Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

અમીન માર્ગ પર બંગલોમાં રખેવાળ સોની વૃધ્‍ધની હત્‍યાઃ નોકરીમાંથી છુટા કરાયેલા નેપાળી પર શંકાઃ પુછપરછ

પટેલ ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરવાળા પ્રવિણભાઇ પટેલની કંપનીમાં સોની વૃધ્‍ધ વિષ્‍ણુભાઇ ૩૮ વર્ષથી નોકરી કરતા'તાઃ ચાર વર્ષથી બંગલાની રખેવાળીનું કામ સોંપાયુ હતું : જ્‍યાં હત્‍યાની ઘટના બની એ બંગલો ખોડલધામ પ્રણેતા નરેશભાઇ પટેલના વેવાઇનોઃ માલવીયાનગર પોલીસે હત્‍યાનો ભોગ બનનાર સોની વૃધ્‍ધ વિષ્‍ણુભાઇના પુત્ર અક્ષર પાર્કના રૂપેશભાઇ ઘુંચલાની ફરિયાદ નોંધી-ક્રાઇમ બ્રાંચની ટીમને ઝડપથી ભેદ ઉકેલાઇ જવાની આશા

કેરટેકરની હત્‍યા: અમીન માર્ગ પર વિદ્યાકુંજ સોસાયટીમાં ઇશાવસ્‍યમ બંગલામાં કેરટેકર તરીકે, રખેવાળ તરીકે રહેતાં સોની વૃધ્‍ધ વિષ્‍ણુભાઇ ઘુંચલાની ગત રાતે હત્‍યા કરી નાંખવામાં આવતાં ચકચાર મચી ગઇ છે. માલવીયાનગર પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમો ભેદ ઉકેલવા તપાસ કરી રહી છે. તસ્‍વીરમાં જ્‍યાં હત્‍યા થઇ એ બંગલો, અંદર વિષ્‍ણુભાઇનો નિષ્‍પ્રાણ દેહ અને નીચેની તસ્‍વીરમાં તેમનો ફાઇલ ફોટો તથા ઘટના સ્‍થળે ડીસીપી સુધીરકુમાર દેસાઇ, પીઆઇ કે. એન. ભુકણ, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા સહિતના જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા) (૧૪.૯)

રાજકોટ તા. ૨૫: શહેરના અમીન માર્ગ પર વિદ્યાકુંજ સોસાયટીમાં ખોડલધામ પ્રમુખ નરેશભાઇ પટેલના વેવાઇ જાણીતા પટેલ ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરવાળા પ્રવિણભાઇ પટેલના ઇશાવસ્‍યમ નામના બંગલોમાં ચારેક વર્ષથી રખેવાળી કરતાં પ્રવિણભાઇના ૩૮ વર્ષ જુના અને અતિ વિશ્વાસુ કર્મચારી અક્ષર પાર્કના સોની વૃધ્‍ધ વિષ્‍ણુભાઇ ઘુચલાની ગત સાંજે પોણા આઠેક વાગ્‍યા પછી અજાણ્‍યા શખ્‍સે પાછળની સાઇડથી બંગલામાં ઘુસી ગળા પર ડિસમીસ કે બીજા કોઇ હથીયારના ઘા ઝીંકી હત્‍યા કરતાં સનસનાટી મચી ગઇ હતી. આ હત્‍યા અગાઉ નોકરીમાંથી છુટા કરાયેલા નેપાળીએ ખાર રાખીને કર્યાની શંકાને પગલે ક્રાઇમ બ્રાંચે શકમંદોને ઉઠાવી લઇ પુછતાછ શરૂ કરતાં ભેદ ઝડપથી ઉકેલાઇ જવાની શક્‍યતા છે.

માલવીયાનગર પોલીસે આ બનાવમાં હત્‍યાનો ભોગ બનેલા વિષ્‍ણુભાઇ ચકુભાઇ ઘુચલા (સોની) (ઉ.વ.૬૦)ના પુત્ર રૂપેશભાઇ વિષ્‍ણુભાઇ ઘુચલા (ઉ.૪૦-રહે. ઓમ, અક્ષર પાર્ક, બંધ શેરી, યોગીનગર રૈયા સર્કલ પાસે)ની ફરિયાદ પરથી અજાણ્‍યા સામે આઇપીસી ૩૦૨, ૪૪૯, ૧૩૫ (૧) મુજબ હત્‍યાનો ગુનો નોંધ્‍યો છે.

રૂપેશભાઇએ જણાવ્‍યું હતું કે હું મારી ઘરે જ સોનીકામની મજુરી કરુ છું. મારા પિતાજી વિષ્‍ણુભાઇ ઘુચલા બે ભાઇ અને એક બહેનમાં નાના હતાં. મારા માતાનું નામ ભારતીબેન છે. પિતા વિષ્‍ણુભાઇ છેલ્લા ૩૮ વર્ષથી અમીન માર્ગ વિદ્યાકુંજ સોસાયટી-૧, ઇશાવસ્‍યમ મકાન નં. ૨૩-બીમાં રહેતાં પટેલ ઇન્‍ફાસ્‍ટ્રક્‍ચરવાળા પ્રવ્‍ણિભાઇ પટેલની કોટેચા ચોક કૈરવી પાન પાસે આવેલી પેટકોન હાઉસ નામની ઓફિસમાં ઓફિસ આસિસ્‍ટન્‍ટ તરીકે નોકરી કરતાં હતાં. હાલમાં મારા પિતાજીના શેઠ પ્રવિણભાઇ પટેલ તેમના પરિવાર સાથે વડોદરા રહેવા જતાં રહ્યા છે અને પ્રસંગોપાત રાજકોટ આવે છે.

અમીન માર્ગ વિદ્યાકુંજ સોસાયટીનું પ્રવિણભાઇ પટેલનું ઘર રેઢુ ન રહે તે માટે તેમણે વિશ્વાસુ એવા મારા પિતા વિષ્‍ણુભાઇને આ ઘરની દેખરેખનું કામ સોંપ્‍યું હતું. મારા પિતા ચાર વર્ષથી ઇશાવસ્‍યમ ખાતે જ સુતા હતાં. સવારે ચાપાણી પીવા અને બપોરે જમવા માટે અમારી ઘરે આવી જતાં હતાં.

મંગળવારે ૨૪મીએ બપોરે ત્રણેક વાગ્‍યે મારા પિતાજી વિષ્‍ણુભાઇ અમારી ઘરેથી જમીને રાતનું ટિફીન લઇને શેઠ પ્રવિણભાઇ વિઠ્ઠલભાઇ પટેલના ઘરે જતાં રહ્યા હતાં. હું રાતે સાડા નવેક વાગ્‍યે ઘરે હતો ત્‍યારે મારા મિત્ર હિતેષભાઇ વશરામભાઇ કારેલીયા મારા ઘરે આવ્‍યા હતાં અને કહ્યું હતું કે, ‘તમારા બાપુજી વિષ્‍ણુભાઇને કોઇ અજાણ્‍યા શખ્‍સે કોઇ હથીયારથી ઇજા કરતાં તેમનું મોત થયું છે.' આ વાત સાંભળતા જ હું, મારા માતા ભારતીબેન તુરત જ મિત્ર હિતેષભાઇ સાથે અમીન માર્ગના પ્રવિણભાઇ પટેલના બંગલે પહોંચ્‍યા હતાં.

ત્‍યાં જઇ જોતાં મારા પિતા વિષ્‍ણુભાઇની લાશ પહેલા માળે ડ્રોઇંગ રૂમમાં ભોંયતળીયે પડી હતી. તેને ગળા પર જમણી બાજુ કોઇ હથીયારથી ઇજા પહોંચાડાઇ હોવાના નિશાન જોવા મળ્‍યા હતાં અને લોહી પણ નીકળેલુ હતું. ભોંયતળીયે પણ લોહીના ડાઘા જોવા મળ્‍યા હતાં. ઘરમાંથી કોઇ ચીજવસ્‍તુ ગઇ છે કે કેમ? તેની જાણ પ્રવિણભાઇ આવ્‍યા પછી થઇ શકશે. બનાવની જાણ થતાં પ્રવિણભાઇના કારખાનામાં કામ કરતાં રવિભાઇ દેવરાજભાઇ કાલાવડીયા પણ આવી ગયા હતાં. રવિભાઇએ સાંજે પોણા આઠેક વાગ્‍યે જ મારા પિતા વિષ્‍ણુભાઇ સાથે મોબાઇલ ફોનમાં વાતચીત કરી હતી. એ પછી કોઇએ ઘરમાં ઘુસી મારા પિતાની હત્‍યા કરી હતી.

રૂપેશભાઇએ ઉપરોક્‍ત વિગતો જણાવતાં ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી જે. એસ. ગેડમની રાહબરીમા પીઆઇ કે. એન. ભુકણ, મયુરભાઇ મિયાત્રા, અરૂણભાઇ સહિતે ગુનો નોંધ્‍યો હતો. ઘટનાની જાણ થતાં ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, પીઆઇ વાય. બી. જાડેજા, પીઆઇ જે. વી. ધોળા, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી,  મસરીભાઇ ભેટારીયા સહિતનો કાફલો અને ક્રાઇમ બ્રાંચ, પેરોલ ફરલો સ્‍ક્‍વોડની ટીમ, એસઓજીની ટીમો પણ પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

હત્‍યાનો ભોગ બનેલા વિષ્‍ણુભાઇ સોનીના શેઠ પ્રવિણભાઇ પટેલની કંપનીએ દિલ્‍હી-મુંબઇ નેશનલ હાઇવે બનાવી રેકોર્ડ સર્જયો છે. તેઓ રાજકોટના આગેવાન ખોડલધામના પ્રણેતા નરેશભાઇ પટેલના વેવાઇ પણ થાય છે. 

ક્રાઇમ બ્રાંચે રાતોરાત આ હત્‍યાનો ભેદ ઉકેલી નાખવા પ્રયાસ કર્યો હતો. અગાઉ નોકરીમાંથી છુટા કરાયેલા નેપાળી શખ્‍સે ખાર રાખી હત્‍યા કર્યાની વિગતો ચર્ચાતી હોઇ ક્રાઇમ બ્રાંચે કેસર બહાદુરસિંગ સહિતના નેપાળી શખ્‍સોને પુછતાછ માટે બોલાવ્‍યા હતાં.  સીસીટીવી ફૂટેજમાં પણ એક શખ્‍સ ઘરમાં પાછળથી દિવાલ કૂદીને આવ્‍યાનું પોલીસને જોવા મળ્‍યું છે. આ શખ્‍સ રાતે નવેક વાગ્‍યે અંદર આવ્‍યો હતો અને પંદરેક મિનીટમાં કામ પતાવી બહાર નીકળી ગયો હતો. ઘરમાંથી કોઇ ચીજવસ્‍તુની ચોરી થઇ ન હોઇ હત્‍યા કાવતરાના ભાગ રૂપે કરવામાં આવ્‍યાનું પણ જણાયું હતું. ક્રાઇમ બ્રાંચની ટીમને ઝડપથી સફળતા મળી જાય તેવી આશા છે. બંગલાના આસપાસના બીજા સીસીટીવી ફૂટેજ, મેઇન રોડના ફૂટેજ પણ મેળવવા તજવીજ થઇ રહી છે. હત્‍યારો બુકાની બાંધીને આવ્‍યો હતો.

વિષ્‍ણુભાઇ ઘુચલાની હત્‍યાથી સોની પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ છે.  સવારે મૃતદેહનું પોસ્‍ટ મોર્ટમ કરવામાં આવ્‍યું હતું. આ વખતે હોસ્‍પિટલ ખાતે મોટી સંખ્‍યામાં મૃતકના સ્‍વજનો, તેઓ જ્‍યાં નોકરી કરતાં હતાં એ કંપનીના લોકો, સાથી કર્મચારીઓ હાજર રહ્યા હતાં. (૧૪.૬)

 

હત્‍યાનો ભોગ બનેલા વિષ્‍ણુભાઇ સોની ૩૮ વર્ષ જુના કર્મચારી હોઇ તેમને બંગલાની રખેવાળી સોંપાઇ હતી

ગઇકાલે બપોરે ત્રણ વાગ્‍યે ઘરે જમીને રાતનું ટિફીન લઇને ગયા પછી તેમની હત્‍યાના વાવડ મળતાં ઘુંચલા-સોની પરિવારમાં કલ્‍પાંત સર્જાયો

હત્‍યાનો ભોગ બનેલા વિષ્‍ણુભાઇ ચકુભાઇ ઘુંચલા-સોની બે ભાઇ અને એક બહેનમાં નાના હતાં. તેમને સંતાનમાં એક જ પુત્ર રૂપેશભાઇ છે જે સોની કામ કરે છે. રૂપેશભાઇએ જણાવ્‍યું હતું કે મારા પિતા વિષ્‍ણુભાઇ પટેલ ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરમાં છેલ્લા ૩૮ વર્ષથી નોકરી કરતાં હોઇ તેઓ શેઠ પ્રવિણભાઇ પટેલના ખુબ વિશ્વાસુ હતાં. હાલમાં પ્રવિણભાઇનો પરિવાર વડોદરા રહેતો હોઇ તેમના અમીન માર્ગ વિદ્યાકુંજના મકાનની દેખરેખની જવાબદારી તેમણે મારા પિતા વિષ્‍ણુભાઇને સોંપી હતી. મારા પિતા સવારે ચા પાણી પીવા અને બપોરે જમવા માટે ઘરે આવતાં હતાં. બાકીના સમયે શેઠના બંગલે જ રહેતાં હતાં અને ત્‍યાં જ સુઇ જતાં હતાં. કેરટેકર તરીકે તેઓ કામ કરતાં હતાં. ગઇકાલે મંગળવારે બપોરે જમવા આવ્‍યા બાદ ત્રણેક વાગ્‍યે રાતનું ટિફીન લઇને ફરી બંગલે જતા રહ્યા હતાં. એ પછી મને મિત્ર મારફત વાવડ મળ્‍યા હતાં કે મારા પિતાજીની હત્‍યા થઇ ગઇ છે.

 

હત્‍યારો બુકાની બાંધની આવ્‍યો હતોઃ અન્‍ય બંગલા, રોડના સીસીટીવી ફૂટેજ મેળવવા તજવીજ

ગુનાશોધક શ્વાન પોલીસે ઘટના સ્‍થળે તપાસ માટે ડોગ સ્‍ક્‍વોડ બોલાવી હતી. ગુનાશોધક શ્વાન ઘટના સ્‍થળેથી સ્‍મેલ લઇ બહાર આશરે ૨૦૦ મીટર દૂર જઇ અટકી ગયો હતો. ઘટના સ્‍થળેથી લોહીવાળી ડિસમીસ મળી હતી. હત્‍યારો બંગલાના પાછળના દરવાજેથી આવ્‍યો હતો અને ત્‍યાંથી જ ભાગી ગયાનું જણાયું હતું. બંગલામાંથી કોઇ ચીજવસ્‍તુની ચોરી થઇ ન હોઇ હત્‍યા પુર્વયોજીત કાવતરાના ભાગ રૂપે થયાની શક્‍યતા નકારાતી નથી. હત્‍યારો મોઢે બુકાની બાંધીને આવ્‍યો હતો. પોલીસ ઘટના સ્‍થળ સિવાયના બંગલાઓનો, મેઇન રોડના સીસીસીટી ફૂટેજ મેળવીને તપાસ કરી રહી છે. કારની સતત અવર જવરને કારણે પડછાયો પડતો હોઇ પોલીસને ક્‍લીયર સીસીટીવી ફૂટેજ મળ્‍યા નથી.

 

હત્‍યા થઇ એ પહેલા સાંજે પોણા આઠે  વિષ્‍ણુભાઇ સાથે રવિભાઇએ વાત કરી હતી

હત્‍યાનો ભોગ બનેલા વિષ્‍ણુભાઇના પુત્ર રૂપેશભાઇએ કહ્યું હતું કે-બનાવની જાણ થતાં મારા પિતાના શેઠ પ્રવિણભાઇ પટેલની ફેક્‍ટરીમાં કામ કરતાં રવિભાઇ કાલાવડીયા પણ ઘટના સ્‍થળે આવ્‍યા હતાં. તેણે કહ્યું હતું કે-હજુ તો હમણા સાંજે પોણા આઠે જ વિષ્‍ણુભાઇ સાથે રૂટીન વાતચીત ફોનમાં થઇ હતી. આ જોતાં હત્‍યારો એ પછી ઘરમાં ઘુસ્‍યો હતો અને કામ તમામ કરી ભાગી ગયો હોવાનું સ્‍પષ્‍ટ થયું હતું.

(3:17 pm IST)