Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

રાજકોટ એસ.ટી.ની લાખના બાર હજાર જેવી સ્થિતિ રોજની આવક પોણા બે લાખઃ ડીઝલનો ખર્ચ ૩II લાખ!!

હાલ ૯ર રૂટ જ દોડે છેઃ બે દિ'માં મંજૂરી લઇ નવા રૂટ શરૂ કરાય તેવી શકયતા... : ૧પ૦ કરોડના ખર્ચે બનેલુ નવું બસ સ્ટેન્ડ સંપૂર્ણ તૈયારઃ પણ હાલ ટ્રાન્સફર નહીં કરાય

રાજકોટ તા. ર૬: રાજકોટ એસ.ટી. ડિવીઝનની સ્થિતિ હાલ લાખના બાર હજાર કરવા જેવી થઇ ગઇ છે, ગયા બુધવારથી બસ સેવા શરૂ થઇ, દરેક જીલ્લા-તાલુકા માટે ર થી ૧ર જેવી ટ્રીપો ફાળવાઇ પરંતુ સખત ગરમી-આકરો તાપ અને કોરોના ભયને કારણે આવકમાં ખાસ કોઇ વધારો થયો નથી.

એસ.ટી.ના અધીકારી સૂત્રોના ઉમેર્યા પ્રમાણે હાલ રોજની આવક માંડ પોણા બે લાખ જેવી થાય છે, તે સામે બસનો ડીઝલનો ખર્ચ ૩ાા થી ૪ લાખે પહોંચી જાય છે, અને કર્મચારીઓના પગાર તો જુદા.

તેમણે ઉમેર્યું હતું કે હાલ તો ૯ર ટ્રીપ જ રોજ દોડાવાય છે, પરંતુ અમે નવા શેડયુલ ગોઠવી રહ્યા છીએ, અને વડી કચેરીની મંજૂરી લઇ નવા રૂટો-જે તે જીલ્લા-તાલુકામાં બસો વધારવા અંગે કાર્યવાહી થવાની શકયતા છે.

દરમિયાન ડિવીઝનલ નિયામક શ્રી યોગેશ પટેલે નવા અદ્યતન બસ સ્ટેન્ડ અંગે ''અકિલા''ને ઉમેર્યું હતું કે ઢેબર રોડ પરનું આ બસ સ્ટેન્ડ સંપૂર્ણ બની ગયું છે, તૈયાર થઇ ગયું છે, હવે ટુંકમાં સતાવાર કબજો સોંપશે, જો કે હાલ ત્યાં ટ્રાન્સફર નહીં કરાય, કોરોનાની સ્થિતિમાં બંને સ્થળે પહોંચવું હાલ શકય નથી.

(2:45 pm IST)