Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

ટ્રાફિક બ્રાંચના એએસઆઇ અરવિંદભાઇ મોડીયાનુ અવસાનઃ પોલીસબેડામાં શોક

મારૂતિનગર પોલીસ લાઇનમાં રહેતાં હસમુખા, સરળ સ્‍વભાવના અરવિંદભાઇ મુળ સાબરકાંઠાના વતનીઃ ગયા મહિને બ્રેઇન સ્‍ટ્રોક આવી ગયા બાદ સારવારમાં દમ તોડયો : આગામી ૧ જુને જન્‍મદિવસ હતોઃ ગઇકાલે અંતિમ શ્વાસ લઇ લીધા : સીપી ઓફિસમાં વર્ષો સુધી વિડીયોગ્રાફર તરીકે ફરજ બજાવી હતી

રાજકોટ તા. ૨૩: શહેર પોલીસમાં ફરજ બજાવતાં હાલ મારૂતિનગર પોલીસ લાઇન નવ ચાર માળીયા બ્‍લોક નં. ૧૦માં રહેતાં મુળ સાબરકાંઠાના વિજયનગર તાબેના કંથારીયા ગામના વતની એએસઆઇ અરવિંદભાઇ રામજીભાઇ મોડીયા (ઉ.વ.૫૧)નું ગઇકાલે મોડી રાતે નિધન થતાં પરિવારજનો અને શહેર પોલીસબેડામાં શોક છવાઇ ગયો છે.
અરવિંદભાઇ મોડીયા પાંચ ભાઇ અને ચાર બહેનમાં સોૈથી નાના હતાં. તેમને સંતાનમાં એક પુત્રી અને ત્રણ પુત્ર છે. અરવિંદભાઇ મોડીયા વર્ષોથી રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે વિડીયોગ્રાફર તરીકે ફરજ બજાવતાં હતાં. નિર્વસ્‍યની, હસમુખા અને સરળ સ્‍વભાવના અરવિંદભાઇ ફરજ દરમિયાન હમેંશા સોૈની સાથે હળીમળીને રહેતાં હતાં અને તેમના હસમુખા સ્‍વભાવને કારણે સોૈના પ્રિય હતાં. ત્રણ ચાર મહિના પહેલા જ અરવિંદભાઇની બદલી ટ્રાફિક બ્રાંચમાં થઇ હતી.
તેમના પુત્ર આશિષભાઇ (મો. ૬૩૫૧૬ ૪૪૮૬૧)એ જણાવ્‍યું હતું કે ગત ૨૨/૪ના રોજ પપ્‍પા અરવિંદભાઇ લગ્ન પ્રસંગ પતાવીને આવ્‍યા હતાં અને બે દિવસની રજા પર હતાં. રાત્રે તેઓ બાથરૂમ થવા ઉભા થયા ત્‍યારે અચાનક જ બ્રેઇન સ્‍ટ્રોક આવી ગયો હતો. રાજકોટ, હિમતનગર સારવાર બાદ અમદાવાદ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. જ્‍યાં ગઇકાલે દમ તોડી દીધો હતો. અંતિમવિધી વતન કંથારીયા ગામે કરવામાં આવી હતી.
કરૂણતા એ છે કે આવતા મહિને ૧ જુને જ અરવિંદભાઇનો બાવનમો જન્‍મદિવસ હતો. સ્‍વજનો તેમના જન્‍મદિનની રાહમાં હતાં ત્‍યાં ૨૫/૫ના રોજ અરવિંદભાઇએ અંતિમ શ્વાસ લઇ લીધા હતાં. પોલીસબેડાએ સદ્દગતને શ્રધ્‍ધાંજલિ અર્પી હતી.

 

(10:40 am IST)