Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

વિચરતી વિમુક્ત જાતિના પરિવારો માટેની સહાયના કેમ્પનું ઉદઘાટન કરતા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા

તમામ જરૂરિયાતમંદોને આવાસ મળે તે માટે સરકાર સતત પ્રયત્નો કરી રહી છે: મંત્રી કુંવરજીભાઈ બાવળીયા

રાજકોટ:રાજયના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જસદણ ખાતે  વિચરતી વિમુક્ત જાતિના પરિવારોને પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત સહાય આપવા માટે યોજાયેલ કેમ્પને ખુલ્લો મૂક્યો હતો.

  આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીએ ૨૦૨૪ સુધી તમામ જરૂરિયાતમંદ નાગરિકોને ‘‘ઘરનું ઘર’’ મળે તેવો સંકલ્પ કર્યો છે. આને આ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે, આ મહિનાની શરૂઆતમાં  વિમુક્ત સમુદાયના આવાસ વિહોણા ૧૬૭ લાભાર્થીઓને વહીવટી તંત્ર દ્વારા ફાળવાયેલા ૧૦૦ ચોરસ વારના પ્લોટમાં આવાસ બનાવવા માટેની સહાય પૂરી પાડવા આ કેમ્પનું આયોજન કરવામા આવ્યું છે. મંત્રીએ લાભાર્થીઓને ખૂટતા દસ્તાવેજો અને બેંક લોન સરળતાથી ઉપલબ્ધ કરાવવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. તેમજ મળેલી સહાય આવાસ માટે જ વપરાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.

 આ કાર્યક્રમમાં મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયા બાદ પ્રાંત અઘિકારી રાજેશ આલએ  ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, ચાર બુથ દ્વારા આ કેમ્પમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાની તમામ જરૂરિયાતમંદ લોકો અરજીઓ કરી શકે તે પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી છે. વિચરતી જાતિના નાયબ નિયામક જે.એ. બારોટે તમામ જરૂરિયાતમંદોને આ યોજનાનો લાભ લેવા અપીલ કરી હતી.

આ તકે તાલુકા વિકાસ અધિકારી જી. એમ. રાઠોડ, મામલતદાર તેમજ સંબંધિત અધિકારીઓ અને જસદણ ઉપરાંત પોલાસર, લીલાપુર, ભાડલા, કમળાપુરના વિચરતી જાતિના અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.

પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ અને વિચરતી જાતિઓના ઘર વિહોણા વ્યક્તિઓને મકાન માટે રૂ. ૧.૨૦ લાખની સહાય આપવામાં આવે છે. ઉપરાંત અન્ય શૌચાલય, બાથરૂમ, મનરેગા અંતર્ગત અન્ય મળીને લગભગ દોઢ લાખ જેટલી સહાય મળવાપાત્ર છે. આ માટે જિલ્લાના નાયબ નિયામક / જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતી જાતિ)ની કચેરીથી લાભાર્થીઓ માહિતી મેળવી શકે છે તેમજ ઈ- સમાજ કલ્યાણ વેબસાઈટ  પર  ઓનલાઇન અરજી પણ કરી શકે છે.

 

(12:56 am IST)