Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

માનવીના જીવનની ભૂલો ગુસ્સામાં લીધેલા નિર્ણયોનું પરિણામ છે : પૂજ્ય ભૂપેન્દ્રભાઇ

રાજકોટ લોહાણા મહાજન આયોજીત શ્રી રામકથામાં પૂજ્ય શ્રી ભૂપેન્દ્રભાઇ પંડયાની અમૃતવાણી : કાનના વાળ ધોળા થાય ત્યારે સમજવું કે વૃધ્ધાવસ્થાનું આગમન થયું છેઃ જામનગરના આણદાબાવાના આશ્રમના : મહંતશ્રીએ પ્રેરણાદાયી પ્રવચન કર્યું :મનનો મેલ ધોવાશે તો જ સ્વચ્છ :માનવ સમાજનું નિર્માણ થશે :રામાયણની મંથરાઓ અને મહાભારતની પૂતનાઓ યુગો પછી આજે પણ માનવ સમાજમાં છે

રાજકોટ તા. ૨૬ : રાજકોટમાં ચૌધરી હાઇસ્કુલ પ્રાંગણમાં શ્રી રામનગરી ખાતે રાજકોટ લોહાણા મહાજન દ્વારા પ્રથમ વખત શ્રી રામકથાનું અનોખું આયોજન થયું છે, વ્યાસપીઠેથી રામાયણના જ્ઞાતા શ્રી ભૂપેન્દ્રભાઇ પંડયા તુલસીદાસજીની રામાયણ, વાલ્મિકી રામાયણ અને રામાયણના વિવિધ પ્રાચીન ગ્રંથોનો અર્ક તારવીને શ્રી રામકથાનું પોતાનું મૌલિક અભિગમથી સરળ અને લોકભોગ્યભાષામાં રસપાન કરાવી રહ્યા છે.

મિથિલામાં વિવાહ સંસ્કાર પૂર્ણ કરીને ચારેય ભાઇઓની જાન અયોધ્યાનગરીમાં પધારે છે, ત્યારે ત્યાંની પ્રજાના ઉત્સાહ અને નગરીના શણગારનું વ્યાસપીઠેથી સુંદર વર્ણન કરવામાં આવ્યું હતું. અયોધ્યાના રાજા દશરથ હવે અયોધ્યા રાજની ગાદી ઉપર રામને બેસાડશે, રાજ્યાભિષેકની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલતી હતી. રાજાશાહીની ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ રાજાનું શાસન એકહથ્થુ નહોતું, રાજા રાજ્યનો માલિક નથી, પ્રજાનો સેવક અને રાજ્યનો ટ્રસ્ટી છે. રાજાને મદદ અને માર્ગદર્શન આપવા અષ્ટપ્રધાન મંડળ અને અષ્ટ ઋષિ મંડળ પણ હોય છે. ભારતીય સંસ્કૃતિ મુજબ રાજા, અષ્ટ પ્રધાન મંડળ અને અષ્ટ ઋષિ મંડળનું શાસન ચાલતું હતું.

રામકથા ઉપક્રમે વ્યાસપીઠેથી શ્રીરામના રાજ્યાભિષેકથી ૧૪ વર્ષના શ્રી રામના વનવાસની વાત કરી શ્રોતાઓ આ કરૃણ પ્રસંગ ગંભીરતાથી સાંભળી રહ્યા હતા. મંથરાની ખટપટથી કૈકેયીએ પતિ દશરથ પાસેથી તેના બે વરદાન માગીને ભરતને અયોધ્યાની ગાદી અને રામને ૧૪ વર્ષ વનવાસની માંગણી કરી, ભગવાન રામ નિયતિનો સ્વીકાર કરે છે, તે સ્થિત પ્રજ્ઞ છે. ભગવાન રામ પગપાળા વનવાસ જવા નીકળે છે, અયોધ્યાની પ્રજા તેમની પાછળ આવે છે, અહિં કથા વિરામ લે છે.

કથા દરમિયાન ગઇકાલે વ્યાસપીઠેથી કેટલીક પ્રેરક વાતો કરવામાં આવી, જીવ અને ઇશ્વર સાથે છે, દૂર નથી અતિ સમીપમાં છે છતાં જીવને પરમાત્માનો અનુભવ થતો નથી. બંને વચ્ચે કામરૃપી પડદો છે, આ પડદો દૂર થઇ જાય તો જીવ - ઇશ્વર એક થઇ જાય. ભગવાન સાથેનું અનુસંધાન તૂટે છે, ત્યારે માનવીના જીવનમાં દુઃખો આવે છે, મનનો મેલ ધોવાશે તો જ સ્વચ્છ માનવ સમાજનું નિર્માણ થશે. સેવા, સત્સંગ અને નામ સ્મરણ પ્રભુ પ્રાપ્તિના પ્રવેશદ્વારો છે. રામાયણની મંથરાઓ અને મહાભારતની પૂતનાઓ યુગો પછી આજે પણ માનવ સમાજમાં છે.(૨૧.૩૨)

શ્રી રામકથાના પાંચમા દિવસના જીવનોપયોગી મુખ્ય અંશો

.    સેવા, સત્સંગ અને નામસ્મરણ પ્રભુ પ્રાપ્તિના પ્રવેશદ્વારો છે

.    રાજા રાજ્યનો માલિક નથી, પ્રજાનો સેવક, રાજ્યનો ટ્રસ્ટી છે.

.    શાંતિ હંમેશા સમાધાનથી મળે છે, અપેક્ષાઓ અસંતોષની જનની છે

.    સંસ્કારનો સંબંધ વિચાર સાથે નહિ, આચરણ સાથે છે.

.    શત્રુ, રોગ, અગ્નિ અને સ્ત્રીની કયારેય ઉપેક્ષા ન કરો.

.    જગત બદલ્યું કે બગડયું નથી, માનવીના વિચારો વિકૃત થયા છે.

     પ્રારબ્ધ કર્મો, રાગદ્વેષ, ઇચ્છાઓ અને ક્રોધ સુખ-શાંતિમાં રહેવા દેતા નથી.

.    કામ, ક્રોધ અને લોભ.... આ ત્રણેય નર્કના દરવાજા છે, આ ત્રણે હોય

     ત્યાં રામરાજ્ય ન આવે

.    કૌશલ્યા એ નિષ્કામ બુધ્ધિ, સુમિત્રા શ્રધ્ધા અને કૈકેયી કુબુધ્ધિ છે.

.    સ્ત્રીને પુત્ર કરતા પતિમાં વિશેષ પ્રેમ હોવો જોઇએ : શાસ્ત્રોકત વિધાન

.    ભગવાન સાથેનું અનુસંધાન તૂટે છે ત્યારે માનવીના જીવનમાં દુઃખો આવે છે.

(3:02 pm IST)