી રોડ પર અમૃત પાર્કમાં વિશાગઢીયાના મકાનના ભાડૂઆત નિકુંજ ભાલોડીયાને પકડી લેવાયોઃ યુ-ટુ્‌યુબ-ઇન્‍ટરનેટનો ઉપયોગ કરી પ્રિન્‍ટરની મદદથી ૫૦૦-૧૦૦ વાળી નોટો છાપ્‍યાનુ઼ રટણઃ આગળની તપાસ એસઓજી કરશે : રાજકોટમાં એલસીબી ઝોન-૨ અને ક્રાઇમ બ્રાંચની ટીમે કર્યો જાલીનોટ છાપવાના કારસ્‍તાનનો પર્દાફાશ : પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની રાહબરીમાં પીઆઇ વાય. બી. જાડેજા, પીએસઆઇ એમ. જે. હુણ અને ટીમની કાર્યવાહી : એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર. એચ. ઝાલાની ટીમના હેડકોન્‍સ. હરપાલસિંહ જાડજા અને કોન્‍સ. જયંતિગીરી ગોસ્‍વામીની બાતમી

રાજકોટ તા. ૨૫: શહેર ક્રાઇમ બ્રાંચ અને એલસીબી ઝોન-૨ ટીમે રૂા. ૧૦૦ અને ૫૦૦ની જાલીનોટો છાપવાનું અને ચલણમાં વહેતી કરવાનું જબરૂ કારસ્‍તાન ઝડપી લીધું છે. હાલમાં ૨ હજારના દરની નોટને ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવી છે અને લોકો આવી નોટો જમા કરાવવા બેંકોમાં ઉમટી રહ્યા છે એ દરમિયાન જ ૧૦૦, ૫૦૦ના દરની નકલી નોટો છાપવાના કારસ્‍તાનનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઇ છે. પોલીસે મુળ મોરબીના સજ્જનપરના વતની અને હાલ મોરબી રોડ અમૃત પાર્કમાં રહેતાં નિકુંજ ભાલોડીયા તથા સાધુ વાસવાણી રોડ પર ડેરી ચલાવતાં વિશાલ ગઢીયા અને ડેરીની નજીકમાં જ રહેતાં વિશાલ બુધ્‍ધદેવને દબોચી લઇ કુલ રૂા. ૨૩,૪૪,૫૦૦ની જાલીનોટો જપ્‍ત કરી છે. જેમાં ૫૦૦ના દરની ૪૬૨૨ નોટો અને ૧૦૦ના દરની ૩૩૫ નકલી નોટો સામેલ છે. સુત્રધાર નિકુંજે ટેક્‍સટાઇલ, મોબાઇલ ફોન અને શેરબજારના એમ ત્રણ ત્રણ ધંધા ફેરવ્‍યા છતાં બે પાંદડે થતો ન હોઇ બે મહિનાથી નકલી નોટો છાપવાના રવાડે ચડયાનું તેણે રટણ કર્યુ છે.

જાલીનોટ કોૈભાંડની વિગતો એવી છે કે ગેરકાયદે પ્રવૃતિઓ અટકાવવા માટે ક્રાઇમ બ્રાંચની ટીમો અને એલસીબી ઝોન-૨ની ટીમો પેટ્રોલીંગમાં હતી ત્‍યારે એલસીબી ટીમના હેડકોન્‍સ. હરપાલસિંહ જશુભા જાડેજા અને કોન્‍સ. જેન્‍તીગીરી રેવતીગીરી ગોસ્‍વામીને પાક્કી બાતમી મળી હતી કે સાધુ વાસવાણી રોડ પર પાટીદાર ચોક પાસે પામસીટી ચોકમાં આવેલી નીરા ડેરી ખાતે ડેરીનો સંચાલક સહિત બે શખ્‍સ હાજર છે અને આ બંને પાસે જાલી ચલણીનોટોનો જથ્‍થો છે.

આ બાતમી મળતાં જ ટીમો તાકીદે સાધુ વાસવાણી રોડની નીરા ડેરી ખાતે પહોંચી હતી. જ્‍યાં બે શખ્‍સો હાજર હોઇ પુછતાછ કરતાં પોતાના નામ વિશાલ બાબુભાઇ ગઢીયા (ઉ.વ.૪૫-રહે. પાટીદાર ચોક, બાલાજી પાર્ક-૫, ‘નીરા' મકાન, સાધુ વાસવાણી રોડ) તથા વિશાલ વસંતભાઇ બુધ્‍ધદેવ (ઉ.વ.૩૯-રહે. સાધુ વાસવાણી રોડ, પાટીદાર ચોક પાસે પામ સીટી ફલેટ નં. ઇ-૯૦૪) જણાવ્‍યા હતાં. આ બંને પાસે જાલી ચલણી નોટો હોવાની પાક્કી માહિતી હોઇ તલાસી લેતાં રૂા. ૫૦૦ના દરની ૨૦૦ જાલીનોટો બંને પાસેથી મળી આવતાં કબ્‍જે કરવામાં આવી હતી. બંને આ નકલી નોટો ક્‍યાંથી લાવ્‍યા તે અંગે પીઆઇ વાય. બી. જાડેજા, પીએસઆઇ આર. એચ. ઝાલા, પીએસઆઇ એમ. જે. હુણની ટીમે વિશીષ્‍ટ ઢબે પુછતાછ શરૂ કરી હતી.

આ દરમિયાન વિશાલ ગઢીયાએ પોતે આ નકલી નોટો પોતાના મોરબી રોડ અમૃત પાર્ક-૧માં હોટેલ રેડ રોઝ પાછળ આવેલા મકાનમાં ભાડેથી રહેતાં નિકુંજ અમરશીભાઇ ભાલોડીયા (ઉ.વ.૩૫) પાસેથી લાવ્‍યો હોવાનું કબુલતાં અને નિકુંજ આ ઘરમાં જ નકલી નોટો છાપતો હોવાનું કબુલતાં પોલીસ બંને વિશાલને સાથે લઇ અમૃત પાર્કમાં નિકુંજ ભાલોડીયાના ઘરમાં ત્રાટકી હતી.

પોલીસે તપાસ કરતાં નિકુંજ ભાલોડીયાના કબ્‍જામાંથી ૫૦૦ અને ૧૦૦ના દરની નકલી નોટોનો જથ્‍થો મળી આવ્‍યો હતો. ઘરમાં કલર પ્રિન્‍ટર, કોમ્‍પ્‍યુટર પણ હોઇ પુછતાછ થતાં નિકુંજ પોતે જ ઇન્‍ટરનેટ, યુ-ટયુબની મદદથી આ નોટો છાપતો હોવાનું કબુલતાં પોલીસે કુલ ૪૬૨૨ નંગ ૫૦૦ના દરની અને ૩૩૫ નંગ ૧૦૦ના દરની નકલી નોટો કબ્‍જે કરી હતી. તેમજ ૧૦ હજારનું સ્‍કેનર કમ પ્રિન્‍ટર, ૨૫ હજારનું કોમ્‍પ્‍યુટર  અને ૧૫ હજારના મોબાઇલ ફોન પણ કબ્‍જે કર્યા હતાં. આ મામલે ત્રણેય શખ્‍સો વિરૂધ્‍ધ ડીસીબી પોલીસ સ્‍ટેશનમાં ગુનો દાખલ કરાવવામાં આવ્‍યો હતો અને ધરપકડ કરવામાં આવી હતી. આગળની તપાસ એસઓજી પીઆઇ જે. ડી. ઝાલા અને ટીમ હાથ ધરશે.

પોલીસની પ્રાથમિક પુછતાછમાં સુત્રધાર નિકુંજ ભાલોડીયાએ એવું રટણ કર્યુ હતું કે પોતે સજ્જનપરનો વતની છે. પણ માતા-પિતા અને ભાઇ સહિતના પરિવાર સાથે છેડો ફાડી ચુક્‍યો છે અને પત્‍નિ સાથે હાલ રાજકોટમાં ભાડાના મકાનમાં રહે છે. અગાઉ તેણે જયપુરમાં ટેક્‍સટાઇલનો ધંધો શરૂ કર્યો હતો પણ તે જામ્‍યો નહોતો, એ પહેલા ટંકારામાં મોબાઇલની દૂકાન ખોલી હતી તેમાં પણ કંઇ જમાવટ થઇ નહોતી. એ પછી શેરબજારનું કામ કર્યુ હતું પરંતુ તેમાં પણ ખોટ ગઇ હતી. આમ ત્રણ ત્રણ ધંધા ફેરવ્‍યા છતાં બે પાંદડે ન થતાં પૈસાની જરૂર હોઇ જાતે જ ચલણી નોટો છાપવાનો વિચાર કર્યો હતો અને તેને અમલમાં મુકવા કલર પ્રિન્‍ટર-કોમ્‍પ્‍યુટર-સ્‍કેનર લાવ્‍યો હતો.

ઇન્‍ટરનેટ-યુ ટયુબની મદદથી પોતે ૧૦૦ અને ૫૦૦ની નોટોને સ્‍કેનરથી સ્‍કેન કરી જેપીજી ફાઇલને ફોટો શોપમાં એડીટીગ કરી કલર પ્રિન્‍ટર મારફત પ્રિન્‍ટ આપી કટીગ કરી નકલી નોટો છાપવા માંડયો હતો. છેલ્લા બે માસથી પોતે કટકે કટકે નોટો છાપતો હતો. આવી નોટો છાપ્‍યા બાદ તે ચલણમાં ચાલે છે કે કેમ? તેની ખરાઇ કરવા પેટ્રોલ પંપ, કરિયાણાની દૂકાન અને પાણીપુરીવાળા સહિતના ફેરીયાઓ પાસે ગયો હતો. જેમાં અમુક જગ્‍યાએ નકલી નોટ ચાલી ગઇ હતી. અમુકે કાગળ કડક હોઇ નકલી હોવાનું કહી પાછી આપી દીધી હતી.

નિકુંજે અન્‍ય આરોપી વિશાલ ગઢીયાનું મકાન ભાડે રાખ્‍યું હોઇ અને વિશાલ સાથે ફાયનાન્‍સ પેઢી ચાલુ કરી હોઇ વિશાલ તેની પાસેથી મકાનનું ભાડુ પણ લેતો નહોતો. ત્‍યાં હવે તેણે નકલી નોટો છાપવાનું ચાલુ કર્યુ  હોઇ તેની જાણ વિશાલ ગઢીયાને કરતાં વિશાલે તેમાં રસ દાખવ્‍યો હતો અને પોતાની ડેરી નજીક જ રહેતો વિશાલ બુધ્‍ધદેવ ડેરીએ દુધ-દહીં લેવા આવતો હોઇ તેની સાથે પરિચય હોઇ અને તે અગાઉ જૂગારના ગુનામાં પોલીસ ચોપડે ચડયો હોઇ તેને જાલીનોટની વાત કરતાં તેણે પણ રસ દાખવ્‍યો હતો. આથી તેણે ૫૦૦૧ના દરની ૧ લાખ નોટો છાપી હતી અને થોડા દિવસ પહેલા જ પોતાના મકાન માલિક તથા ડેરીના માલિક એવા વિશાલ ગઢીયાને આપી હતી. વિશાલ ગઢીયા અને વિશાલ બુધ્‍ધદેવે આ નકલી ૧ લાખની નોટોના બદલામાં નિકુંજને અસલી ૩૫ હજાર ચુકવ્‍યા હતાં. વળી હાલમાં ૨૦૦૦ની નોટો ચલણમાંથી પાછી ખેંચાઇ હોઇ ૧૦૦, ૫૦૦ની નોટોની માંગ વધી હોઇ નિકુંજે છેલ્લા કેટલાક દિવસોમાં વધુ નકલી નોટો છાપી કાઢી હતી.

હાલ તો નિકુંજ એવું રટણ કરે છે કે જેટલી નોટો છાપી છે એ તમામ એટલે કે ૨૩,૪૪,૫૦૦ની નકલી ૫૦૦, ૧૦૦ વાળી નોટો પોલીસ સમક્ષ રજુ કરી દીધી છે. જો કે તે બે મહિનાથી નોટો છાપતો હોવાનું રટણ કરતો હોઇ બીજે પણ ક્‍યાંક વહેતી કરી દીધાની શક્‍યતા છે. ત્રણેયની વિશેષ તપાસ માટે રિમાન્‍ડ મેળવવા તજવીજ થશે. પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ બી. બી. બસીયાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાંચ પીઆઇ વાય. બી. જાડેજા, પીએસઆઇ એમ. જે. હુણ, એલસીબી ઝોન-૨ પીએસઆઇ એચ. આર. ઝાલા, હેડકોન્‍સ. વિરેન્‍દ્રસિંહ ઝાલા, હરપાલસિંહ જાડેજા, મોૈલિકભાઇ સાવલીયા, કિરતસિંહ ઝાલા, ડીસીબીના વિરેન્‍દ્રસિંહ વનરાજસિંહ, ગિરીરાજસિંહ સજ્જનસિંહ, અરૂણભાઇ બાંભણીયા, એલસીબીના જેન્‍તીગીરી ગોસ્‍વામી, અમીનભાઇ ભલુર, ધર્મરાજસિંહ ઝાલા, ડીસીબીના નગીનભાઇ ડાંગરની ટીમે આ કામગીરી કરી હતી.

 

અગાઉ ડીસીબી અને એસઓજીએ જાલનોટોના કોૈભાંડ પકડયા હતાં

એ-ડિવીઝન પોલીસે પણ જબ્‍બર પર્દાફાશ કર્યો હતો

૨૦૧૭માં ૨૦૦૦ના દરની ૨૬ લાખની નકલી નોટો રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચે પકડી હતી. જેમાંબે શખ્‍સને પકડી લેવાયા હતાં. તે વખતે ડીસીબીના એભલભાઇ બરાલીયાને સફળ બાતમી મળી હતી. જ્‍યારે ૨૦૧૯માં શહેર એસઓજીના તે વખતના પીઆઇ આર. વાય. રાવલ તથા પીએસઆઇ બી. કે. ખાચરની ટીમે જાલીનોટના કારસ્‍તાનનો પર્દાફાશ કર્યો હતો. એ કેસમાં આરોપીઓને દસ વર્ષની સજા કોર્ટ દ્વારા ફટકારાઇ હતી.

છેલ્લે એ-ડિવીઝન પોલીસે પણ જાલીનોટના કારસ્‍તાનનો જબ્‍બર પર્દાફાશ કરી છેક હૈદરાબાદ સુધી તપાસનો દોર લંબાવ્‍યો હતો અને આરોપીઓને પકડયા હતાં.

 

નિકુંજ ભાલોડીયા અને વિશાલ ગઢીયાએ ભાગીદારીમાં ફાયનાન્‍સ પેઢી ચાલુ કરી'તી

વિશાલ ગઢીયા પૈસાદાર છે, નવા રેસકોર્ષ રીંગ રોડ પર લાખોની જમીન ધરાવે છેઃ છતાં કારસ્‍તાનમાં સામેલ થયો

રાજકોટઃ સુત્રધાર નિકુંજ ભાલોડીયા અને વિશાલ ગઢીયાએ ભાગીદારીમાં ફાયનાન્‍સ પેઢી પણ ચાલુ કરી હોવાની વિગતો ખુલી છે. બંને ભાગીદાર બન્‍યા હોવાથી વિશાલે પોતાના મકાનનું ભાડુ પણ નિકુંજ પાસેથી લેવાનું બંધ કર્યુ હતું. વિશાલ ગઢીયા પૈસે ટકે સુખી છે અને નવા રેસકોર્ષ રીંગ રોડ પર લાખોની જમીનનો ધરાવે છે. આમ છતાં તે નિકુંજ સાથેના જાલીનોટના કારસ્‍તાનમાં સામેલ થવા લલચાઇ ગયો હતો. જ્‍યારે વિશાલ બુધ્‍ધદેવને તે વિશાલ ગઢીયાને ડેરીએ ચીજવસ્‍તુ લેવા આવતો હોઇ તેના કારણે બંને વચ્‍ચે પરીચય થવા બાદ તે પણ આ કોૈભાંડમાં જોડાયો હતો. આ ત્રિપુટીએ ખરેખર કેટલી નોટો છાપી? કેટલી વહેતી કરી દીધી? તેની તપાસ થઇ રહી છે.

 

સુત્રધાર સજ્જનપુરના નિકુંજ ભાલોડીયાને પરિવાર સાથે પણ ના'તો નથીઃ પત્‍નિ સાથે એકલો રહે છે

 જાલીનોટ કોૈભાંડનો સુત્રધાર નિકુંજ ભાલોડીયા મુળ  મોરબીના સજ્જનપરનો વતની છે. જો કે તેણે ઘણા સમય પહેલા જ માતા-પિતા, ભાઇઓ સહિતના સ્‍વજનો સાથેનો ના'તો તોડી નાંખ્‍યો છે. પોતે ઘણા સમયથી પત્‍નિ સાથે એકલો રહે છે. હાલમાં તો તે બે મહિનામાં જેટલી નકલી નોટો છાપી એ તમામ પોલીસ સમક્ષ રજુ કરી દીધાનું રટણ કરી રહ્યો છે. પરંતુ પોલીસને શંકા છે કે તેણે રાજકોટ સહિત આસપાસમાં કદાચ જાલીનોટો ફરતી કરી દીધી છે. નિકુંજ અને તેની સાથે ઝડપાયેલા વિશાલ ગઢીયા તથા વિશાલ બુધ્‍ધદેવની કેફીયતમાં કેટલી સત્‍યતા છે જાણવા પોલીસ ત્રણેયને વિશેષ પુછતાછ માટે રિમાન્‍ડ પર મેળવવાની કાર્યવાહી હાથ ધરશે.

 

નિકુંજ પ્રારંભે ૧૦૦-૫૦૦ વાળી નોટ છાપી પેટ્રોલ પંપ અને કરિયાણાની દૂકાને, પાણીપુરીવાળા પાસે વટાવવા ગયો'તો

નિકુંજે પ્રાથમિક તપાસમાં રટણ કર્યુ હતું કે પ્રારંભે ૧૦૦-૫૦૦ વાળી નકલી નોટો છાપી તે ચાલે છે કે નહિ તેની ખાત્રી કરવા પેટ્રોલ પંપે ગયો હતો, તેમજ કરિયાણાની દૂકાને અને પાણીપુરીવાળાને આવી નકલી નોટો આપી હતી. અમુક જગ્‍યાએ નોટ ચાલી ગઇ હતી, પણ અમુકે કાગળ કડક જણાતાં કંઇક ગોલમાલ હોવાનું કહી નિકુંજને પાછી આપી દીધી હતી. ત્‍યારે નિકુંજે પોતાને પણ ઉઘરાણીમાં આવી ગઇ છે તેમ કહી નકલી નોટ પરત મેળવી ચાલતી પકડી હતી.

(11:45 am IST)