Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

વડાપ્રધાનની આસપાસ કામગીરી કરનાર તમામ અધિકારીઓના RTPCR ટેસ્ટ ફરજીયાત : ફાયર સેફટી - મેડીકલ ટીમો તૈનાત

લોકો માટે પણ એકસ્ટ્રા એમ્બ્યુલન્સ રહેશે : સંખ્યાબંધ ડોકટરો - ફિઝીશ્યનોને સ્ટેન્ડ બાય રખાયા

રાજકોટ તા. ૨૬ : રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે પ્રધાનમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં તા. ૨૮ મે, ૨૦૨૨ના રોજ પટેલ સમાજ સંચાલિત કે.ડી.પી.હોસ્પિટલનું લોકાર્પણ થનાર છે. જેને અનુસંધાને જિલ્લા કલેકટરના અરૃણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં કલેકટરે હેલિપેડ સ્થળ અને કોન્વોયની કામગીરી અંગે વિગતવાર જાણકારી મેળવી હતી. ફાયર સેફટી, મેડિકલ ટીમ, બી.એસ.એન.એલ. હોટલાઈનની વ્યવસ્થા સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી. ઉપરાંત મહાનુભાવોની બેઠક વ્યવસ્થાનું સુચારૃ આયોજન કરવા તાકીદ કરી હતી. તેમજ સભાસ્થળ પર સામાન્ય જનતાના આરોગ્યની કાળજી રાખીને એકસ્ટ્રા એમ્બ્યુલન્સ, સિનિયર ડોકટર અને ફિઝિશયન ટીમને સ્ટેન્ડ બાય રાખવા સૂચના આપી હતી.

વધુમાં કલેકટરશ્રીએ કાર્યક્રમ સમયે પી.એમ.ની આસપાસ કામગીરી કરનાર અધિકારીશ્રીઓ અને  કર્મચારીઓના ફરજિયાત આર.ટી.પી.સી.આર ટેસ્ટ કરવા જણાવ્યું હતું. તેમજ કાયદા અને વ્યવસ્થાના ભાગરૃપે મીડિયા પાસ અંગે થયેલી કામગીરીની માહિતી મેળવી હતી. સાથો સાથ  સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને જરૃરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ સમીક્ષા બેઠકમાં નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર, ડી.વાય.એસ.પી. ડીઓરા, એસ.પી.જી. રવિન્દ્ર મલિક, ચીફ ફાયર ઓફિસર આઈ.વી.ખેર, મેડિકલ ઓફિસર મહેન્દ્રભાઈ ચાવડા, એર ટ્રાફિક કન્ટ્રોલર, ઇન્ડિયન એર એવીએશન, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(1:12 pm IST)