Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

રાજકોટ જિલ્લામાં ૯૨૨ દિવ્યાંગોની ઇન્દિરા ગાંધી નેશનલ ડીઝેબિલિટી પેન્શન સ્કીમ મંજૂર

લાભાર્થીઓના બેંક ખાતામાં જમા થતી માસિક રૂા. ૧૦૦૦ની સહાય

રાજકોટ: રાજયસરકાર દ્વારા દિવ્યાંગો માટે અમલી બનાવાયેલી વિવિધ યોજનાઓ અન્વયે રાજકોટ જિલ્લામાં ૯૨૨ દિવ્યાંગ વ્યક્તિઓની ઇન્દિરા ગાંધી નેશનલ ડિઝેબિલિટી પેન્શન સ્કીમ મંજૂર કરાઈ છે.

 ૧૮ થી ૭૯ સુધીની ઉંમર,  દિવ્યાંગતાનું ૮૦% કે તેથી વધારે પ્રમાણ અને કૃત્રિમ અંગોથી પણ સ્વતંત્ર રીતે હલન-ચલન કે હરીફરી ન શકતા તથા ગરીબી રેખા હેઠળના દિવ્યાંગ અરજદારો આ યોજનાનો લાભ લઇ શકે છે. આ યોજના અન્વયે લાભાર્થીને માસિક રૂા. ૧૦૦૦/- આપવામાં આવે  છે. જે રકમ અરજદારને DBT મારફત સીધી તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે વિકલાંગ વ્યક્તિએ  ઓળખકાર્ડની ઝેરોક્ષની નકલ, ઉંમરનો દાખલો, વિકલાંગતા દર્શાવતું ડોક્ટરી સર્ટિફીકેટ,  ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબની યાદીનો દાખલો વગેરે સાથે રજુ કરીને અરજીપત્રક સંપૂર્ણ ભરીને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી રજૂ કરવાનું રહેશે. આ અંગેની વધુ વિગતો જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી ખાતેથી મળી શકશે.

  રાજકોટ જિલ્લામાં આ યોજના શરુ થઇ  ત્યારથી આજ સુધી કુલ ૯૨૨ અરજીઓ આવી હતી, જે તમામની અરજી મંજૂર કરી તેમને આ માસિક સહાય ચૂકવવામાં આવે છે. વધુ વિગતો માટે SAMAJKALYAN.GUJARAT.GOV.IN વેબસાઈટ પરથી મળી શકશે, તેમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી પ્રાર્થના શેરસીયાની યાદીમાં જણાવાયું છે.

 

(1:00 am IST)